Tuesday, August 20, 2019
સબસ્ક્રાઈબ કરો VTVGujarati ન્યુઝ Whatsapp

એડમિશન / અંતે... આશા ફળી, કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા આવ્યા વિદ્યાર્થીની વ્હારે

અંતે... આશા ફળી, કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા આવ્યા વિદ્યાર્થીની વ્હારે

માત્ર ભણવાનો મક્કમ ઈરાદો હોવો એ જ જરૂરી નથી. તમને કોઈ સક્ષમ સ્કૂલમાં પ્રવેશ પણ મળવો જરૂરી છે. પરંતુ દરેકનાં નસીબમાં સારી સ્કૂલોમાં પ્રવેશ મળવાનું લખ્યું નથી હોતું. અમદાવાદમાં દસમાં ધોરણમાં ભણતા દાસ વિવેકકુમાર નામનાં વિદ્યાર્થીને એવી ઈચ્છા હતી કે પોતાનાં નાના ભાઈ-બહેનને કેન્દ્રીય વિદ્યાલયમાં પ્રવેશ મળે. તે માટે તેમણે અનેક અધિકારીનો સંપર્ક કર્યો તે દરમિયાન તેને નિરાશા જ હાથ લાગી હતી. પરંતુ કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા આ વિદ્યાર્થીની વ્હારે આવ્યા છે. જેથી વિદ્યાર્થીની નિરાશા ખુશીમાં ફેરવાય ગઇ છે. 

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા આવ્યા વિદ્યાર્થીના વ્હારે

અમદાવાદના વિદ્યાર્થીને કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ કેન્દ્રીય વિદ્યાલયમાં પ્રવેશ અપાવ્યો છે. વિવેક દાસ નામનો વિદ્યાર્થી ભાઇ-બહેનના શાળા પ્રવેશ માટે રઝળપાટ કરી રહ્યો હતો. વિવેકદાસ ભાઇ-બહેનને પ્રવેશ અપાવવા માટે ગાંધીનગર પહોંચ્યો હતો. કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ શિક્ષણ વિભાગને રજૂઆત કરી હતી. મનસુખ માંડવિયાની ભલામણથી પ્રતિક દાસને કેન્દ્રીય વિદ્યાલયમાં એડમિશન મળ્યું. મહત્વનું છે કે, પ્રતિક દાસ છે વિવેક દાસનો ભાઈ છે. ભાઈ-બહેનમાંથી ભાઈને શાળામાં એડમિશન મળ્યું છે. VTV દ્વારા વિદ્યાર્થીઓને પ્રવેશ માટે ભલામણ કરાઇ હતી. કેન્દ્રીય વિદ્યાલયમાં બાળકને પ્રવેશ મળતા પરિવારમાં ખુશીનો માહોલ સર્જાયો છે.

શાહીબાગ કેન્દ્રીય વિદ્યાલયના પ્રિન્સિલપાલે કહ્યું હતું- એડમિશનના ચાન્સિસ ઓછા

આ દસમા ધોરણમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીનું નામ વિવેક દાસ છે. તેનાં પિતા કડિયાકામની મજૂરી કરે છે. આ વિદ્યાર્થીને એવી ઈચ્છા હતી કે પોતાનાં બન્ને નાના ભાઈ-બહેનોને કેન્દ્રીય વિદ્યાલયમાં પ્રવેશ મળે જેથી તેમને ગુણવત્તાયુક્ત શિક્ષણ મળી રહે. આ માટે તેણે સૌ પ્રથમ શાહીબાગ ખાતેની કેન્દ્રીય વિદ્યાલયનાં પ્રિન્સિપાલને પણ રજૂઆત કરી હતી. પરંતુ ત્યાં કહેવામાં આવ્યું કે એડમિશનનાં ચાન્સિસ ખૂબ ઓછા છે. ત્યાર બાદ આ નાનકડો વિદ્યાર્થી સચિવાલયમાં મુખ્યમંત્રીનાં પી.એ. એમ.કે. દાસને મળવા ગયો. વિદ્યાર્થીને એમ હતું કે, પોતાની સરનેમ દાસ છે અને સરની સરનેમ પણ દાસ છે તેથી થોડી મદદ મળી રહેશે પરંતુ અહીં તેની આશા ન ફળી. મનોજ કુમારદાસે તેને મળવાનો જ ઈન્કાર કરી દીધો હતો. 

કલેક્ટરે પણ આપ્યો હતો માત્ર ભલામણ પત્ર

જો કે તેમ છતાં તે હિંમત ન હાર્યો તેણે કલેક્ટરનાં ક્વોટામાંથી એડમિશન મળે તે માટેનાં પ્રયાસો આદર્યા. તે કલેક્ટરને પણ મળ્યો. જો કે કલેક્ટર પાસે બે વિદ્યાર્થીને એડમિશન અપાવવાની સત્તા હોય છે. કલેક્ટર તેને એડમિશન લેટર આપી શકે તેમ હતાં. તો પણ કલેક્ટરે તેને માત્ર ભલામણ પત્ર આપીને રવાના કરી દીધો. વિદ્યાર્થી આ ભલામણ પત્રને પ્રવેશ હુકમ સમજીને ફરી પાછો કેન્દ્રીય વિદ્યાલય ગયો. પરંતુ માત્ર ભલામણ પત્રનાં આધારે પ્રવેશ મળે નહીં તેવું કહીને કેન્દ્રીય વિદ્યાલયનાં સત્તાવાળાઓએ પ્રવેશ આપવાનો ઈન્કાર કરી દીધો હતો.

શિક્ષણમંત્રીએ પણ સંભળાવી દીધું હતું કે એડમિશન મળી શકે તેમ નથી

જો કે, તેમ છતાં વિદ્યાર્થીએ આશા છોડી નહીં. તેણે હવે સીધે સીધાં મુખ્યમંત્રીને જ રજૂઆત કરવાનું નક્કી કરી લીધું હતું. એટલે જ તે પ્રવેશ માટેની રજૂઆત કરવા ગાંધીનગર સચિવાલય ખાતે પહોંચી ગયો હતો. આ સાથે તે કલેક્ટરનો ભલામણપત્ર અને શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહનાં પીએ જી.કે.ગલાની સાહેબનો લેટર લઈને આવ્યો હતો. તેને એમ હતું કે, સીધે સીધાં શિક્ષણમંત્રીને મળવાથી પ્રવેશ મળી જશે. પરંતુ અહીં પણ શિક્ષણમંત્રીએ પોતાની મર્યાદા દેખાડી અને સીધેસીધું સંભળાવી દીધું કે એડમિશન મળી શકે તેમ નથી. પોતાનાં નાનકડા ભાઈઓને એડમિશન મળવાની આશા ધૂંધળી દેખાતાં વિવેકની આંખમાં આંસુ આવી ગયાં હતાં.

મનસુખ માંડવિયાની ભલામણથી પ્રતિક દાસને કેન્દ્રીય વિદ્યાલયમાં એડમિશન મળ્યું

ત્યારબાદ કેન્દ્રીય વિદ્યાલયમાં આ ગરીબ બાળકનાં નાના ભાઈ-બહેનને પ્રવેશ મળી શકવાની શક્યતા ખૂબ ઓછી લાગી રહી હતી. ત્યાર બાદ કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા આ વિદ્યાર્થીની વ્હારે આવ્યા હતા. પરંતુ બન્ને ભાઇ-બહેનમાંથી માત્ર ભાઇને એડમિશન મળ્યું છે. મનસુખ માંડવિયાની શિક્ષણ વિભાગમાં ભલામણથી પ્રતિક દાસને કેન્દ્રીય વિદ્યાલયમાં એડમિશન મળ્યું છે.

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ