unknown facts about gujarat cm vijay rupani on his birthday
બર્થ ડે સ્પેશ્યલ /
વિજય રૂપાણીની રાજકોટમાં બેંરિગના ધંધાથી CM સુધીની સફર, જાણો અનેક અજાણી વાતો
Team VTV12:56 PM, 02 Aug 19
| Updated: 01:18 PM, 02 Aug 19
ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીનો આજે 63મો જન્મ દિવસ છે. તેમનો જન્મ બર્મા(મ્યાનમાર)ના રંગૂન શહેરમાં 2 ઓગસ્ટ 1956ના રોજ થયો હતો. બહુ ઓછા લોકો એ જાણતા હશે કે વિજયભાઈ માત્ર ચાર વર્ષના હતા ત્યારે તેમનો પરિવાર બર્મામાંથી રંગુન છોડીને રાજકોટ આવી ગયો હતો. રંગૂનમાં તેમના પરિવારને કાપડ નો ધંધો હતો.
વિજયભાઈ જન્મ્યા રંગૂનમાં પણ ફરી ક્યારેય ગયા નથી
જોકે રાજકોટ આવ્યા બાદ તેઓ ક્યારેય રંગુન ગયા નથી. વિજયભાઈએ રાજકોટને જ પોતાની કર્મભૂમિ બનાવી છે. તેમનું ઘડતર અને ઉછેર પણ રાજકોટમાં જ થયો છે. રાજકોટમાં તેમના પરિવારને ગરેડીયા કુવા રોડ પર બેરિંગ નો ધંધો હતો. આ દુકાન આજે પણ છે અને મુખ્ય મંત્રી બન્યા બાદ પણ દિવાળી પર વિજય રૂપાણી ચોપડાં પૂજન કરવાં આ દુકાને આવે છે. તેમણે પરિવારની પરંપરા હંમેશા જાળવી છે.
ડી એચ કોલેજનાં GS વિજયભાઈ આજે CM
કોર્પોરેટરથી માંડી મુખ્યપ્રધાન સુધીની સફરમાં રાજકોટ જ તેમની રાજકીય કારકિર્દીનું સાક્ષી બન્યું છે. આજે તેમના જન્મ દિવસે કેટલીક એવી અજાણી વાતો કરવી છે જે ભાગ્યે જ કોઈ જાણતું હશે. નેતૃત્વના ગુણો તેમનામાં વિદ્યાર્થી કાળથી હતાં. રાજકોટની ડી એચ કોલેજના તેઓ GS (જનરલ સેક્રેટરી) તરીકે પણ ચૂંટાયા હતાં. ક્રિકેટના તેઓ ખૂબ શોખીન છે. વિજયભાઈ અને અંજલિબેનની પ્રેમ કહાની પણ અમર છે. બંનેએ વિદ્યાર્થી પરિષદમાં રહી પ્રેમ લગ્ન કર્યા છે.
વિજયભાઈનાં એક દિકરા પૂજિતનું 3 વર્ષની ઉંમરે નિધન થયું હતું
વિજયભાઈ અને અંજલિબેનની સંતાનમાં હાલમાં એક દિકરી અને એક દિકરો છે. દિકરી રાધિકા જમાઈ સાથે લંડનમાં રહે છે જે હાલમાં CA છે. જ્યારે દિકરો ઋષભ નિરમા યુનિ.માં મિકેનીકલ એન્જિનિયરીંગનો અભ્યાસ કરે છે. તેમનો એક દિકરો પૂજિત હતો જેનું ત્રણ વર્ષની ઉંમરે નિધન થયું હતું.