ગુજરાત વિધાનસભા પેટાચૂંટણી પહેલા ભરૂચમાંથી ગેરકાયદેસર નાણા પકડાયા હતા. ત્યારે હવે ગેરકાયદે રોકડની હેરાફેરીનો ખુલાસો થયો છે. ભરૂચમાંથી ઝડપાયેલા 25 લાખ રૂપિયા કરજણના કોંગ્રેસ ઉમેદવારના હોવાની ઝડપાયેલા લોકોએ કબૂલાત કરી છે.
વાહન ચેકિંગ દરમિયાન રોકડ રકમ સાથે 2 શખ્સોને ઝડપ્યા
ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાંચે બંને શખ્સોને ઝડપી લીધા
ભરૂચ નજીક મુલ્ડ ટોલ પ્લાઝા પાસે વાહન ચેકિંગ દરમિયાન ભરૂચ LCBએ મારૂતિ બ્રેઝા કાર રોકી હતી. આ કારમાંથી ગેરકાયદે 25 લાખ રૂપિયા સાથે 2 લોકોને ઝડપી પાડવામાં આવ્યા હતા. આ મામલે કારમાં સવાર 2 લોકોની પૂછપરછ કરવામાં આવી હતી. જેમાં બન્નેએ જણાવ્યું કે, 25 લાખ રૂપિયા સુરતના જયંતિભાઇ સોહાગિયા પાસેથી લઇને કરજણના કોંગ્રેસના ઉમેદવાર કિરીટસિંહ જાડેજાને આપવા જઇ રહ્યા હતા. આ રૂપિયા જયંતિ સોહાગિયાએ કિરીટસિંહ જાડેજાને મોકલ્યા હતા.
પોલીસે રોકડ રૂપિયા અને કાર સાથે ઝડપાયેલા બન્ને લોકોની પૂછપરછ કરી હતી. જેમાં જાણવા મળ્યું કે, એક કરજણ તાલુકાના ધાનેરા ગામના રહેવાસી દિપકસિંહ ચૌહાણ અને વડોદરાના વાસણા રોડ પર આવેલી અવધ સોસાયટીમાં રહેતા રવીભાઇ મોકરીયા હતા.
આ નાણાં બેનામી હોવાની શંકાના આધારે કાયદેસરની કાર્યવાહી શરૂ કરાઇ
આ નાણાં બેનામી હોવાની શંકાના આધારે હવે પોલીસે આ બન્ને સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી હતી. તેની સાથે આવકવેરા વિભાગ, મુખ્ય ચૂંટણી અધિકારી, જિલ્લા ચૂંટણી અધિકારી અને વડોદરાના કલેક્ટરને આ અંગેની જાણ કરવામાં આવી હતી. આ રૂપિયા સુરતથી આવ્યા હોવાથી સુરત પોલીસને પણ જાણ કરાઇ હતી.