Two villages in Kutch pay their respects to the earthquake victims by taking turns every month
22મી વરસી /
કચ્છના બે ગામો દર મહિને પાંખી પાળીને આપે છે ભૂકંપ મૃતકોને અંજલિ, 22 વર્ષ થયા પણ નથી રુઝાયાએ ગોઝારા ઘા
Team VTV01:50 PM, 26 Jan 23
| Updated: 01:52 PM, 26 Jan 23
કચ્છે બે દાયકામાં આશ્ચર્યજનક પ્રગતિ કરી હોવા છતાં 2001ના કારમા ઘા ભૂલાતા નથી. દર વર્ષે 26 જાન્યુઆરીએ ગામેગામ મૃતકોને અંજલિ આપવા વિવિધ કાર્યક્રમો યોજાય છે, પરંતુ ભચાઉ તાલુકાના આધોઈ અને સામખિયાળી ગામો તો છેલ્લાં 22 વર્ષથી દર મહિનાની 26મી તારીખે પાંખી પાળીને ભૂકંપ મૃતકોને શ્રદ્ધાંજલિ આપે છે.
22 વર્ષ પહેલાં ભયાનક ભૂકંપે સર્જી હતી ભારે તબાહી
ભૂકંપે સમગ્ર ગુજરાતને હચમચાવી નાખ્યું હતું
આધોઈ અને સામખિયાળી દર મહિને મૃતકોને આપે છે અંજલિ
કાળમુખા ભૂકંપના ઘા આજે 22 વર્ષે પણ પૂર્ણરૂપે રૂઝાયા નથી
26મી જાન્યુઆરી, 2001ના દિવસે કચ્છમાં આવેલા કાળમુખા ભૂકંપના ઘા આજે 22 વર્ષે પણ પૂર્ણરૂપે રૂઝાયા નથી. ભૂકંપ પછી કચ્છ જિલ્લામાં અનેક ઉદ્યોગો આવ્યા, વિકાસ થયો, રોજગારી વધી, લોકોની આવકમાં વધારો થયો, રહેણીકરણી બદલાઈ, શહેરીકરણનો વાયરો ફૂંકાર્યો, કચ્છની સિકલ જ જાણે ફરી ગઈ છે. જે લોકોએ પોતાના પરિવારજનોને આ ભૂકંપમાં ખોયા છે, તેઓની જિંદગીએ પણ રફ્તાર પકડી હોવા છતાં આત્મીયોને ગુમાવ્યાનું દુ:ખ ઘટ્યું નથી, આથી જ ભુજમાં અને અંજારમાં ભૂકંપગ્રસ્તોની યાદમાં સ્મારકો બનાવાયાં છે. દર વર્ષે 26મી જાન્યુઆરીએ ગામેગામે શ્રદ્ધાંજલિ, ભજનોના કાર્યક્રમો યોજાય છે, દાન આપીને મૃતાત્માને યાદ કરાય છે. ભચાઉ તાલુકાનાં બે ગામો આધોઈ અને સામખિયાળી તો દર મહિનાની 26મી તારીખે પાંખી પાળીને મૃતકોને અંજલિ આપે છે. આધોઈમાં તો અંજાર અને ભુજ કરતાં પણ વહેલું સ્મારક બનાવાયું છે.
પ્રતિકાત્મક તસવીર
સરકારી ચોપડે 20 હજારથી વધુ લોકોનાં નોંધાયા છે મૃત્યુ
2001માં આવેલા 7.7 મેગ્નિટ્યુડ (6.9 રિક્ટર સ્કેલ)ના ભૂકંપનું કેન્દ્રબિંદુ ભચાઉ તાલુકાના ચોબારી ગામ નજીક નોંધાયું હતું. ભૂકંપમાં કચ્છમાં સરકારી ચોપડે 20 હજારથી વધુ લોકોનાં મૃત્યુ નોંધાયા છે. સ્થાનિકોના મતે તો આ સંખ્યા ઘણી વધારે છે. ઈજાગ્રસ્તોની સંખ્યા તો લાખોમાં છે. સરકારી આંકડા મુજબ 1.67 લાખ લોકો ઈજાગ્રસ્ત બન્યા હતા, ભુજ, ભચાઉ, અંજાર અને ગાંધીધામ તાલુકાનો વિસ્તાર સૌથી વધુ અસરગ્રસ્ત હતો. આ તાલુકાઓનાં 335 ગામો તો એવાં હતાં કે જ્યાં 70 ટકાથી વધુ ઘરો તૂટી ગયાં હતાં. આધોઈ જેવાં ગામો તો આખેઆખા પડીને પાધર થઈ ગયાં હતાં. આ ગામમાં એક પણ ઘર કે ઇમારત સાજી રહી ન હતી. અહીં મૃત્યુઆંક પણ 350થી વધુ હતો. પુનર્વસન વખતે ગામની મૂળ જગ્યાથી બે કિ.મી. દૂર નવું ગામ વસાવાયું છે. જોકે ગામ લોકોએ જૂના, હાલમાં ભૂતિયા બની ગયેલા ગામમાં ભૂકંપના અવશેષો જાળવી રાખ્યા
સામખિયાળીમાં 100થી વધુ લોકો ભૂકંપનો બન્યા હતા ભોગ
ત્યાં સમયાંતરે મૃતકોને અંજિલ આપવા માટે લોકો જાય છે. બાકી કોઈ જ ત્યાં વસતું નથી. તેવી જ રીતે સામખિયાળીમાં પણ 100થી વધુ લોકો ભૂકંપનો ભોગ બન્યા હતા. આધોઈ ગામના માજી સરપંચ જશુભા જાડેજા સાથે આ અંગે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે, ‘અમારા ગામે 2001ના ભૂકંપ પછી તરત જ મૃતકોને અંજિલ આપવા માટે દર મહિને 26 તારીખે પાંખી પાળવાનું ચાલુ કર્યું હતું. ભૂકંપમાં આખું ગામ તહસનહસ જોકે મૂળ થઈ ગયું હોવાથી અમે મૂળ જગ્યાએથી 2 કિ.મી. દૂર નવું ગામ વસાવ્યું ગામમાં બરબાદીની યાદી સમાન બિસ્માર ઇમારતોને અમે જાળવી રાખી છે. આજે આ જગ્યા ભૂતિયા બની ગઈ છે, ત્યાં કોઈ રહેતું નથી, પરંતુ સમયાંતરે ગામલોકો જઈને મૃતકોની યાદમાં માથું ટેકવીને આવે છે.'
આધોઈ ગામના 350થી વધુ લોકોએ ગુમાવ્યા હતા પ્રાણ
વધુમાં તેમણે કહ્યું કે 'અમારું ગામ રાજાશાહી વખતમાં મોરબી રાજનું ગામ હતું. ગામ એક નાના ડુંગર પર વસેલું હતું અને આજુબાજુ કિલ્લો હતો. ઘણી વસતિ હતી. ભૂકંપ વખતે અમારા ગામનાં બધાં જ ઘરો, ઇમારતો તૂટી ગયાં હતાં. 350થી વધુ લોકોએ પ્રાણ ગુમાવ્યા હતા. જેમાં પ્રજાસત્તાક દિનની રેલીમાં સામેલ 25 જેટલાં બાળકોના માથે દીવાલ પડતાં તેમણે જીવ ગુમાવ્યા હતા. જ્યારે સેંકડો ઘાયલ થયા હતા. ભુજમાં અને અંજારમાં આજે ભૂકંપ મૃતકોના સ્મરણાર્થે સ્મારક બન્યાં છે, પરંતુ અમારા ગામમાં 2020માં જ આવું સ્મારક અમે બનાવ્યું હતું. પંચાયત ઘરમાં એ સ્મારક છે. જિલ્લાનું સૌ પ્રથમ સ્મારક સો ટકા દાતાના દાનથી નિર્માણ પામ્યું છે. દાન માલસી મેઘજીના સ્મરણાર્થે હંસાબહેન પપીન ચરલાએ આપ્યું હતું. જેના ઉદ્ઘાટનમાં અગ્નિ અખાડાના ભારતના પ્રમુખ મુક્તાનંદબાપુ ઉપસ્થિત રહ્યા હતા. દર મહિનાની 26મી તારીખે ગામના તમામ વેપાર, ધંધા, નાના મોટા કામકાજ બંધ રાખીને લોકો સ્વેચ્છાએ પાંખી પાળે છે. જો કદાચ કોઈ દુકાન ખુલ્લી રાખે તો દંડ રૂપે પાંજરાપોળમાં ફાળો લખાવી દે છે. તેમ જ ગામનાં અલગ અલગ મંદિરોમાં ભજન મંડળીઓ ભજનનો કાર્યક્રમ યોજે છે.'
સામખિયાળીમાં દર મહિને 26મી તારીખે પાળવામાં આવે છે પાંખી
ભચાઉ તાલુકાના સામખિયાળી ગામમાં પણ દ૨ મહિને 26મી તારીખે પાંખી પાળવામાં આવે છે. ગામમાં વસતિમાંથી 100થી વધુ લોકોનો લીધો ગામમાં એક પણ મકાન, દુકાન કે ઇમારત સલામત રહી હતી. ગામના સરપંચ જગદીશ જણાવે છે કે, ‘ભૂકંપમાં અમારું ગામ પડી ગયું હતું. મૃતકોની યાદમાં દર મહિને એક દિવસ પાંખી પાળીએ છીએ, ગામના સોની, દરજી કરિયાણાના વેપારીઓથી માંડીને પાનના ગલ્લાવાળા કે રેંકડીવાળા પણ સ્વૈચ્છિક રીતે પોતાના ધંધા બંધ રાખે છે. બાપા સીતારામ મઢીએ દર મહિને ભજન કીર્તન પણ થાય છે.'
ઘરાણામાં માત્ર 4 મકાનો જ રહ્યા હતા હયાત
ભચાઉ તાલુકાના અન્ય એક નાના ગામ ઘરાણામાં વર્ષ 2006 કે 07 સુધી દર મહિનાની 26 તારીખે બંધ પળાતો હતો, પરંતુ હવે દર વર્ષે 26 જાન્યુઆરીના બંધ રાખવામાં આવે છે. આ ગામના વેપારી રાજ ઠક્કર જણાવે છે કે, ‘ભૂકંપમાં અમારા ગામમાં માત્ર ચાર મકાનો જ હયાત રહ્યાં હતાં. બાકી સંપૂર્ણ ગામ નાશ પામ્યું હતું. ગામની તે સમયની વસતિ 2500થી 4000ની હતી. તેમાંથી 50 જેટલાં લોકો મૃત્યુ પામ્યાં હતાં અને 100થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હતા.'