શાકને કંઇક અલગ લુક અને સ્વાદ આપવામાં આવે તો તે સૌને પસંદ આવે છે. આજે અહીં આપને માટે સરળતાથી બને તેવું સીઝનલ શાક લાવવામાં આવ્યું છે. ફ્લાવર-વટાણાનું શાક લગભગ દરેક વ્યક્તિને પસંદ હોય છે. તો આવો આજે તેને ગ્રેવી સાથે બનાવીને ટ્રાય કરીએ.
ઘરે જ બનાવો સ્વાદિષ્ટ ગોભી મસાલા
સીઝનનું આ શાક નાના મોટાં સૌને હોય છે પ્રિય
ગ્રેવી સાથે બનાવી લો આ શાક
સામગ્રી
- ચારસો ગ્રામ ફ્લાવર
- એક કપ લીલા ફ્રોઝન વટાણા
- ત્રણ ટામેટાની ગ્રેવી
- બે નંગ લીલા મરચાં
- એક ઇંચ આદુનો ટુકડો
- દસ-બાર કાજુ
- ત્રણ ટીસ્પૂન કોથમીર
- અડધી ચમચી જીરું
- ચપટી હિંગ
- પા ચમચી હળદર
- નાની ચમચી ઘાણા પાવડર
- બે ચમચા તેલ
- પા ચમચી ગરમ મસાલો
- નાની ચમચી લાલ મરચું
- મીઠું સ્વાદ અનુસાર
- એક ટીસ્પૂન કસૂરી મેથી
ગોભી મટર મસાલાની રીત
સૌ પહેલાં ફ્લાવરને ધોઇને સુધારી લો. એક પેન ગરમ કરવા મૂકો અને અન્યમાં ફ્લાવર અને વટાણાને ચઢવા મૂકો. તેને ચઢવો એક કપ પાણી નાંખી પાંચ મિનિટ રહેવા દો. અન્ય વાસણમાં તેલ મૂકો અને તેમાં જીરું અને હિંગ ઉમેરો.હળદર, કસૂરી મેથી, ઘાણા પાવડર ઉમેરી તેને હલાવો. તેમાં ટામેટા, મરચાં અને આદુની પેસ્ટ એડ કરો. તેમાં લાલ મરચું પણ ઉમેરો. આ મસાલાને સતત હલાવો. તેમાંથી તેલ છૂટું પડે તેની રાહ જોવો. ગ્રેવી ઘટ્ટ કરવા તમે કાજુ કે ખસખસનો ઉપયોગ કરી શકો છો. નારિયેળ કે શિંગના ભૂકાને ઉપયોગમાં લઇ શકો છો. તેનાથી શાકનો ટેસ્ટ વધે છે. શાક થોડું ચઢી ગયું હોય તો તેમાં મીઠું ઉમેરો અને બાકીનું ટેસ્ટ અનુસાર ગ્રેવીમાં ઉમેરો. હવે ગ્રેવી તૈયાર થતાં તેમાં પાણી સાથેના ચઢેલા શાક ઉમેરો. તેને હલાવો. ગરમ મસાલો અને કોથમીર ભભરાવો. તેને સતત હલાવતા રહો. શાકને ત્રણ મિનિટ સુધી ધીમા ગેસ પર ચઢવા દો. શાક તૈયાર છે અને તેને બાઉલમાં કાઢીને કોથમીરથી સજાવીને સર્વ કરો.