બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 06:08 AM, 9 February 2025
પાટણ પંથકના કુણઘેર ગામે ચુડેલ માતાજીનુ મંદિર આવેલું છે એક જમાનામાં લોકો ચુડેલ નામ સાંભળતા ડરતા હતા જ્યારે હાલ સમયે એવી તો કરવટ બદલી છે કે લોકો ચૂડેલને પૂજતા થયા છે. ભાવિકોની ચૂડેલમાતામાં અતૂટ શ્રદ્ધા છે. લોકો પોતાની મનોકામના સાથે માતાજીના દ્વારે આવે છે અને તેમની સાચી શ્રદ્ધા આસ્થાથી તે પૂર્ણ પણ થાય છે.
ADVERTISEMENT
ભાવિકો પોતાની જે પણ મનોકામના લઈ દર્શને આવે છે તે મનોકામના પૂર્ણ પણ થાય છે
દર રવિવારે માતાજીના મંદિરે મેળાનો માહોલ સર્જાય છે. પાટણનાં કુણઘેર ગામે આવેલુ ચુડેલધામ સમગ્ર પાટણ જીલ્લામાં શ્રદ્ધા અને ભક્તિનું એક અનેરું મહત્વ ધરાવે છે. પાટણ હારીજ રોડ પર આવેલા કુણઘેર ગામે ચુડેલમાતાજીના મંદિરે ભાવિકો પોતાની મનોકામના લઈ દર્શને આવે છે. અને તે મનોકામના પૂર્ણ પણ થાય છે. લોક વાયકા મુજબ કુણઘેર ગામે આજથી ૨૫૦ વર્ષ પહેલા ચુડેલ પ્રેત યોનિમાંથી દેવી તરીકે પૂજાવા લાગ્યા હતા. જેથી કુણઘેર ગામના રાયચંદદાસ પટેલે ગામની આથમણી દિશામાં એક વરખડીના ઝાડ નીચે ચુડેલ માતાની પાંચ ઇટોની ડેરી બનાવી હતી.
ADVERTISEMENT
ગામના લોકો દિવસે દિવસે ચુડેલમાતાની ડેરીમાં આસ્થા ધરાવવા માંડ્યા અને તેમની બાધા માનતા ચુડેલ માતા પાસે માનવા લાગ્યા જે માનતાઓ પૂર્ણ થતા સમય સાથે ચુડેલ માતાની આસ્થા અતુટ બનવા પામી અને દૂર દૂરથી ભાવિકો માતાજીના મંદિરે દર્શને આવવા લાગ્યા જે અવિરત ચાલુ છે. કુણઘેર ગામે 1991માં ચુડેલ માતાનું નવીન મંદિર બનાવવામાં આવ્યું હતું જેમાં માતાજીની ડેરીની અખંડ જ્યોત ચાલુ રાખવામાં આવી હતી. મંદિરમાં ફક્ત ચુડેલ માતાની જ્યોતના એટલે કે જ્યોત સ્વરુપે જ દર્શન થાય છે. મંદિરમાં કોઈ ભુવા નથી કે કોઈ જ માનતા કે દોરા ધાગા આપવામાં આવતા નથી લોકો પોતાની શ્રદ્ધાથી જ માનતા રાખે છે.
ચૂડેલ માતાને માતાને હાઈકોર્ટ ઓફ કુણઘેર તરીકે ઓળખવામાં આવે છે
માતાજીના મંદિરમાં ચુડેલ માતાની જ્યોત સામે સાચી શ્રદ્ધાથી બાધા અથવા ફરિયાદ કરવામાં આવે તો ચુડેલ માતાજી તેનુ નિરાકરણ લાવે છે અને એટલે જ માતાને હાઈકોર્ટ ઓફ કુણઘેર તરીકે ઓળખવામાં આવે છે. ચુડેલ માતાના મંદિરે ભાવિકો રવિવારે વિશેષ પ્રમાણમાં આવે છે સમગ્ર પાટણ તેમજ ગુજરાતભરમાંથી ભક્તો માતાની જ્યોતના દર્શને કરવા આવે છે અને દર્શન કરી ધન્યતા અનુભવે છે. જે પણ શ્રદ્ધાળુઓની માનતા પૂરી થાય છે તે લોકો માતાજીને ચુંદડી ચડાવે છે. અને તે ચુંદડી મંદિર પ્રશાસન દ્વારા મંદિર પરિસરમાં લટકાવવામાં આવે છે.
કુણઘેર ગામ ચુડેલ માતાને ગામની દેવી કહે છે
મંદિરમાં પ્રવેશ કરતાની સાથે જ વિશાળ પ્રમાણમાં ચુંદડીઓ જોવા મળે છે. સમગ્ર મંદિર પરિસરને રંગબેરંગી ચૂંદડીઓથી સુશોભિત કરવામાં આવ્યું છે. સમગ્ર કુણઘેર ગામ ચુડેલ માતાને ગામની દેવી કહે છે અને નિયમિત પૂજે પણ છે. ચુડેલધામે કુણઘેર ગામને સમગ્ર ગુજરાતભરમાં આગવી ઓળખ અપાવી છે આજે કુણઘેર ગામ ચુડેલ ધામ તરીકે ઓળખાય છે. ભક્તો તેમની રાખેલી બાધા આખડી પૂર્ણ થતા માતાને ત્યાં શીશ નમાવવા અચુક આવે છે.
ચુડેલધામ મંદિર ટ્રસ્ટ દ્વારા ભક્તોને કોઈ તકલીફ કે અસુવિધા ના પડે તેની પણ વિશેષ કાળજી રાખવામાં આવે છે. મંદિરે શુદ્ધ પીવાના પાણીથી માંડી નજીવા દરે ભોજનની વિશેષ વ્યવસ્થા મંદિર પરિસરમાં કરવામાં આવી છે. બહારગામથી આવતા શ્રદ્ધાળુઓ માટે રહેવાની ઉત્તમ સુવિધા પૂરી પાડવામાં આવે છે. મંદિરમાં કોઈ જ પ્રકારના ભેદભાવ રાખવામાં આવતા નથી ચુડેલ માતાના મંદિરે આવતા દરેક ભાવિકોને એક સમાન ગણવામાં આવે છે. મંદિરે મંગળવાર તેમજ રવિવારે વિશેષ ભાવિકો આવે છે. દર્શનાર્થીઓ માંતાજીને ચુંદડી, સાકર, શ્રીફળ, ફૂલોના હાર તેમજ પેંડાનો પ્રસાદ ધરાવે છે.
ઘણા ભાવિકોની બાધા માનતા પૂરી થતા માતાજીના વરખડીના ઝાડ પર ચુંદડી બાંધે છે તો માનતા કે બાધાના ગરબા ઘોડિયા અને માનતા બાધા ઉપર આવેલા બાળકોના ફોટા પણ મંદિરમાં રાખવામાં આવે છે. સંધ્યાકાળની આરતીમાં મોટા પ્રમાણમાં દર્શનાર્થીઓ આરતીના દર્શન લેવા ઉમટે છે આરતી સમયે સમગ્ર કુણઘેર ગામ અને ચુડેલધામનું વાતાવરણ ભક્તિમય બની જાય છે પાટણ જિલ્લામાંથી લઈને સમગ્ર ગુજરાત ભરમાંથી શ્રદ્ધાળુ પોતાની માનતા બાધા અને આખડી પૂરી કરવા કુણઘેર ગામે ચુડેલ માતાના મંદિરે આવે છે. લોકોને માતાજી પર અતૂટ શ્રદ્ધા છે અને જ્યાં શ્રદ્ધા હોય ત્યાં પુરાવાની કોઈ જરૂર નથી.
આ પણ વાંચોઃ ગુજરાતનું એવું મંદિર જ્યાં સૂર્યદેવનું પ્રથમ કિરણ હનુમાનજી પર પડે છે, ગામ રહ્યું હતું કોરોના મુક્ત
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.