ભારતીય ટીમના ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજે પૂર્વ ટેસ્ટ કેપ્ટન વિરાટ કોહલી માટે એક લાગણીશીલ મેસેજ લખ્યો છે. સિરાજે વિરાટને પોતાનો સુપરહીરો ગણાવ્યો છે અને સાથે કહ્યું કે વિરાટ હંમેશા તેના માટે કેપ્ટન જ રહેશે.
મોહમ્મદ સિરાજે પૂર્વ ટેસ્ટ કેપ્ટન વિરાટ કોહલી માટે ભાવનાત્મક પોસ્ટ લખી
સિરાજે વિરાટને સુપરહીરો ગણાવ્યો, કહ્યું મારા માટે હંમેશા કેપ્ટન જ રહેશે
વિરાટ કોહલીએ ટેસ્ટ ટીમની કેપ્ટનશિપ પણ છોડી દીધી
વિરાટે ટેસ્ટ ટીમનું સુકાન પણ છોડ્યુ
વિરાટે ટી-20 વર્લ્ડ કપ 2021 પહેલા ટી-20 ટીમની આગેવાની છોડવાની જાહેરાત કરી દીધી હતી. ત્યારબાદ દક્ષિણ આફ્રિકા પ્રવાસ પહેલાં વિરાટ કોહલી પાસેથી વન-ડે કેપ્ટનશિપ લઇ લેવામાં આવી હતી અને દક્ષિણ આફ્રિકાની સામે ત્રણ મેચોની શ્રેણી 1-2થી ગુમાવ્યાં બાદ વિરાટે ટેસ્ટ ટીમની કેપ્ટનશિપ પણ છોડી દીધી.
સિરાજે વિરાટ કોહલી માટે લખી ઈમોશનલ પોસ્ટ
સિરાજે ઈન્સ્ટાગ્રામ પર વિરાટની સાથે તસ્વીરો શેર કરતા જે લખ્યું તેને વાંચીને તમારી આંખો પણ નરમ થઇ શકે છે. સિરાજે લખ્યું, ટૂ માય સુપરહીરો, તમે મને જે રીતે સપોર્ટ કર્યો અને મને પ્રોત્સાહન આપ્યું તેના માટે આભાર શબ્દ પણ ખૂબ નાનો પડે છે. તમે હંમેશા મારા માટે ભાઈ જેવા રહ્યાં છો. છેલ્લાં કેટલાંય વર્ષોમાં મારી પર વિશ્વાસ કરવા માટે અને વિશ્વાસ જાળવી રાખવા માટે આભાર. મારા કપરા દિવસોમાં તમે મારામાં સારું જોયુ. તમે હંમેશા મારા માટે કેપ્ટન રહેશો.
જ્યારે મહેન્દ્ર સિંહ ધોનીએ વિરાટને ત્રણેય ફોર્મેટની કેપ્ટનશિપ સોંપી હતી ત્યારે વિરાટે કહ્યું હતુ કે તમે હંમેશા મારા કેપ્ટન રહેશો. વિરાટ કોહલીની કેપ્ટનશિપમાં ભારતીય ટીમે કોઈ આઈસીસી ટ્રોફી જીતી નથી. રોહિત શર્માને વન-ડે અને ટી-20 ટીમની આગેવાની પહેલેથી જ સોંપી દેવામાં આવી છે. પરંતુ હજુ સુધી આ અંગે કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી કે ટેસ્ટ ટીમની કમાન કોન સંભાળશે. રોહિતને દક્ષિણ આફ્રિકા પ્રવાસ પહેલાં ટેસ્ટ ટીમનો વાઈસ કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. એવામાં મનાઈ રહ્યું છે કે તેમને આ જવાબદારી સોંપાઈ શકે છે.