બ્રેકિંગ ન્યુઝ
VTV / ધર્મ / ગુજરાત / Daily Horoscope / અન્ય જિલ્લા / પહાડ પર બિરાજમાન થયા રુક્ષ્મણીજી? સદીઓથી છે ગરમ પાણીના કુંડ, જાણો તુલશીશ્યામ મંદિરનો મહિમા
Last Updated: 06:30 AM, 23 June 2024
ભારત દેશ વિવિધ સાંસ્કૃતિક અને આધ્યાત્મિક વિચારધારાથી ભરેલો દેશ છે. વિજ્ઞાનની સાથે આધ્યાત્મ વિજ્ઞાન પણ લોકોના હૃદયમાં વસેલું છે. ભારતીય વેદ,પુરાણ અને સંહિતાઓમાં અધ્યાત્મની સાથે વિજ્ઞાન પણ સંકળાયેલું છે. ગીર સોમનાથ જિલ્લાના ઉના-ધોકડવા નજીક આવેલું તુલસી શ્યામ પણ આવુ જ એક સ્થળ છે. મધ્ય ગીરના ગીચ જંગલની વચ્ચે ભગવાન શ્યામ સુંદર અને માતા રૂક્ષ્મણીનું મંદિર આસ્થાનુ કેન્દ્ર બની રહ્યું છે. આદિ અનાદિકાળથી ભગવાન શ્રીહરી શ્યામ સુંદર દેવ તરીકે દર્શન આપી રહ્યા છે.
ADVERTISEMENT
મધ્ય ગીરના જંગલની વચ્ચે તુલસી શ્યામ મંદિર
ADVERTISEMENT
બીજી તરફ માતા રુક્ષ્મણી નજીકની પહાડી પર બિરાજમાન થયા છે. જેના દર્શન કરવા માટે સમગ્ર ભારતમાંથી ખૂબ મોટી સંખ્યામાં ભક્તો સમગ્ર વર્ષ દરમિયાન આવતા હોય છે. ભગવાન શ્યામ સુંદર પ્રત્યેક ભક્તોની મનોકામના પૂર્ણ કરતા હોવાને કારણે લોકો અનન્ય આસ્થા ધરાવે છે. તુલસી શ્યામ મંદિર મધ્ય ગીરની વચ્ચે હોવાથી સિંહ અને દીપડાની પણ સતત હાજરી હોય છે. મંદિરમાં દર્શન માટે આવતા પ્રત્યેક ભક્તોને મંદિર ટ્રસ્ટ દ્વારા વિનામૂલ્યે ભોજન પ્રસાદ પણ અર્પણ કરવામાં આવે છે. તુલસીશ્યામ યાત્રાધામનો ઈતિહાસ ખૂબ જૂનો છે. સ્કન્ધ પુરાણ મુજબ જલંધર નામનો રાક્ષસ અતિ ભક્તિવાન અને મહાદેવનો પરમ ઉપાસક હતો. જલંધરની ઉત્તમ ભક્તિને કારણે તેને મહાદેવ સમાન શક્તિ પ્રાપ્ત થઈ હતી. જેનો દુરુપયોગ કરી તે દેવોને પીડા આપતો હતો. એટલે દેવોએ ભગવાન વિષ્ણુને જલંધર નામના રાક્ષસથી બચાવવા પ્રાર્થના કરી. જલંધરની પતિવ્રતા પત્નિ વૃંદાની પવિત્રતા અને શક્તિને કારણે તેના પતિ જલંધરને કોઈ જ શક્તિ નુકશાન પહોંચાડી શકતી નહોતી, જો જલંધરની પત્ની વૃંદાની શક્તિ ઘટે અને તેનું પતિવ્રતાનું વ્રત તૂટે તો જ જલંધરનો નાશ શક્ય હતો. એટલે ભગવાન વિષ્ણુ જલંધરનું રૂપ લઈ સતી વૃંદા પાસે પહોંચતા વૃંદાના વ્રતનો ભંગ થયો અને જલંધરનું મૃત્યુ થયુ એટલે વૃંદાએ ભગવાન વિષ્ણુને શ્રાપ આપી દેહ ત્યાગ કર્યો અને ભગવાન વિષ્ણુએ વૃંદાના શ્રાપનો સહજ સ્વીકાર કર્યો, બીજા જન્મે તુલસી સ્વરૂપે વૃંદા,શ્યામ સ્વરુપે ભગવાન વિષ્ણુ આ સ્થળે આવ્યા અને તુલસી શ્યામના વિવાહ યોજાયા એટલે જ આ સ્થળ તુલસીશ્યામ.
આ પણ વાંચો: જમ્યા બાદ થાળીમાં જ હાથ ધોવાથી આવી શકે છે દરિદ્રતા, જાણો વાસ્તુ શાસ્ત્રના નિયમ
કુંડમાં સ્નાન કરવાથી ચામડીના રોગો દૂર થવાની ધાર્મિક માન્યતા
તુલસી શ્યામ મંદિરમાં તુલસી વિવાહના દિવસે ખૂબ મોટો ધાર્મિક પ્રસંગ આયોજિત થાય છે. જેમાં ખૂબ મોટી સંખ્યામાં ભગવાન શ્યામ સુંદર અને માતા રૂક્ષ્મણી પ્રત્યે આસ્થા ધરાવનાર ભક્તો હાજર રહે છે. તુલસી વિવાહના પ્રસંગને માણવા માટે ભક્તો આખું વર્ષ રાહ જોતા હોય છે જેને કારણે પણ તુલસીશ્યામમાં બિરાજતા ભગવાન શ્યામ સુંદર અને માતા રુક્ષ્મણી ભક્તોની અનન્ય આસ્થા નું કેન્દ્ર આદિ અનાદિ કાળથી બનતા રહ્યા છે. મધ્ય ગીરમાં તુલસીશ્યામ ખાતે અનેક સદીઓથી ગરમ પાણીના કુંડ આવેલા છે. જે લોકોની ધાર્મિક આસ્થા સાથે જોડાયેલા છે. કુંડમાં સ્નાન કરવાથી ચામડીના રોગો દૂર થતા હોવાની લોકોની ધાર્મિક માન્યતાને કારણે પણ અહીં ભગવાન શ્યામ સુંદરના દર્શન કરવાની સાથે લોકો ચામડીના રોગોમાંથી મુક્ત થવા માટે ગરમ પાણીના કુંડમાં સ્નાન કરતા હોય છે. ધાર્મિક આસ્થા સાથે જોડાયેલું તીર્થક્ષેત્ર એટલે તુલસીશ્યામ. અહીં ભગવાન શ્યામ સુંદર દર્શન આપી રહ્યા છે પર્વત પર માતા રુક્ષ્મણી બિરાજમાન થયા છે તેની બિલકુલ વચ્ચે ગરમ પાણીના કુંડ જોવા મળે છે. તુલસીશ્યામ આવતા પ્રત્યેક વ્યક્તિ માટે કુંડ આસ્થાનું સૌથી મોટું કેન્દ્ર બની રહ્યા છે.
લેટેસ્ટ અપડેટ મેળવવા માટે આ લાઇન પર ક્લિક કરી ડાઉનલોડ કરો અમારી મોબાઈલ ફ્રેન્ડલી એપ
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.