1 ફેબ્રુઆરીએ રજૂ થનાર બજેટ પહેલા નાણા મંત્રાલયમાં પરંપરાગત હલવા સેરેમનીનું આયોજન થયું હતું.
બજેટ પહેલા નાણા મંત્રાલયમાં યોજાઈ પરંપરાગત હલવા સેરેમની
નાણા મંત્રી સીતારામણે અધિકારીઓને ખવડાવ્યો હલવો
હવે બજેટ છપાઈનું કામ થશે શરુ
બજેટ પ્રોસેસનો છેલ્લો તબક્કો છે હલવા સેરેમની
કેન્દ્રીય બજેટ તૈયારી પ્રક્રિયાના અંતિમ તબક્કાને દર્શાવતો પરંપરાગત 'હલવા સમારોહ' આજે નાણાં પ્રધાન નિર્મલા સીતારામણની હાજરીમાં યોજાયો હતો. નાણાં મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓ તેમજ બજેટ પ્રેસના સભ્યો પણ ઉપસ્થિત રહ્યા હતા. નાણામંત્રી નિર્મલા સીતારામણની હાજરીમાં નોર્થ બ્લોક સ્થિત નાણા મંત્રાલયમાં હલવા સેરેમનીનું આયોજન કરવામાં આવ્યું હતું અને દરેકને હલવો વહેંચવામાં આવ્યો હતો.
Delhi: 'Halwa Ceremony' held at Finance Ministry to mark the beginning of printing of documents relating to Union Budget 2023-24
Union Finance Minister Nirmala Sitharaman, Union MoS for Finance Dr Bhagwat Kishanrao Karad, Senior officials of Finance Ministry were present. pic.twitter.com/t2l1NuFsok
આ વર્ષે પણ પેપરલેસ રહેશે બજેટ
નાણામંત્રી સીતારામણે પરંપરાગત હલવા સેરેમની પૂરી કરી લીધી છે. હલવા સેરેમની પ્રસંગે તેમની સાથે નાણાં રાજ્યમંત્રી ડો.ભાગવત કિશનરાવ કરાડ તેમજ નાણાં મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. પાછલા બે વર્ષની જેમ વર્ષ 2023-24ના કેન્દ્રીય બજેટને 1 ફેબ્રુઆરીએ પેપરલેસ રજૂ કરાશે. નાણાં મંત્રાલયે ટ્વીટ કર્યું હતું કે સીતારામણ 1 ફેબ્રુઆરીએ પોતાનું બજેટ ભાષણ પૂર્ણ કર્યા પછી બજેટ દસ્તાવેજો એન્ડ્રોઇડ અને આઇઓએસ બંને પ્લેટફોર્મ પર 'યુનિયન બજેટ મોબાઇલ એપ્લિકેશન' પર ઉપલબ્ધ થશે.
હલવા સેરેમની શા માટે યોજાય છે?
હલવા સેરેમની પાછળ માન્યતા એવી રહી છે કે દરેક શુભ કામ કરતા પહેલા કંઈક ગળ્યું ખાવું જોઈએ. ભારતીય પરંપરામાં હલવાને પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે. દેશના બજેટ જેવી મોટી ઘટના માટે દસ્તાવેજો છાપવા પહેલાં આ સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. આ પરંપરા અંતર્ગત વર્તમાન નાણામંત્રી પોતે બજેટ સાથે સંકળાયેલા કર્મચારીઓ, બજેટના છાપકામ સાથે સંકળાયેલા કર્મચારીઓ અને નાણાં અધિકારીઓને હલવો વહેંચે છે. જો કે, છેલ્લા બે વર્ષથી બજેટ પેપરલેસ થવા લાગ્યું છે, તેથી બજેટ દસ્તાવેજોનું પ્રિન્ટિંગ પહેલાની જેમ આયોજન કરવામાં આવશે નહીં.
બજેટ છપાઈનું કામકાજ શરુ
પારંપરિક હલવા સેરેમનીની સાથે 1 ફેબ્રુઆરી 2023ના રોજ રજૂ થનાર બજેટ દસ્તાવેજોને છાપવાની પ્રક્રિયા ગુરુવારે નાણા મંત્રાલયમાં શરૂ થશે. નાણાં મંત્રાલયના 100થી વધુ અધિકારીઓ અને કર્મચારીઓ આજથી બજેટ રજૂ થાય ત્યાં સુધી નાણાં મંત્રાલયના બેસમેન્ટમાં આવેલા પ્રિન્ટિંગ બોક્સમાં રહેશે. અને જ્યાં સુધી બજેટ રજૂ નહીં થાય ત્યાં સુધી તેમને બહાર આવવા દેવામાં આવશે નહીં. આ લોકોનો તેમના પરિવારના સભ્યો સાથે કોઈ સંપર્ક રહેશે નહીં અને તેમના ઘરે પણ જવા દેવામાં આવશે નહીં. ઇન્ટરનેટ અને ફોનની વ્યવસ્થા પણ નહીં હોય. પરિવારના સભ્યો આ કર્મચારીઓના અધિકારીઓને બોલાવીને જ તેમના પ્રિયજનોનો સંપર્ક કરી શકે છે. નાણાં મંત્રાલયની કેન્ટિનમાં તેમના માટે ભોજન તૈયાર કરવામાં આવશે અને તેમના માટે ભોંયરામાં સૂવાની વ્યવસ્થા કરવામાં આવશે.