સ્ટ્રીટ ફૂડના શોખીન અમદાવાદીઓ હવે ઘરે જ આ રેસિપીથી બનાવી શકશે કચ્છની ફેમસ દાબેલી, કરી લો ટ્રાય.
ઘરે બનાવો કચ્છી દાબેલી
સ્વાદ અને હેલ્થ બંને માટે છે બેસ્ટ
સરળ સ્ટેપ્સથી કરી લો તૈયારી
દાબેલીનો જો ખાસ સ્વાદ માણવો હોય તો તમારે કચ્છી દાબેલીનો ટેસ્ટ માણવો રહ્યો. જો તમે આ સ્વાદ ચાખવા ઇચ્છો છો તો તેને ઘરે પણ ટ્રાય કરી શકો છો. જો તમે ઓરિજિનલ ટેસ્ટ કરવા ઇચ્છો છો તો હાલ જ કચ્છ રણોત્સવની પણ શરૂઆત થઇ ચૂકી છે. તમે જો તેની મુલાકાતે જાવ છો તો કચ્છની દાબેલી અને ખાસ કચ્છી સમોસાનો સ્વાદ માણવાનું ચૂકશો નહીં. અમદાવાદીઓ અને કચ્છીઓની ખાસ વાનગી એવી દાબેલીની આજે અહીં રેસિપિ આપવામાં આવી છે જેને તમે તમારા રસોડામાં ટ્રાય કરો.
દાબેલી મસાલા સામગ્રી
- બે નાની ચમચી આખા ધાણા
- એક નાની ચમચી જીરું
- એક નંગ લાલ મરચું
- એક નાનો ઇંચ તજ
- બે નંગ લવિંગ
- ચાર નંગ મરી
દાબેલી સ્ટફિંગની સામગ્રી
- ચાર નંગ બટાકા
- બે નંગ ટામેટા
- એક મરચું
- એક ઇંચ લાંબો ટુકડો આદુ
- એક ટીસ્પૂન માખણ
- એક ટીસ્પૂન તેલ
- અડધી ચમચી જીરું
- ચપટી હળદર
- પા ચમચી હળદર પાવડર
- પોણી ચમચી ખાંડ (ઇચ્છો તો)
- એક ચમચી લીંબુનો રસ (ઇચ્છો તો)
- મીઠું સ્વાદ અનુસાર
રીત
બટાકાને બાફીને છોલી લો. ટામેટાંને ધોઈ તેને નાના ટુકડામાં કાપી લો. આદુને પીસી તેની પેસ્ટ બનાવી લો, લીલા મરચાંને બારીક સુધારી લો. હવે સ્ટફિંગની સામગ્રી તૈયાર કરો.
દાબેલીનો મસાલો બનાવવાને માટે
લાલ મરચાં સિવાયના દરેક મસાલાને ગરમ તવા પર નાંખો અને તે સોનેરી થાય ત્યાં સુધી તેને શેકો. શેકેલા મસાલાને ઠંડા કરો અને સાથે જ તેને બારીક પીસી લો, દાબેલી મસાલો તૈયાર છે. આ મસાલાને દાબેલીના સ્ટફિંગને શેકતી સમયે મિક્સ કરી શકાય છે.
દાબેલી સ્ટફિંગ બનાવવાની રીત
એક કડાઇમાં માખણ અને તેલ નાંખીને તેને ગરમ કરો, માખણમાં હિંગ અને જીરું ઉમેરો. જીરું બ્રાઉન થાય ત્યાં સુધી આદુ, લીલા મરચાં, હળદર પાવડર, ટામેટાને મિક્સ કરીને શેકો. તેમાં સાથે બટાકા, મીઠું અને દાબેલીનો મસાલો પણ મિક્સ કરો, તેને ચાર મિનિટ સુધી હલાવતા રહો. તૈયાર છે દાબેલીનું સ્ટફિંગ. તેને એક વાટકામાં કાઢીને રાખી દો.
હવે દાબેલી બનાવો
પાવને બે સાઇડથી કાપી લો અને સાથે જ તે અન્ય સાઇડથી જોડાયેલો રહે તેનું ધ્યાન રાખો. હવે તવાને ગરમ કરો અને પાવને ઉપર અને નીચે થોડું માખણ લગાવીને શેકો. પાવને બે બાજુ સોનેરી થાય ત્યાં સુધી શેકો. પાવના કાપેલા ભાગને ખોલો. તેની અંદર બંને તરફ ગળી, તીખી અને ઇચ્છો તો લસણની ચટણી લગાવો. તેની ઉપર એક ચમચી દાબેલીનું સ્ટફિંગ રાખો અને સાથે તેની ઉપર એક ચમચી શેકેલા શિંગદાણા, સેવ અને કોથમીર એડ કરો. સાથે તેમાં દાડમના દાણા પણ ઉમેરો, હવે હાથથી દાબેલીને બંધ કરી દો.
તૈયાર છે સ્વાદિષ્ટ દાબેલી. ગરમાગરમ દાબેલીને તમે સોસની સાથે સર્વ કરી શકો છો.