ભારતીય ટીમે U19 World Cup 2022ની સેમિફાઈનલમાં ઓસ્ટ્રેલિયાને મ્હાત આપીને સતત ચોથી વખત ફાઈનલમાં સ્થાન બનાવ્યું છે. ભારતીય ટીમે પ્રથમ બેટીંગ કરીને પાંચ વિકેટના નુકસાને 290 રન બનાવ્યાં હતા. ત્યારબાદ ઓસ્ટ્રેલિયાની ટીમ 194 રન પર ઓલઆઉટ થઇ હતી.
ભારતીય ટીમે U19 World Cup 2022ની ફાઈનલમાં સ્થાન બનાવ્યું
ભારતીય ટીમે પાંચ વિકેટના નુકસાને 290 રન બનાવ્યાં
ટીમના કેપ્ટન યશ ધુલે વિરાટ કોહલીનો રેકોર્ડ તોડ્યો
વિરાટ કોહલીનો 14 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો
આ મેચમાં ભારતની અંડર 19 વર્લ્ડ કપ ટીમના કેપ્ટન યશ ધુલે 110 રનની શાનદાર ઈનિંગ રમી અને આ સાથે તેણે વિરાટ કોહલીનો રેકોર્ડ તોડ્યો. યશ ધુલ ભારતીય કેપ્ટન તરીકે અંડર-19 વર્લ્ડ કપમાં સૌથી મોટી ઈનિંગ રમવા મામલે બીજા નંબરે આવી ગયા છે. આ મામલે તેમણે વિરાટ કોહલીનો રેકોર્ડ તોડ્યો છે, જેણે 2008 અંડર-19 વર્લ્ડ કપમાં વેસ્ટ ઈન્ડીઝ સામે 100 રનની ઈનિંગ રમી હતી. ભારતીય કેપ્ટન આ ટુર્નામેન્ટમાં સૌથી મોટી ઈનિંગ રમવાનો રેકોર્ડ ઉનમુક્ત ચંદના નામે છે, જેણે 2012 અંડર-19 વર્લ્ડ કપમાં ઓસ્ટ્રેલિયાની સામે ફાઈનલ મેચમાં અણનમ 111 રન બનાવ્યાં હતા.
ધુલ અને રાશિદે 204 રનની આક્રમક ભાગીદારી કરી
અંડર-19 વર્લ્ડ કપમાં નોકઆઉટ મેચમાં કોઈ ભારતીય બેટ્સમેન દ્વારા રમાયેલી આ ત્રીજી સૌથી મોટી ઈનિંગ છે. આ મામલે તેનાથી આગળ ચેતેશ્વર પૂજારા (નોટઆઉટ 129 રન) અને ઉનમુક્ત ચંદ (નોટઆઉટ 111 રન) છે. ટોસ જીતીને પ્રથમ બેટીંગ કરવા ઉતરેલા ભારતીય ટીમની શરૂઆત ખૂબ જ કંગાળ રહી અને 37 રનના કુલ સ્કોર પર અંગક્રિશ રઘુવંશી અને હરનૂર સિંહની ઓપનિંગ જોડી આઉટ થઇને પેવેલિયન પાછી ગઇ. ત્યારબાદ ધુલ અને રાશિદે મેચને સંભાળી અને ત્રીજી વિકેટ માટે 204 રનની આક્રમક ભાગીદારી કરી.