today arvind kejriwal rajkot visit for election 2022
ઇલેક્શન-2022 /
ગુજરાતનો ગઢ જીતવા આજે રાજકોટમાં કેજરીવાલનું શક્તિ-પ્રદર્શન, જાહેર જનસભાને સંબોધશે, જુઓ શું છે સંપૂર્ણ કાર્યક્રમ
Team VTV07:42 AM, 11 May 22
| Updated: 10:42 AM, 11 May 22
ગુજરાતનો ગઢ જીતવા અરવિંદ કેજરીવાલ આજે રાજકોટના શાસ્ત્રી મેદાન ખાતે જાહેર જનસભાને સંબોધન કરશે.
અરવિંદ કેજરીવાલ આજે પ્રથમ વખત રાજકોટની મુલાકાતે
સાંજના 7 વાગ્યે શાસ્ત્રી મેદાન ખાતે જાહેર જનસભાને સંબોધશે
સામાજિક અને રાજકીય આગેવાનો સાથે કરશે મહત્વની બેઠક
દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ આજે પ્રથમ વખત રાજકોટ આવી રહ્યાં છે. બપોરના 2:45 વાગ્યે રાજકોટ એરપોર્ટ પર કેજરીવાલનું આગમન થશે. કેજરીવાલ એરપોર્ટથી હોટલ ધ ઈમ્પીરિયલ પહોંચશે. હોટલ ઇમ્પીરિયલ ખાતે સામાજિક અને રાજકીય આગેવાનો સાથે મહત્વની બેઠક યોજશે. તદુપરાંત વિવિધ ક્ષેત્રના આગેવાનો તેમજ પક્ષના પદાધિકારીઓ સાથે પણ મુલાકાત કરશે. કેજરીવાલ સાંજના 7 વાગ્યે શાસ્ત્રી મેદાન ખાતે જાહેર જનસભાને સંબોધન કરશે. ત્યાર બાદ રાજકોટમાં રાત્રિ રોકાણ કર્યા બાદ આવતી કાલે વહેલી સવારે કેજરીવાલ દિલ્હી જવા રવાના થશે.
ગુજરાતમાં સતા આરુઢ કરવા AAPના આગેવાનો સતત કમર કસી રહ્યાં છે
તમને જણાવી દઇએ કે, દિલ્હી અને પંજાબની જેમ ગુજરાતમાં પણ સતા આરુઢ કરવા માટે આમ આદમી પાર્ટીના પ્રદેશ કક્ષાના આગેવાનો સતત કમર કસી રહ્યાં છે. નોંધનીય છે કે, ગુજરાતમાં આ વર્ષના અંતમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણી માટે તમામ રાજકીય પક્ષોએ પ્રચાર-પ્રસાર શરૂ કરી દીધો છે.
મહત્વનું છે કે, રાજકોટ શહેર આપ પ્રમુખ શિવલાલ બારસિયાએ જણાવ્યું હતું કે, અરવિંદ કેજરીવાલ રાજકોટ આવી રહ્યાં છે ત્યારે રાજકોટ આપ દ્વારા રોડ-શો અને જાહેરસભાની મંજૂરી કલેક્ટર પાસે માંગવામાં આવી હતી. જાહેરસભા શાસ્ત્રીમેદાનમાં યોજાશે. ત્યારે આ મામલે કલેક્ટર તંત્ર દ્વારા મંજૂરી પણ આપી દેવાઇ છે. અરવિંદ કેજરીવાલ સૌરાષ્ટ્રમાં રાજકોટથી ચૂંટણી પ્રચારના શ્રીગણેશ કરશે. અરવિંદ કેજરીવાલના રોડ-શોમાં મોટી સંખ્યામાં લોકો જોડાશે અને શાસ્ત્રીમેદાનમાં જાહેર સભામાં પણ ખૂબ મોટી સંખ્યામાં લોકો ઉમટી પડશે. અરવિંદ કેજરીવાલની આ મુલાકાતને લઇને રાજકીય ચર્ચાઓએ ભારે જોર પકડ્યું છે.
'આ વખતે AAP-BTPની સરકાર બનશે'
મહત્વનું છે કે ગુજરાત સ્થાપના દિનના દિવસે દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ ગુજરાતના પ્રવાસે હતા. સુરતમાં રાત્રિ રોકાણ કર્યા બાદ તેઓ ભરૂચ ખાતે કાર્યક્રમમાં હાજરી આપવા પહોંચ્યા હતા. ભરૂચના ચંદેરીયાના વ્હાઈટ હાઉસ ખાતે AAP અને BTP વચ્ચે ગઠબંધ થવા પામ્યું હતું.આ પ્રસંગે તેઓએ ભાજપ પર આકરાં પ્રહાર કરતાં મોટું નિવેદન આપ્યું છે કે, આ વખતે AAP-BTPની સરકાર બનશે. તેમણે જણાવ્યું હતું કે, આમ આદમી પાર્ટીને સમય ન મળે તે માટે ગુજરાતમાં વહેલી ચૂંટણી કરાવવાની તૈયારી છે, પણ અમારી પાસે જનતાનો પ્રેમ છે. તમે ગુજરાતમાં આજે ચૂંટણી કરાવી લો. જેમ દિલ્લીમાં ફ્રી મા વીજળી મળી રહી છે તેમ અમારી સરકાર આવશે તો અહીંયા પણ ફ્રીમાં વીજળી મળશે. હું ઈમાનદાર છું એટલે બધું ફ્રી કરી રહ્યો છું.