હરિયાણા, ઝારખંડ બાદ ગુજરાતમાં પણ પોલીસકર્મી માફિયાઓના શિકાર બની રહ્યાં હોય તેવું લાગી રહ્યું છે. બોરસદમાં વાહન ચેકિંગ દરમિયાન પોલીસ કોન્ટબલને ટ્રકચાલકે કચડતા મોત.
આણંદના બોરસદમાં ટ્રકચાલકે પોલીસકર્મીને કચડ્યો
કોન્સ્ટેબલ કિરણસિંહ રાજનું સારવાર દરમિયાન મૃત્યુ
અકસ્માત સર્જનાર ટ્રકચાલકનો બ્રેક ન લાગી હોવાનો દાવો
હરિયાણા, ઝારખંડ બાદ ગુજરાતમાં આણંદના બોરસદના એક પોલીસ જવાન ઉપર ટ્રક ચાલકે હુમલો કર્યાની ઘટના સામે આવી છે. જેમાં કોન્સ્ટેબલ કિરણસિંહ રાજનું સારવાર દરમિયાન મૃત્યુ થયું છે. અડાસ ખાતે મૃતક જવાન કિરણસિંહ રાજને આણંદ પોલીસ દ્વારા ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું છે. ગાર્ડ ઓફ ઓનર બાદ હવે જવાનના અંતિમ સંસ્કાર કરવામાં આવશે.
ટ્રક ચાલકની ધરપકડ
સંપૂર્ણ વિગત એવી છે કે, બોરસદની આણંદ ચોકડી પર ડ્યુટી દરમ્યાન એક ટ્રક ભરૂચથી કેમિકલના દાણા ભરી સૌરાષ્ટ્ર તરફ જતી હતી. એ દરમ્યાન મૃતક પોલીસ જવાન રાત્રે શંકાસ્પદ ટ્રકને રોકવા જતા ટ્રકચાલકે હુમલો કર્યો હતો. ટ્રક ઊભી ના રહેતા પોલીસ જવાને પોતાની કારથી ટ્રકનો પીછો કર્યો હતો. દરમ્યાન કારની નીચે ઉતરવા જતા ટ્રક ચાલકે ટ્રક જવાન ઉપર ચડાવી ટ્રક ચાલક ત્યાંથી ફરાર થઇ ગયો હતો. જો કે, બાદમાં આરોપી ટ્રક ચાલક ગોપી રામ મિણાને ઝડપી લેવામાં આવ્યો છે.
અકસ્માત સર્જનાર ટ્રકચાલકનો બ્રેક ન લાગી હોવાનો દાવો
જો કે, બોરસદ પોલીસ જવાન ઉપર જીવલેણ હુમલાના કેસમાં નવો ખુલાસો થયો છે. જેમાં અકસ્માત સર્જનાર ટ્રકચાલકે બ્રેક ન લાગી હોવાનો દાવો કર્યો છે. ટ્રાન્સપોર્ટ માલિકે પણ બ્રેક ન લાગ્યાનું રટણ કર્યું. વરસાદના કારણે બ્રેક ન લાગતા અકસ્માત થયાનો દાવો કરવામાં આવી રહ્યો છે.
ટ્રકચાલક
પોલીસ જવાનના વતન અડાસ ગામે કરાશે અંતિમ સંસ્કાર
તમને જણાવી દઇએ કે, મૃતક પોલીસ જવાન એક વર્ષથી બોરસદ ટાઉનમાં ફરજ બજાવતા હતા. મૃતક કિરણસિંહ રાજ અગાઉ આણંદ SOGમાં ફરજ બજાવતા હતા. આ પોલીસ જવાનના વતન અડાસ ગામે અંતિમ સંસ્કાર કરાશે. હાલમાં આ સમગ્ર મામલે પોલીસ દ્વારા તમામ દિશામાં તપાસ હાથ ધરવામાં આવી રહી છે. આ ઘટનાને લઇને ટ્રાન્સપોર્ટ સંચાલક પોલીસ મથકે આવવા રવાના થયા છે.
ઝારખંડના રાંચીમાં પણ એક મહિલા પોલીસ અધિકારીનું મોત નિપજ્યું
ઉલ્લેખનીય છે કે, ઝારખંડના રાંચી જિલ્લામાં પણ વાહન ચેકિંગ દરમિયાન એક મહિલા સબ-ઇન્સ્પેક્ટરની પીકઅપ વાનથી કચડીને હત્યા કરી દેવાઇ છે. આ ટક્કર એટલી જોરદાર હતી કે મહિલા પોલીસ અધિકારીનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું.
હરિયાણાના મેવાતમાં ખનન માફિયાઓએ એક DSPની હત્યા કરી નાખી
બીજી બાજુ હરિયાણાના મેવાતમાં ખનન માફિયાઓએ એક DSPની હત્યા કરી દીધી છે. આ ઘટનામાં ડેપ્યુટી એસપી સુરેન્દ્ર સિંહ બિશ્નોઈનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. હરિયાણાના મેવાતના નુહના પચગાંવમાં ગેરકાયદે ખનન માફિયાઓએ ડીએસપી પર ડમ્પર ચડાવી દેતા તેઓનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. મળતી માહિતી પ્રમાણે, બાતમી પર ખનન બંધ કરાવવા ગયેલા ડીએસપી સુરેન્દ્ર સિંહે ગેરકાયદે પથ્થર ભરેલી ટ્રકને રોકવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારે ખાણ માફિયાઓના માણસોએ ડીએસપી પર ડમ્પર ચડાવી દીધું. મહત્વનું છે કે, આ વર્ષે સુરેન્દ્ર સિંહ નિવૃત્ત થવાના હતા અને તેઓને ત્રણ મહિનાનો જ કાર્યકાળ બાકી હતો. જો કે, DSPની હત્યા બાદ પોલીસે સમગ્ર વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. જેમાં એન્કાઉન્ટર દરમિયાન એક આરોપીને પગમાં ગોળી વાગતા ઘાયલ થયો હતો. પોલીસે આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
જો કે, અહીં પ્રશ્ન એ મોટો ઊભો થાય છે કે, આખરે કેમ માફિયાઓમાં હવે નથી રહ્યો પોલીસનો ડર? જો માફિયાઓનો શિકાર પોલીસકર્મીઓ બનશે તો પછી જનતાનું શું?