Team VTV08:47 PM, 12 Jul 21
| Updated: 07:47 PM, 22 Aug 21
જામનગર નજીકના આમરા ગામમાં પાંચ- છ સદીઓથી રોટલાથી વરસાદનો વરતારો જોવાની પરંપરા, અષાઢ મહિનાનાં પ્રથમ સોમવારે ગામના ભમરિયા કૂવામાં રોટલા પધરાવી વરસાદ કેવો રહેશે તેનું અનુમાન કરાઈ છે
જામનગરના આમરા ગામમાં અનોખી પરંપરા
દેશી પદ્ધતિથી જોવાય છે વરસાદનો વરતારો
અનુમાન સાચુ પડતું હોવાનો સ્થાનિકોનો દાવો
હોય શ્રધ્ધાનો વિષય ત્યાં પુરાવાની શું જરૂર છે. આ યુક્તિને સાર્થક કરતી પરંપરા જામનગરમાં જોવા મળી છે. જામનગર નજીકના આમરા ગામમાં પાંચ- છ સદીઓથી રોટલાથી વરસાદનો વરતારો જોવાની પરંપરા હોવાનું સામે આવ્યું છે. અષાઢ મહિનાનાં પ્રથમ સોમવારે ગામના ભમરિયા કૂવામાં રોટલા પધરાવી વર્ષ દરમિયાન વરસાદ કેવો રહેશે તેનું અનુમાન કરવામાં આવે છે. અને આ અનુમાન સાચું પડતું હોવાનો દાવો પણ સ્થાનિકો દ્વારા કરવામાં આવ્યો છે.
વરસાદનો વર્તારો જોવાની એવી પરંપરા છે કે, ગામના સતવારા પરિવારના વૃદ્ધ મહિલા દ્વારા બાજરીનો રોટલો બનાવવામાં આવે છે. વાણંદના હાથે આ રોટલો મંદિર સુધી લઇ જવામાં આવે છે. અહી કૂવા કાંઠે આવેલ સતી માતાજી મંદિરે પ્રથમ પૂજા અર્ચના થાય છે. અને આ વિધિ બાદ ગામના ભમ્મરિયા કૂવામાં ક્ષત્રિય પરિવારના સભ્યના હાથે રોટલાને કૂવામાં પધરાવાય છે.
ઈશાન દિશામાં રોટલો પડ્યો
ત્રણ જ્ઞાતિના સમન્વય સાથે ઉજવાતી આ પરંપરામાં ક્ષત્રીય યુવાન રોટલાને કૂવામાં પધરાવે છે. ત્યારે કુવામાં પડેલ રોટલો કઈ દિશામાં પડ્યો છે ? તેની દિશા જોઈ વર્ષની સફળતા-નિષ્ફળતા નક્કી થાય છે. જો પૂર્વ દિશામાં રોટલો પડે તો સારો વરસાદ થાય અને પશ્ચિમ દિશામાં રોટલો પડે તો ઓછા વરસાદ કે દુષ્કાળની સ્થિતિનું અનુમાન કરવામાં આવે છે. જયારે ઇશાન દિશાને પણ શુકનવંતી માનવામાં આવે છે. આમ, દર વર્ષે આ માન્યતા સાચી પડતી હોવાની ગામ લોકોને શ્રદ્ધા છે. આપને જણાવી દઈએ કે, આ વર્ષે રોટલાની દિશા સારા વરસાદનું સૂચન કરતી હોવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે. તો આ વર્ષે ઈશાન ખૂણામાં રોટલો પડ્યો હતો. જેને શુકનવંત માનવામાં આવે છે.