Try Tasty and Healthy Baingan Bharta at Home With Bajara Roti in Winter Season
શિયાળુ વાનગી /
બાજરીના રોટલા કે ભાખરી સાથે માણી લો ઝાલાવાડી ઓળાનો સ્વાદ તમારા રસોડે, નહીં ભૂલાય સ્વાદ
Team VTV12:44 PM, 23 Jan 20
| Updated: 12:47 PM, 23 Jan 20
હવે તો રીંગણનો ઓળો દેશ-દુનિયામાં પ્રખ્યાત થઈ ચૂક્યો છે, પણ એક સમયે તેના પર ઝાલાવાડનો ઇજારો હતો. શિયાળાની સિઝન શરૃ થતાંની સાથે જ અહીં ગામેગામ લોકો રીંગણનો ઓળો ઉર્ફે ભડથું બાજરીના રોટલા સાથે ખાવાની મોજ લેતાં. સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા, હળવદ, વઢવાણ, લખતર અને લીંબડી તાલુકાનાં ગામડાંઓમાં મોડી રાત સુધી ખેડૂતો ખેતરોમાં પાણી વાળતાં હોય ત્યારે 'ભરથાં પાર્ટી' કરતા હોય છે. હવે તો શહેરોમાં પણ ભડથાંની સિઝનલ હાટડીઓ ખૂલવા માંડી છે.
શિયાળાની ખાસ વાનગી છે રીંગણનો ઓળો
આ ખાસ રીતે બનાવવાથી મળે છે ખાસ સ્વાદ
જામનગરમાં 4 વિવિધ રીતે બનાવવામાં આવે છે ઓળો
સામાન્ય રીતે ઓળામાં મોટી સાઇઝના રીંગણ પર પસંદગી ઊતરતી હોઈ તેમાં બી વધારે હોવાની શક્યતા રહે છે, પણ શિયાળુ રીંગણની ખાસિયત એ છે કે સાઇઝ મોટી હોવા છતાં તેમાં બીનું પ્રમાણ સામાન્ય હોય છે.
શિયાળામાં ખાસ બનાવાય છે ઓળો, આ છે સરળ રીત
ઓળો બનાવવા માટે શિયાળો બેસ્ટ સમય ગણાય છે. ઓળાની અસલ રેસિપી મુજબ તેને સીધા મોટા ભઠ્ઠામાં શેકી નાખવામાં આવે છે. પણ શહેરોમાં આ સુવિધા ઉપલબ્ધ ન હોઈ ત્યાં ચૂલા કે ગેસ પર રીંગણને શેકવામાં આવે છે. શેકેલા રીંગણની છાલ ઉતારી સારી રીતે સાફ કરીને સમાર્યા બાદ કડાઈમાં થોડું તેલ કે ઘી નાખી રાઈ અને જીરું શેકવામાં આવે છે. એ પછી તેમાં સમારેલાં ટામેટાં, લસણ અને ડુંગળી નાખી ગુલાબી થાય ત્યાં સુધી સાંતળવામાં આવે છે. આ તૈયાર મિશ્રણમાં પછી શેકેલાં રીંગણ નાખીને થોડીવાર શેકવામાં આવે છે. છેલ્લે બાકીના મસાલા સ્વાદાનુસાર ઉમેરીને થોડીવાર ધીમી આંચે પકવી ગરમાગરમ ઓળો બાજરીના રોટલા, ભાખરી, સલાડ, લસણની ચટણી, માખણ અને છાશ સાથે અસલ કાઠિયાવાડી સ્ટાઇલમાં પીરસવામાં આવે છે.
યુવા ટ્યુબર બનાવે છે વિવિધ પ્રકારનો ઓળો
જામનગરમાં યુવા યુટ્યૂબર નિકુંજ વસોયા કાચો, વઘારેલો, દહીં અને ગ્રીન એમ ચાર પ્રકારનો ઓળો બનાવે છે. કાચો ઓળો લાલ મરચાંની ચટણી, જીરું અને મીઠું ભેળવીને તૈયાર થાય છે. વઘારેલો ઓળો બનાવવામાં પ્રથમ તેલમાં જીરુંનો વઘાર કરી, તેમાં ટામેટાં, લીલી ડુંગળી, સમારેલાં મરચાં, લાલ મરચું પાવડર અને હિંગ નખાય છે. દહીંના ઓળામાં તેલમાં થોડું જીરું નાંખીને ફૂટી જાય પછી ઉતારી લેવાય છે. એ પછી તેમાં દહીં ઉમેરવામાં આવે છે જેથી ફાટે નહીં. છેલ્લે ઓળો મિક્સ કરી દઈને પીરસવામાં આવે છે. ગ્રીન ઓળામાં કોઈ સૂકા મસાલા નાખવામાં આવતા નથી. માત્ર લીલી ડુંગળી, લીલા ધાણા, લીલાં મરચાં વગેરે મિક્સ કરાય છે.