Three youths human trafficking 57 days Narmada bharuch
દર્દનાક કિસ્સો /
નોકરી માટે ભરૂચ ગયેલા 3 યુવાનોને કડીયાકામ આપવાનું કહીને દલાલ એવી જગ્યાએ લઇ ગયો કે 57 દિવસે થયો છુટકારો
Team VTV06:20 PM, 09 Dec 20
| Updated: 06:51 PM, 09 Dec 20
રોજગારી માટે ગયેલા નર્મદા જિલ્લાના 3 આદીવાસી યુવાનોને 57 દિવસ સુધી માનસિક-શારીરિક ત્રાસ અપાયો હોવાનો એક દર્દનાક કિસ્સો સામે આવ્યો છે. જોકે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી હરેશ વસાવા અને નર્મદા પોલીસની મધ્યસ્થતાથી આ યુવાનો પોતાના ઘરે પરત તો ફર્યા છે. આ યુવાનોનું કહેવું છે કે અમારા જેવા તો કેટલાયે લોકો ત્યાં ફસાયા છે. ત્યારે તેમને પણ છોડાવવા માટે નર્મદા પોલીસ અને વલસાડ પોલીસ સંપર્કમાં કામગીરી કરી રહી છે.
નર્મદાના 3 યુવાનો હ્યુમન ટ્રાફિકિંગનો શિકાર બન્યા
ભરૂચમાં કામ આપવાના બહાને 57 દિવસ ગોંધી રખાયા
બોટ ચાલાકનો મોબાઈલ મળતા ગામમાં ફોન કરતા જાણ થઈ
નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના મોટા લિમટવાડા ગામના લક્ષ્મણ વસાવા, હરિસિંહ વસાવા અને હીરાભાઈ વસાવા રોજગારી માટે ભરૂચ ગયા હતા. આ ત્રણેયને શક્તિનાથ ચોકડી નજીકથી એક દલાલ કડીયાકામ કરવાનું કહીને બિલ્લીમોરા નજીકના ધોલાઈ ધક્કા ગામે લઈ ગયો હતો. ત્યારબાદ દલાલને તો એક જણની દલાલીના 2000 એમ ત્રણેયના મળીને કુલ 6000 મળી જતા ત્યાંથી જતો રહ્યો હતો.
બીલીમોરા દરિયાકાંઠા પર લઇ જઈ 57 દિવસ ગોંધી રખાયા
પરંતુ આ ત્રણેય યુવાનોને કડીયાકામની જગ્યાએ માછીમારીનું કામ કરવા દરિયાની વચ્ચે બોટમાં લઈ જવામાં આવ્યા હતા. તેમને 24 કલાક સુધી બસ ફક્ત દરિયામાંથી માછલી પકડવાનું અને જાત મુજબ માછલીને અલગ અલગ મુકવાનું કામ કરાવાતું હતું. આ યુવાનમાં એક યુવકે ગામના એક યુવકને ફોન કર્યા બાદ નર્મદા પોલીસને લેખિતમાં જાણ કરવામાં આવી હતી. ત્યારબાદ તમામ યુવાનોનો 57 દિવસ બાદ છૂટકારો થયો છે.
અમે એ જગ્યા જિંદગીભર ભૂલી નહીં શકીએઃ યુવાનો
યુવાનોએ કહ્યું છે કે, અમે એ જગ્યા જિંદગીભર ભૂલી નહિ શકીએ. હાલ તો નર્મદા પોલીસે આ ત્રણેય યુવકોને છોડાવવામાં સફળતા મળી છે. જોકે આ ત્રણે યુવાનોના જણાવ્યા અનુસાર, હજુ પણ ત્યાં 10થી વધુ અન્ય જિલ્લાના લોકોને ગોંધી રાખવામાં આવ્યા છે. નર્મદા પોલીસ દ્વારા આ તમામ લોકોની શોધખોળ કરી છોડાવવા માટેની તજવીજ હાથ ધરવામાં આવી છે. હાલ ગામના 3 યુવાનો ગામમાં આવતા ગામમાં ખુશીનો માહોલ સર્જાયો છે.