મ્યુનિ. કોર્પોરેશનને ગઈ કાલ સુધી વન ટાઇમ સેટલમેન્ટ હેઠળ રૂ. 303.95 કરોડ જેટલી જંગી આવક થવા પામી છે. જેમાં આવકની દૃષ્ટિએ ઉત્તર-પશ્ચિમ ઝોન, પશ્ચિમ ઝોન, પૂર્વ ઝોન વગેરે મોખરે છે. જોકે મધ્ય ઝોનમાંથી પણ ઉત્તર અને દક્ષિણ ઝોન કરતાં સારી એવી એટલે કે રૂ. ૩૯.૬૮ કરોડની આવક તંત્રને થઈ છે.
500 જેટલી કોમર્શિયલ મિલકતને તંત્રનાં ખંભાતી તાળાં લાગી રહ્યાં છે
અમદાવાદમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાળાઓ દ્વારા આ વખતે પ્રોપર્ટી ટેક્સની આવકમાં વૃદ્ધિ કરવા માટે અભૂતપૂર્વ પગલાં લેવાઈ રહ્યાં છે. એક તરફ તંત્રએ વન ટાઇમ સેટલમેન્ટ યોજના જાહેર કરી છે, જે અંતર્ગત બાકી કરદાતાને ફક્ત મૂડી ભરપાઈ કરવા બદલ વ્યાજમાં 100 ટકા મુક્તિ અપાઈ રહી છે. આ યોજના કોર્પોરેશનના ઇતિહાસમાં પ્રથમવાર હોવાથી મોટી સંખ્યામાં કરદાતા તેનો લાભ લઈ રહ્યા છે. બીજી તરફ તંત્રએ ડિફોલ્ટર્સ સામેની ધોંસ વધારી દીધી છે. રોજેરોજ ડિફોલ્ટર્સની 500 જેટલી કોમર્શિયલ મિલકતને તંત્રનાં ખંભાતી તાળાં લાગી રહ્યાં છે. આની સાથે ડિફોલ્ટર્સની મિલકતની જાહેર હરાજી કરવાની દિશામાં પણ કવાયત આરંભાઈ છે, જે હેઠળ મધ્ય ઝોનના પ્રોપર્ટી ટેક્સ વિભાગના સત્તાવાળાઓએ કુલ 27 કોમર્શિયલ પ્રોપર્ટીને અલગ તારવી છે કે જેમનો લાખો રૂપિયાનો ટેક્સ તંત્રના ચોપડે ઉધાર બોલી રહ્યો છે. આ તમામ મિલકતની જાહેર હરાજીની દિશામાં તંત્ર ગંભીર બન્યું છે.
કોટ વિસ્તાર સહિતના મધ્ય ઝોનમાં પણ તંત્ર આક્રમકપણે સીલિંગ ઝુંબેશ ચલાવી રહ્યું છે. ગઈ કાલે આ ઝુંબેશ હેઠળ મધ્ય ઝોનમાં કુલ 106 કોમર્શિયલ મિલકતને સીલ કરાઈ હતી. જે હેઠળ સુમેલ-11, કલાપીનગર, રેંટિયાવાડી, ભંડેરી પોળ, ડબગરવાડ, મીરજાપુર, શાહપુર, હલીમની ખડકી, વાડીગામ, અસારવા, ન્યૂ ક્લોથ માર્કેટ અને તાવડીપુરા વિસ્તારમાં આવેલી ડિફોલ્ટર્સની કોમર્શિયલ મિલકતને પ્રોપર્ટી ટેક્સ વિભાગે તાળાં મારી દેતાં તેમનામાં દોડધામ મચી ગઈ હતી.
આવકના લક્ષ્યાંક કરતાં પણ વધુ આવક તંત્ર મેળવી ચૂક્યું
મધ્ય ઝોનના ડે. મ્યુનિ. કમિશનર રમ્ય ભટ્ટ વધુ માહિતી આપતાં કહે છે, આ ઝોનમાં અત્યાર સુધીમાં કુલ 13,500 મિલકતને તંત્રનાં તાળાં લાગી ચૂક્યાં છે. ઉપરાંત મ્યુનિ. તિજોરીને ચાલુ નાણાકીય વર્ષ 2022-23માં પ્રોપર્ટી ટેક્સની આવકમાં નિર્ધારિત રૂ. 205 કરોડની આવક સામે અત્યાર સુધીમાં રૂ. 228 કરોડની આવક થઈ ચૂકી છે. એટલે કે આવકના લક્ષ્યાંક કરતાં પણ વધુ આવક તંત્ર મેળવી ચૂક્યું છે. આ માટે વન ટાઇમ સેટલમેન્ટ યોજના પણ અસરકારક બની છે.
કબજેદારને જાહેર નોટિસ આપી
મ્યુનિસિપલ તંત્રના ચોપડે ઉધાર રહેતા લાખો રૂપિયાના બાકી ટેક્સની વસૂલાત માટે જે તે કબજેદારને જાહેર નોટિસ આપીને બાકી ટેક્સ આગામી સાતથી દસ દિવસમાં ભરપાઈ કરવા અંગેની ચેતવણી અપાઈ છે. આવી કુલ 27 મિલકતનો આશરે રૂ. 4.70 કરોડનો બાકી ટેક્સ તંત્રના ચોપડે બોલી રહ્યો છે તેમ જણાવતા મધ્ય ઝોનના ડેપ્યુટી કમિશનર રમ્ય ભટ્ટ વધુમાં કહે છે, જો સમયસર બાકી ટેક્સ નહીં ભરાય તો આ તમામ મિલકતોની એકતરફી જાહેર હરાજીની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.
મિલકતોના ડિફોલ્ટર્સમાં ભારે ગભરાટ પ્રસરી
તંત્ર દ્વારા આજ રોજ જાહેર નોટિસ દ્વારા પ્રસિદ્ધ કરાયેલી 27 મિલકતની ટૂંકમાં વિગત તપાસતા કાલુપુરના ધીરજ ગેસ્ટ હાઉસનો રૂ.11.62 લાખથી વધુ, બહેરામપુરાની વસંત રજબ માધ્યમિક શાળાનો રૂ. 14.33 લાખથી વધુ, આ જ વિસ્તારમાં આવેલી જ્ઞાનોદય હિંદી માધ્યમિક શાળાનો રૂ.2.18 લાખથી વધુ, ન્યૂ ક્લોથ માર્કેટમાંની સંજીવ ટેક્સટાઇલ પ્રા. લિ.ના કબજા હેઠળની મિલકતનો રૂ. 10.30 લાખથી વધુ, બહેરામપુરાની છોટાલાલની ચાલીમાં આવેલી એક મિલકતના કબજેદાર પરસોત્તમ ગણેશના રૂ.12.64 લાખથી વધુ, કાલુપુરની જલારામ ચેમ્બર્સમાં આવેલી મિલકત અવિનાશ ટ્રેડર્સનો રૂ.29.32 લાખથી વધુ, કાલુપુર ટંકશાળની ટ્યૂટોરિયલ હાઈસ્કૂલનો રૂ.37.64 લાખથી વધુ, શિવનારાયણ ગેસ્ટ હાઉસનો રૂ.8.69 લાખથી વધુ, રિલીફ રોડ પરની હોટલ કોઝરનો રૂ.9.16 લાખથી વધુ તેમજ સલાપસ રોડની હોટલ કિંગ્સ વેનો રૂ. 15.17 લાખથી વધુ, સલાપસ રોડના ઈલોરા કોમર્શિયલ સેન્ટરની ધારા એન્ટરપ્રાઇઝનો રૂ.10.96 લાખથી વધુનો બાકી ટેક્સ હજુ ચૂકવાયા નથી. આ સિવાયની પણ અન્ય મિલકતોની યાદી તંત્ર દ્વારા આજે જાહેરમાં પ્રસિદ્ધ કરાતા આ તમામ મિલકતોના ડિફોલ્ટર્સમાં ભારે ગભરાટ પ્રસરી ગયો છે.