સરકારે પ્રોડક્શન લિંક્ડ ઇન્સેન્ટિવ સ્કીમ હેઠળ ડેલ, એચપી, ફોક્સકોન અને લેનોવો સહિત 27 કંપનીઓને મંજૂરી આપવાની જાહેરાત કરી છે. ઈલેક્ટ્રોનિક્સ અને સૂચના મંત્રી અશ્વિની વૈષ્ણવે આ અંગે જાણકારી આપી છે. આ મંજૂરી એવા સમયે આપવામાં આવી છે કે, જ્યારે સરકાર IT હાર્ડવેર કંપનીઓને પોતાની નીતિઓ અને પ્રોત્સાહનોથી આકર્ષી રહી છે. સાથો સાથ કેન્દ્ર સરકાર દેશમાં મેન્યુફેક્ચરિંગ સ્થાપિત કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. અશ્વિની વૈષ્ણવે માહિતી આપી હતી કે 23 કંપનીઓ તરત જ મેન્યુફેક્ચરિંગ કામ શરૂ કરવા માટે તૈયાર છે, જ્યારેચાર કંપનીઓ આગામી 90 દિવસમાં કામ શરૂ કરશે. સરકારના આ પગલાથી મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં 3000 કરોડ રૂપિયાનું રોકાણ આવવાની ધારણા છે, જ્યારે 50 હજાર લોકોને સીધી અને 1.5 લાખ લોકોને પરોક્ષ નોકરી મળવાની આશા છે.
40 કંપનીઓ
સરકારી યોજનાનો લાભ લેવા માટે ડેલ, એચપી, ફોક્સકોન અને લેનોવો સહિત કુલ 40 કંપનીઓએ PLI સ્કીમ માટે અરજી કરી હતી. યોજના હેઠળ રૂ. 4.65 લાખ કરોડના પર્સનલ કોમ્પ્યુટર, લેપટોપ, ટેબલેટ, સર્વર અને મિશ્રિત ઉત્પાદનોનું ઉત્પાદન સામેલ છે. અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે જે કંપનીઓને IT હાર્ડવેર PLI સ્કીમ હેઠળ હજુ સુધી મંજૂરી મળી નથી તેનું મૂલ્યાંકન કરવામાં આવી રહ્યું છે. એવી અપેક્ષા છે કે આ કંપનીઓને ટૂંક સમયમાં આ યોજના હેઠળ સામેલ કરવામાં આવશે.
સરકારે આ યોજના ક્યારે શરૂ કરી?
આ યોજના હેઠળ, લેપટોપ, ટેબલેટ, ઓલ-ઇન-વન પીસી, સર્વર અને અલ્ટ્રા-સ્મોલ ફોર્મ ફેક્ટર ઉપકરણોના સ્થાનિક ઉત્પાદનને પ્રોત્સાહન આપવા માટે છે. અંદાજ છે કે 3.5 લાખ કરોડ રૂપિયાનું ઉત્પાદન શરૂ થશે અને 2 લાખ રૂપિયાની રોજગારીની તકો ઊભી થશે. આ યોજના હેઠળ પ્રોત્સાહન 5 ટકા સુધી વધે છે. PLI સ્કીમ મેમરી ચિપ્સ, સોલિડ-સ્ટેટ ડ્રાઇવ્સ, ચેસિસ, પાવર સપ્લાય જેવી બાબતોના ઉત્પાદનને પણ પ્રોત્સાહન આપશે. તેનો ઉદ્દેશ્ય વૈશ્વિક સ્તરે પોતાને સ્થાપિત કરવાનો છે. ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રાલયના જણાવ્યા અનુસાર, ઈન્ડસ્ટ્રી ઘણા પડકારોનો સામનો કરી રહી છે. આવી સ્થિતિમાં ઇલેક્ટ્રોનિક્સ પરની રાષ્ટ્રીય નીતિ 2019નું લક્ષ્ય ઇલેક્ટ્રોનિક્સ સિસ્ટમ ડિઝાઇન અને ઉત્પાદન માટે વૈશ્વિક સ્તરે ભારતને સ્થાપિત અને સુધારવાનું છે