સચિન પાયલટે અશોક ગેહલોત પર પ્રહાર કર્યો તે જોતાં લાગી રહ્યું છે કે, આગામી દિવસોમાં આ ગજગ્રાહ વધી શકે છે
પેપર ફૂટવા મુદ્દે રાજસ્થાનમાં બબાલ
પાયલટ ફરી ગેહલોત પર આક્રમક
ગેહલોતે સચિન પાયલટને અગાઉ દેશદ્રોહી કહ્યા હતા
પાયલટે ગેહલોત પર આડકતરી રીતે પ્રહાર કર્યા
રાજસ્થાનમાં ચૂંટણી નજીક છે ત્યારે ફરી એકવાર કોંગ્રેસમાં આંતરીક વિખવાદ ચરણસીમાએ પહોંચ્યો છે. મહત્વનું છે કે, રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે સચિન પાયલટને અગાઉ દેશદ્રોહી કહ્યા હતા. જોકે તે બાદમાં પણ ચૂપ રહેલા સચિન પાયલટે હવે આડકતરી રીતે અશોક ગેહલોત પર મોટું નિશાન સાધ્યું છે. મહત્વનું છે કે, જે રીતે સચિન પાયલટે અશોક ગેહલોત પર પ્રહાર કર્યો તે જોતાં લાગી રહ્યું છે કે, આગામી દિવસોમાં આ ગજગ્રાહ વધી શકે છે.
ફાઇલ તસવીર
જાણો શું છે સમગ્ર મામલો ?
રાજસ્થાનમાં અશોક ગેહલોત અને સચિન પાયલોટ વચ્ચેનો વિવાદ જગજાહેર છે. તાજેતરમાં જ અશોક ગેહલોતે સચિન પાયલટને દેશદ્રોહી કહ્યા હતા. જોકે તે સમયે પણ ચૂપ રહેલા સચિન પાયલટ હવે આક્રમક મોડમાં આવ્યા છે. વાત જાણે એમ છે કે, સચિન પાયલટ હાલ કિસાન સંમેલનના માધ્યમથી શક્તિ પ્રદર્શનમાં વ્યસ્ત છે. આ દરમ્યાન તેઓ પેપર લીક મુદ્દે યુવાનોને જોડવાનો પ્રયાસ કરી રહ્યા છે. જોકે સચિન પાયલટે ગેહલોત પર આડકતરી રીતે પ્રહાર કર્યા છે.
શું કહ્યું સચિન પાયલટે ?
રાજસ્થાનમાં ભરતી પરીક્ષાના પેપર લીક મામલે પૂર્વ ડેપ્યુટી સીએમ સચિન પાયલટે ફરી એકવાર સીએમ ગેહલોત અને સરકારને ઘેરી છે. સીએમ ગેહલોતના મંત્રીઓ અને અધિકારીઓને ક્લીનચીટ આપવા પર પાયલોટે કહ્યું કે, એવું કહેવામાં આવી રહ્યું છે કે કોઈ અધિકારી જવાબદાર નથી. પરંતુ પેપર તિજોરીમાં રખાયું છે, બંધ પેપર બહાર બાળકો સુધી કેવી રીતે પહોંચ્યું, તે જાદુ થઈ ગયો. પાયલટે કહ્યું- એવું શક્ય નથી કે કોઈ અધિકારી જવાબદાર ન હોય. પેપર લીક માટે કોઈ ને કોઈ જવાબદાર હશે.
ફાઇલ તસવીર
શું કહ્યું અશોક ગેહલોતે ?
સચિન પાયલટ વારંવાર પેપર લીક મામલે ગેહલોત પર પ્રહાર કરી રહ્યા છે. પાયલટે કહ્યું હતું કે, સરકાર પેપર લીક મામલે કાર્યવાહી કરી રહી છે, પણ નાના દલાલોને બદલે મોટા નેતાઓને પકડી લેવા જોઈએ. આ તરફ અશોક ગેહલોતે પણ કહ્યું છે કે, જેમની સામે કાર્યવાહી કરવામાં આવી તે માસ્ટરમાઇન્ડ છે. આ સાથે કહ્યું કે, પેપર લીકમાં કોઈ અધિકારી કે નેતા સામેલ નથી. અશોક ગેહલોતે એમ પણ કહ્યું કે, જો પાયલટ કોઈનું નામ જાણતા હોય તો મને કહેજો.