Today's Junior Clerk exam postponed, decision taken due to paper leak
BIG BREAKING /
આજે લેવાનારી જુનિયર ક્લાર્કની પરીક્ષા રદ્દ, પેપર લીક થવાના કારણે લેવાયો નિર્ણય
Team VTV07:21 AM, 29 Jan 23
| Updated: 07:42 AM, 29 Jan 23
આજે લેવાનારી જુનિયર ક્લાર્કની પરીક્ષા 'મોકૂફ' રાખવામાં આવી છે. પેપર લીક થવાના કારણે ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે.
આજે લેવાનારી જુનિયર ક્લાર્કની પરીક્ષા મોકૂફ
પેપર લીક થવાના કારણે રદ્દ કરાઈ પરીક્ષા
પ્રશ્ન પત્ર સાથે એક વ્યક્તિની કરાઈ ધરપકડ
ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળની આજે યોજાનારી જુનિયર ક્લાર્કની પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે. પરીક્ષાના પ્રશ્ન પત્ર સાથે એક વ્યક્તિની ધરપકડ કરાયા બાદ આ પરીક્ષા રદ્દ કરવામાં આવી છે. મંડળ દ્વારા આજે ઉમેદવારોને પરીક્ષા કેન્દ્ર પર ન જવા અપીલ કરી છે.
2,995 પરીક્ષા કેન્દ્રો પર યોજાવાની હતી પરીક્ષા
આજે રાજ્યના કુલ 2,995 પરીક્ષા કેન્દ્રો પર જુનિયર ક્લાર્કની ભરતી પરીક્ષા યોજાવાની હતી. પરંતુ આ પરીક્ષાનું અચાનક પેપર લીક થતા પરીક્ષા રદ્દ કરી દેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા આયોજિત જુનિયર ક્લાર્કની પરીક્ષા પેપર લીક થયા બાદ રદ કરવામાં આવી છે. આ અંગે ગુજરાત પંચાયત સેવા પસંદગી દ્વારા આ મામલે પરિપત્ર પણ જાહેર કરવામાં આવ્યો છે.
ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળે જાહેર કર્યો પરિપત્ર
જેમાં જણાવ્યા પ્રમાણે જુનિયર કલાર્ક (વહીવટ/હિસાબ)ની સ્પર્ધાત્મક પરીક્ષા તા.29- 1- 2023 (રવિવાર)ના રોજ સવારે 11 થી 12 કલાક દરમિયાન વિવિધ જિલ્લાઓ ખાતે યોજાનાર હતી. 29-01-2023ની વહેલી સવારે પોલીસ તરફથી મળેલ માહિતી મુજબ પોલીસને મળેલ બાતમી આધારે એક શંકાસ્પદ ઇસમની ધરપકડ કરી ઘનિષ્ઠ પૂછપરછ કરતાં તેની પાસેથી ઉપરોક્ત પરીક્ષાના પ્રશ્નપત્રની નકલ મળી આવેલ છે. ઉપરોક્ત બાબતે તાત્કાલિક અસરથી ફોજદારી રાહે પોલીસ કાર્યવાહી અને આગળની તપાસ કરવામાં આવી રહી છે. પરંતુ ઉમેદવારોના વિશાળ હિતમાં તા.29-01-2023ના રોજ સવારે 11-00 કલાકે યોજાનાર સ્પર્ધાત્મક પરીક્ષા “મોકુફ” કરવા મંડળ ધ્વારા નિર્ણય કરવામાં આવેલ છે, સદર પરીક્ષા નવેસરથી વહેલી તકે ત્વરીત યોજવામાં આવશે, જેની તારીખ મંડળ દ્વારા ટુંક સમયમાં હવે પછી જાહેર કરવામાં આવશે.
9.53 લાખ ઉમેદવારોએ કરી હતી અરજી
ગુજરાતના ગીર સોમનાથ સિવાય તમામ જિલ્લામા સવારે 11થી 12 દરમિયાન પરીક્ષા યોજાવાની હતી. આ પરીક્ષા માટે 9 લાખ 53 હજાર 723 ઉમેદવારોએ અરજી કરી હતી. ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા એવું કહેવામાં આવ્યું હતું કે, તમામ પરીક્ષા કેન્દ્ર ખાતે અને તમામ વર્ગખંડોમાં 100 ટકા સીસીટીવી કેમેરા સહિત લાઈવ રેકોર્ડીંગ કરવામાં આવશે. તેમજ પરીક્ષાના સીલબંધ મટીરીયલ્સ રાખવા માટે વિવિધ જિલ્લાઓ ખાતે 42 જેટલા સ્ટ્રોંગરૂમ પણ તૈયાર કરવામાં આવ્યાં છે. સ્ટ્રોંગરૂમમાં 24X7 હથિયારધારી પોલીસ બંદોબસ્ત અને સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યાં છે. તમામ જિલ્લાઓ ખાતે પરીક્ષાનું સંચાલન કરવા માટે 7500 જેટલા પોલીસ કર્મીઓ સહિત આશરે 70,00 જેટલો સ્ટાફ રોકવામાં આવશે. પરીક્ષા પૂરતી સુરક્ષા અને તકેદારી સાથે યોજાય તે હેતુથી સમગ્ર રાજ્યમાં હથિયારધારી પોલીસ અને સીનીયર અધિકારી ધરાવતી 291 જેટલી ફ્લાઈંગ સ્કવોડ રાખવામાં આવી છે. જિલ્લાના સ્ટ્રોંગરૂમથી પરીક્ષા કેન્દ્રો સુધી પરીક્ષા લક્ષી સીલબંધ મટીરીયલ પહોંચાડવા માટે કુલ-939 જેટલા રૂટ બનાવવામાં આવેલ છે. અને દરેક રૂટવાહનને હથિયારધારી પોલીસ બંદોબસ્ત હેઠળ રૂટ સુપરવાઈઝર દ્વારા મોકલવામાં આવશે.