કટોકટી /
વિશ્વમાં શાંતિ માટે કામ કરતી સૌથી મોટી સંસ્થાની હાલત ખરાબ, કર્મચારીઓને પગાર આપવા નથી પૈસા
Team VTV07:20 AM, 09 Oct 19
| Updated: 10:05 AM, 09 Oct 19
દુનિયાના દેશોને એકજૂટ રાખનારા સંગઠનમાં હાલ નાણાની કટોકટી સામે આવી છે. સંયુકત રાષ્ટ્ર (UN) પાસે જેટલું ફંડ હતું તે હવે પુરુ થવા જઇ રહ્યું છે. જેને લઇને નાણાકીય કટોકટી એટલે હદ સુધી પહોંચી છે કે અધિકારીઓને પગાર આપવા જેટલી રકમ પણ નથી.
સંયુક્ત રાષ્ટ્રમાં બજેટ પર સંકટ
ઘણા દેશના લોકોનું બાકી છે યોગદાન
ભારતે UN માં બજેટની કરી છે ચૂકવણી
સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવે આ અંગેની આપી જાણકારી
સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટરેસે સોમવારે જણાવ્યું હતું કે આ મહિનાના અંત સુધીમાં UN પાસે રહેલું ફંડ સમાપ્ત થઇ જશે. સંયુક્ત રાષ્ટ્રના 193 સભ્યોમાં માત્ર 128 સભ્યોએ 3 ઓક્ટોબર સુધી પોતાની બાકી રહેલી ચૂકવણી આપી છે. UNએ પોતાના કર્મચારીઓને સચેત કર્યાં છે કે સંગઠનને પોતાના બજેટમાં 23 કરોડ ડોલરની ઉણપનો સામનો કરવો પડી રહ્યો છે.
UNનું વર્ષનું આટલું હોય છે બજેટ
એક અહેવાલ મુજબ સંયુક્ત રાષ્ટ્રનું વર્ષનું નિયમિત બજેટ 5.4 અરબ ડોલર છે, જે શાંતિ કાયમ રાખવા પાછળ ખર્ચ થનારા 6.5 અરબ ડોલર બજેટથી અલગ છે.
ભારતની સરખામણીએ પાકિસ્તાન પાછળ
જો ભારતની વાત કરવામાં આવે તો ભારતે નિયમિત બજેટમાંથી પોતાનો 232.5 લાખ ડોલર 30 જાન્યુઆરીએ ચૂકવી દીધો છે. ભારત સંયુક્ત રાષ્ટ્રના એ દેશોમાં સામેલ છે જેમણે પોતાની ચૂકવણી સમયસર કરી છે. જ્યારે પાકિસ્તાનની વાત કરીએ તો પાડોશી દેશે 3,206,460 અમેરિકન ડોલરની ચૂકવણી કરી છે.
ભારતના પ્રતિનિધિએ વારંવાર આ અંગે જણાવ્યું હતું
સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના સ્થાયી પ્રતિનિધિ સૈયદ અકબરૂદ્દીન વારંવાર આ અંગે જણાવ્યું હતું કે સંયુક્ત રાષ્ટ્રની શાંતિ સ્થાપનાના કાર્યોમાં યોગદાન કરનારા દેશો પર અસર પડશે. નોંધપાત્ર છે કે માત્ર બજેટ નહીં પરંતુ શાંતિ કાર્યો માટે પણ ભારત મોટા પાયે યોગદાન આપે છે. ભારત સતત સંયુક્ત રાષ્ટ્રમાં બદલાવ અંગેનો અવાજ ઉઠાવતું રહ્યું છે.