Traffic Ahmadabad vastrapur area one more over bridge
મંજૂરી /
ટ્રાફિકથી ધમધમતા અમદાવાદના આ વિસ્તારમાં વધુ એક ઓવરબ્રિજ બનશે
Team VTV02:50 PM, 13 Nov 19
| Updated: 03:25 PM, 13 Nov 19
શહેરનો વિકાસ કૂદકે ને ભૂસકે થઇ રહ્યો છે, તેમાંય જાહેર પરિવહન સેેવા એટલે કે એએમટીએસ-બીઆરટીએસની ઉપયોગિતા સીમિત હોઇ વધુ ને વધુ લોકો અંગત વાહન વસાવી રહ્યા છે. દરરોજ રસ્તા પર ૮૦૦ નવાં વાહન ઉમેરાઇ રહ્યાં છે, જેનાથી ટ્રાફિક જામની સમસ્યા વધુ વકરી છે. વેજલપુરના બુટભવાની મંદિર પાસેેના અમદાવાદ-બોટાદ રેલવે લાઇન પરના વસ્ત્રાપુર ક્રોસિંગ પર હાથ ધરાનાર બ્રિજ પ્રોજેકટ આનું એક ઉદાહરણ છે.
અગાઉ અંડરપાસ બનાવવાની પણ વિચારણા હાથ ધરાઇ હતી
ફાટકમુક્ત અમદાવાદ હેઠળ મ્યુનિ. કોર્પો. ની સૈદ્ધાંતિક મંજૂરી
અત્યારે કામચલાઉ ફાટક ઊભું કરાશે
બીજી તરફ અમદાવાદ-બોટાદ રેલવે લાઇન શહેરના મધ્યભાગમાંથી પસાર થઇ રહી હોઇ આ રેલવેનાં ફાટક વાહનચાલકોની સરળ અવરજવર માટે મુશ્કેલી સર્જી રહ્યા છે. મ્યુનિસિપલ સત્તાવાળાઓ દિન-પ્રતિદિન વધતી જતી ટ્રાફિક જામની સમસ્યાના નિરાકરણ માટે વિવિધ બ્રિજ પ્રોજેક્ટ અમલમાં મૂકી રહ્યા છે.
તાજેતરમાં તંત્ર દ્વારા શહેરના અતિવ્યસ્ત રાજમાર્ગ આશ્રમરોડ પર અંજલિ ફલાય ઓવરબ્રિજનું લોકાર્પણ કરાયું હતું. ઇન્કમટેકસ ફલાય ઓવરબ્રિજ બાદ શહેરના સૌથી લાંબા અંજલિ ફલાય ઓવરબ્રિજથી આશ્રમરોડ પરના ટ્રાફિકનું ભારણ કંઇકઅંશે ઓછું થયું છે.
આની સાથે વિરાટનગર સ્પ્લીટ ફલાય ઓવરબ્રિજ, નરોડા રેલવે ઓવરબ્રિજ, અજિત મિલ ફલાય ઓવરબ્રિજ, સિમ્સ હોસ્પિટલ રેલવેબ્રિજ, રાજેન્દ્રપાર્ક જંક્શન સ્પ્લીટ ફલાય ઓવરબ્રિજ જેવા અન્ય બ્રિજ પ્રોજેકટ પ્રગતિ હેઠળ છે, જેનાથી ટ્રાફિક જામની સમસ્યામાં રાહત મળશે.
બીજી તરફ અમદાવાદ-બોટાદ રેલવે લાઇન પરનાં ફાટક ટ્રાફિફ માટે અવરોધરૂપ હોઇ તંત્રે ચાલુ વર્ષના બજેટમાં ફાટકમુક્ત અમદાવાદની જાહેરાત કરી છે, જે હેઠળ આ રેલવે લાઇન પરનાં ૧૧ ફાટક પર અન્ડરપાસ અથવા તો ઓવરબ્રિજ બનાવાશે. ત્રણ ફાટક ખાતે પેડેસ્ટ્રિયન સબ-વે તો અમદાવાદ-હિંમતનગર ઓમનગર ક્રોસિંગ ખાતે પણ પેડેસ્ટ્રિયન સબ-વે બનાવાશે, જ્યારે માદલપુર ગરનાળાને પહોળું કર્યા બાદ હવે મીઠાખળી અંડરપાસને પહોળો કરાઇ રહ્યો હોઇ ટૂંક સમયમાં તેનું લોકાર્પણ કરાશે.
જોકે આમાં રસપ્રદ બાબત એ છે કે અગાઉ વેજલપુર બુટભવાની મંદિર પાસેના લેવલ ક્રોસિંગ ર૧ એટલે કે વસ્ત્રાપુર ક્રોસિંગ ખાતે અન્ડરપાસ બનાવવાનો હતો, પરંતુ સેટેલાઇટ વિસ્તારને વેજલપુર, જુહાપુરા-સરખેજ અને મકરબાથી જોડતા આ રેલવે ક્રોસિંગ પર સતત ટ્રાફિક વધતો જતો હોઇ મ્યુનિસિપલતંત્રએ તાજેતરમાં રેલવે ઓવરબ્રિજ બનાવવાની સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. આમાં રેલવે સત્તાવાળાઓએ પણ પોતાની સંમતિ આપી છે.
જાણકાર સૂત્રો કહે છે કે વસ્ત્રાપુર રેલવે ક્રોસિંગ અગાઉ સાંકડું પડતું હોઇ તેને બે વર્ષ પહેલાં જ પહોળું કરાયું હતું, જેનાથી વાહનચાલકોને રાહત થઇ હતી, પરંતુ હવે અમદાવાદ-બોટાદ રેલવે લાઇન ફરીથી ધમધમતી થયા બાદ સત્તાવાળાઓ કામચલાઉ ફાટક ઊભું કરશે અને તેની સાથે-સાથે રેલવે ઓવરબ્રિજ માટેની તૈયારીઓ શરૂ કરશે.
અન્ય બ્રિજ પ્રોજેક્ટની જેમ આમાં પણ બ્રિજની ડિઝાઇન તૈયાર કરવાથી લઇને સૌથી ઓછા ભાવના કોન્ટ્રાકટરને બ્રિજ નિર્માણનો કોન્ટ્રાક્ટ આપો અને તેનો વર્કઓર્ડર અપાયા બાદ બે વર્ષના સમયગાળામાં બ્રિજ તૈયાર કરવો જેવાં વિવિધ પાસાંઓને જોતાં ઓછામાં ઓછાં ચારથી સાડા ચાર વર્ષે વસ્ત્રાપુર રેલવે ક્રોસિંગ પર ઓવરબ્રિજ તૈયાર થશે. આ સમગ્ર પ્રોજેક્ટ પાછળ અંદાજે ૬પથી ૭૦ કરોડ ખર્ચાશે. બ્રિજનો એક છેડો રાહુલ ટાવર તરફ અને બીજો છેડો બુટભવાની મંદિર તરફ રખાશે, જોકે રેલવે ઓવરબ્રિજ બનવાનો હોઇ તેના એપ્રોચ રોડને વધારે જગ્યાની જરૂર નહીં પડે.