Two new systems activated: Avalanche alert in four districts of Uttarakhand, rain warning in southern states
આગાહી /
બે નવી સિસ્ટમ સક્રિય: ઉત્તરાખંડના ચાર જિલ્લામાં હિમસ્ખલનનું એલર્ટ, દક્ષિણનાં રાજ્યોમાં વરસાદની ચેતવણી
Team VTV11:38 PM, 03 Feb 23
| Updated: 11:48 PM, 03 Feb 23
અયોધ્યામાં તોફાની બરફીલા પવનોએ ફરી એક વાર ઠંડી વધારી દીધી છે. અયોધ્યા શહેરનું લઘુતમ તાપમાન ફરી ઘટીને ૫.૧ ડિગ્રી સેલ્સિયસ પર પહોંચી ગયું છે.
ઉત્તરાખંડના ચાર જિલ્લામાં હિમસ્ખલનનું એલર્ટ
ઉત્તર ભારતમાં હાલ તુરંત ઠંડીમાં રાહત નહીં મળે
અયોધ્યામાં તાપમાનનો પારો ગગડીને પાંચ ડિગ્રી પર પહોંચ્યો
અયોધ્યામાં તોફાની બરફીલા પવનોએ ફરી એક વાર ઠંડી વધારી દીધી છે. અયોધ્યા શહેરનું લઘુતમ તાપમાન ફરી ઘટીને ૫.૧ ડિગ્રી સેલ્સિયસ પર પહોંચી ગયું છે. આજે સવારે અયોધ્યા પર ગાઢ ધુમ્મસની ચાદર પણ છવાઈ ગઈ હતી અને ફંૂકાઈ રહેલા શીતળ પવનોના કારણે અયોધ્યા વધુ એક વખત કોલ્ડવેવની ઝપટમાં આવી ગયું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી એક-બે દિવસ સુધી અયોધ્યામાં શીતલહેર ચાલુ રહેશે અને વાતાવરણ વાદળછાયું રહેશે.
હિમાલય ક્ષેત્રમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય
દેશમાં ફરી એક વખત હવામાનની બે નવી સિસ્ટમ સક્રિય થઈ છે. હિમાલય ક્ષેત્રમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય છે તો બીજી બાજુ બંગાળના અખાત પર એક ડિપ્રેશન દક્ષિણ ભારત થઈને શ્રીલંકા તરફ આગળ વધી રહ્યું છે. આ બંને સિસ્ટમની અસર દેશના હવામાનમાં જુદી જુદી રીતે જોવા મળશે.
ઉત્તરાખંડ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ડિપાર્ટમેન્ટે રાજ્યના ચાર જિલ્લા-ચમોલી, પિથૌરાગઢ, રુદ્રપ્રયાગ અને ઉત્તર કાશીમાં હિમસ્ખલનનું એલર્ટ જારી કર્યું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આ ચાર જિલ્લામાં આગામી ૨૪ કલાક દરમિયાન ૩,૦૦૦ મીટરથી વધુ ઊંચા વિસ્તારોમાં હિમસ્ખલન (એવલાંચ) થઈ શકે છે, જેને ધ્યાનમાં રાખીને ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગે ચાર જિલ્લાની પ્રશાસન અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટીમ માટે એક ખાસ એલર્ટ જારી કર્યું છે.
હેલિકોપ્ટરને પણ સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યાં છે
ઉત્તરાખંડ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ડિપાર્ટમેન્ટના સચિવ રણજિત સિંહાએ જણાવ્યું છે કે હિમસ્ખલનના ખતરાને ધ્યાનમાં રાખીને એસડીઆરએફ, એનડીઆરએફ અને જિલ્લા વહીવટીતંત્ર સહિત તમામને એલર્ટ મોડમાં મૂકવામાં આવ્યાં છે અને સાથે-સાથે હેલિકોપ્ટરને પણ સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યાં છે.
બીજી બાજુ બંગાળના અખાત પર એક ડિપ્રેશન સક્રિય થઈને દક્ષિણ ભારત અને શ્રીલંકા તરફ આગળ વધી રહ્યું હોવાથી હવામાન વિભાગે દક્ષિણ ભારતના તામિલનાડુ અને કેરળમાં આગામી ૨૪ કલાકમાં ભારે વરસાદ થવાની ચેતવણી જારી કરી છે. કેટલાંક સ્થળોએ મધ્યમ તો ક્યાંક ભારે વરસાદ થઈ શકે છે.
ઉત્તર ભારતના મોસમમાં ફરી એક વખત પલટો આવ્યો
આ ઉપરાંત ખાનગી હવામાન એજન્સી સ્કાયમેટ વેધરે આગામી ૨૪ કલાક દરમિયાન લદ્દાખ, જમ્મુ-કાશ્મીરમાં પણ કેટલાંક સ્થળોએ હળવો વરસાદ અને હિમવર્ષાની આગાહી કરી છે.
ઉત્તર ભારતના મોસમમાં ફરી એક વખત પલટો આવ્યો છે. અગાઉ એવી આગાહી કરવામાં આવી હતી કે થોડા દિવસમાં દિલ્હી સહિત ઉત્તર ભારતના તાપમાનમાં વધારો થશે, પરંતુ વરસાદ અને તે પછી ફંૂકાઈ રહેલા તોફાની હિમાળા પવનોના કારણે મોસમનો મિજાજ બદલાઈ ગયો છે. આથી ઉત્તરપ્રદેશ, પંજાબ, હરિયાણા અને પશ્ચિમ રાજસ્થાનના કેટલાક વિસ્તારોમાં તાપમાનમાં નજીવો ઘટાડો થતાં હાલ તુરંત ઠંડીમાં કોઈ રાહત નહીં મળે એવું હવામાન વિભાગનું સ્પષ્ટ કહેવું છે.