અમદાવાદના મહંમદપુરા ઝવેરી સર્કલ નજીક દસ દિવસ અગાઉ કાર અડફેટે બે વ્યક્તિના મોત નિપજ્યાં હતા. જે મામલે પોલીસે કાર ચાલક આરોપીને દબોચી લીધો છે.
નબીરાને ઓવરસ્પીડમાં કાર ચલાવવું ભારે પડ્યું
આરોપીના બેફામ કાર ચલાવવાના શોખે બે નિર્દોષ વ્યક્તિઓનો લીધો જીવ
પોલીસે ધીરજ ઠાકોરની કરી ધરપકડ
અમદાવાદમાં એક નબીરાના ઓવરસ્પીડમાં કાર ચલાવવાના શોખે બે નિર્દોષ વ્યક્તિઓને મોતના ખપ્પરમાં હોમી દેતા ચકચાર મચી છે. શહેરના એસ.પી.રિંગરોડ નજીક થયેલા અકસ્માતમાં કાર ચલાવતા યુવકની ધરપકડ કરવામાં આવી છે. 28 જુના રોજ સાંજના સમયે મહંમદપુરા ઝવેરી સર્કલથી એસપી રિંગરોડ તરફ રોંગ સાઈડ પર થાર કાર ચાલક ધીરજ ઠાકોર પુરઝડપે કાર ચલાવી સુરેશ ઠાકોર અને સારંગ કોઠારી નામના બાઇક સવાર મિત્રોને કચડી નાખતા બંનેના મોત નિપજ્યાં હતા. આ ઘટનાને અંજામ આપી કાર ચાલક નાશી છૂટયા હતા. થાર ગાડીમાં ધીરજ ઠાકોર સાથે તેના 3 મિત્રો પણ હતા. જોકે અકસ્માત થતા તેઓ કાર મૂકી ભાગી ગયા હતા. હાલ પોલીસે કાર ચાલકની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
આરોપી ધીરજ કામધંધો ન કરતો હોવાનું ખૂલ્યું
અમદાવાદમાં ધીરજ દિપક ઠાકોરે પોતાની થાર કારથી બાઇક સવાર બે મિત્રો કચડી મોતને ઘાટ ઉતાર્યા હતા. આ મામલે ફરિયાદ બાદ ટ્રાફિક પોલીસે અકસ્માતને લઈને તપાસ કરતા થાર કાર ગાડીનો માલિક સંજય ઠાકોર હોવાનું પુરવાર થયું હતું. જે આધારે પોલીસે સંજય ઠાકોરના ઘરે જઈ તપાસ કરતા સામે આવ્યું કે કાર કૌટુંબિક ભાઈને વેચી દીધી હતી.જેથી સંજય ઠાકોરે એફિડેવિટ કરીને કહ્યું કે કાર કૌટુંબિક ભાઈ કિરણ ઠાકોર વેચી હતી.જેમાં કિરણ ઠાકોરનો ભાઈ ધીરજ ઠાકોર દરરોજ થાર ગાડી લઈ મિત્રો સાથે રખડવા જતો હતો અને ઓવર સ્પીડ કાર ચલાવતો હોવાનું સામે આવ્યું છે. જેથી પોલીસે અકસ્માત કરનાર ધીરજને દબોચી લીધો હતો. જેમાં ચોંકાવનારા ખુલાસા થયા છે અને આરોપી ધીરજ ઠાકોર કોઈ કામધધો કરતો ન હોય તથા મોજશોખ માટે થાર ગાડી લઈ બેફામ ફરતો હોવાનું સામે આવ્યું છે.
પોલીસે આરોપીના રિમાન્ડ મેળવી વૈજ્ઞાનિક ઢબે તપાસ હાથ
અકસ્માત કરનાર આરોપી 23 વર્ષીય ધીરજ ઠાકોરની પુછપરછ કરતા પોતાના મિત્રો સાથે ગાડી લઈ ફરવામાં નીકળ્યા હોવાનું કબૂલાત કર્યું છે.ગાડી રોંગ સાઈડમાં હોવા છતાં પુરઝડપે ગાડી ચલાવતા ત્યારે સામે બાઇક ચાલક આવ્યો જેની ધીરજને ખ્યાલ હોવા છતાં તેને કચડી નાખી અકસ્માત કરી ફરાર થઈ ગયો હતો. હાલ અકસ્માતમાં ટ્રાફિક પોલીસે આરોપીના રિમાન્ડ મેળવી વૈજ્ઞાનિક ઢબે તપાસ હાથ ધરી છે.