મોરબી પુલ દુર્ઘટનાના આરોપી જયસુખ પટેલને ઉમિયા માતાજી મંદિર ટ્રસ્ટ સિદસરે ખુલ્લુ સમર્થન આપ્યું છે. ઉમિયાધામ સિદસર દ્વારા એક પત્ર લખીને કહેવામાં આવ્યું છે કે, 'આપણે સૌ જયસુખભાઈને સપોર્ટ કરીએ'.
મોરબીમાં ઝૂલતા પુલ દુર્ઘટનાનો મામલો
જયસુખ પટેલના સમર્થનમાં આવ્યું ઉમિયાધામ સિદસર
આરોપી જયસુખ પટેલને અનેક એસોસિએશનનું ખુલ્લુ સમર્થન
મોરબી પુલ દુર્ઘટના મામલે ઓરેવા ગ્રુપના માલિક જયસુખ પટેલે મોરબી કોર્ટમાં સરેન્ડર કર્યું હતું. જે બાદ કોર્ટ દ્વારા જયસુખ પટેલના 8 ફ્રેબ્રુઆરી સુધીના રિમાન્ડ મંજૂર કરાયા છે. ત્યારે ઉમિયાધામ સિદસરે જયસુખ પટેલેને ખુલ્લું સમર્થન આપ્યું છે. આ ઉપરાંત ભાજપના પૂર્વ ધારાસભ્ય બાવનજી મેતલીયા, મોરબી ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસિએશન, મોરબી સિરામિક એસોસિએશન અને મોરબી રાજપૂત સમાજે પણ જયસુખ પટેલને સમર્થન આપ્યું છે.
ઉમિયાધામ સિદસરનું જયસુખ પટેલને સમર્થન
મોરબીમાં પુલ દુર્ઘટનાનો ભોગ બનેલા પરિવારોના આંસુ હજુ સુકાયા નથી. ઝુલતા પુલની કામગીરી સંભાળનારા જયસુખ પટેલ સામે લોકો ભારે આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે. આ આક્રોશ વચ્ચે ઉમિયા માતાજી મંદિર ટ્રસ્ટ સિદસર દ્વારા જયસુખ પટેલને સમર્થન આપવામાં આવ્યું છે.
જયસુખ પટેલના સમર્થનમાં લખ્યો પત્ર
ઉમિયાધામ સિદસર દ્વારા જયસુખ પટેલના સમર્થનમાં એક પત્ર લખવામાં આવ્યો છે. આ પત્રમાં લખવામાં આવ્યું છે કે, 'મોરબી ઝુલતો પુલ તૂટવાનો અકસ્માત એ દુઃખદ દુર્ઘટના હતી. સૌને તેનું દુઃખ છે. મૃતકોના પરિવાર પ્રત્યે સૌને સહાનુભૂતિ છે. ઓરેવા ગ્રુપના જયસુખભાઈ પટેલ સર્વ સમાજના અગ્રગણ્ય સામાજિક આગેવાન છે. સૌરાષ્ટ્ર ભરમાં ગ્રામવિકાસ, જળસંચય, ચેકડેમ-તળાવ નિર્માણ, કૂવા-બોર રીચાર્જ, શિક્ષણ-આરોગ્ય - સામાજિક સેવાકાર્યો વિગેરેમાં અગ્રેસર દાતા છે. વિશ્વમાં સૌથી મોટા ઘડિયાળ ઉત્પાદક અને રિન્યુએબલ એનર્જી ક્ષેત્રે અગ્રેસર ઉદ્યોગપતિ છે. અગ્રણી ઉદ્યોગપતિની સાથે સાથે ઓરેવા-ઓરપેટ પરિવાર તેમની સામાજિક જવાબદારી અને રાષ્ટ્રીય ફરજ નિભાવવામાં અગ્રેસર છે.'
'જયસુખ પટેલે કમાણી કરવા માટે ઝુલતા પુલનું સંચાલન નહોતું સંભાળ્યું'
પત્રમાં વધુમાં લખવામાં આવ્યું છે કે, 'સામાજિક જવાબદારી પ્રત્યે જાગૃત રહી તેને પોતાની ફરજ સમજી સ્વીકારવાનો અને તેને ખંતથી નિભાવવાનો સ્વભાવ ધરાવતા જયસુખભાઈ મોરબીની ધરોહરને જાળવવા સામાજિક ફરજના ભાગરૂપે ઝુલતા પુલનું સંચાલન સંભાળેલ. 10-15 રૂપિયાની ટિકિટમાંથી ખર્ચ પણ ન નીકળે. પુલના રીપેરીંગમાં પોતાના લાખો રૂપિયાનો ખર્ચ કરેલ હોય ત્યારે ટિકિટમાંથી કમાણી કરી લેવાનો પ્રશ્ન જ નથી. હાં, બનેલી દુર્ઘટનાનું દુઃખ સૌને છે, પરંતુ એક સન્માનનીય સમાજસેવક, સામાજિક અગ્રણી અને ફરજનિષ્ઠ અગ્રગણ્ય ઉદ્યોગપતિના સમાજ સેવાની જવાબદારી નિભાવતાના શુભ આશય અને શુભ ભાવના ધ્યાને તેઓને સપોર્ટ કરવાની સૌની ફરજ છે. અન્યથા ભવિષ્યમાં કોઈ સામાજિક અગ્રણી-અગ્રગણ્ય ઉદ્યોગપતિ સામાજિક જવાબદારી-સામાજિક કાર્યો માટે આગળ નહીં આવે. જે ભવિષ્યમાં સામાજિક વ્યવસ્થા માટે ઘાતક સાબિત થશે. આપણે સૌ જયસુખભાઈને સપોર્ટ કરીએ એ જ અભ્યર્થના... પ્રાર્થના...'
સોશિયલ મીડિયામાં જયસુખ પટેલને ખોટા ચીતરવામાં આવ્યા છેઃ મેતલીયા
આ ઉપરાંત ભાજપના પૂર્વ ધારાસભ્ય બાવનજી મેતલીયાએ પણ જયસુખ પટેલને સમર્થન આપ્યું છે. તેમણે જણાવ્યું છે કે, સોશિયલ મીડિયામાં જયસુખ પટેલને ખોટા ચીતરવામાં આવ્યા છે. ઉમિયાધામ સિદસર સહિત અનેક એનજીઓ પણ જયસુખ પટેલના સમર્થનમાં છે. જયસુખ પટેલ અને તેમના પિતાની ગણના ગુજરાતના ભામાશાઓમાં થાય છે.
બાવનજી મેતલીયા (પૂર્વ ધારાસભ્ય)
સમર્થનમાં હું પણ છું: પૂર્વ ધારાસભ્ય
તેમણે જણાવ્યું છે કે, 'ઉમિયા સિદસર ધામે જે સમર્થનની વાત કરી, તે સમર્થનમાં હું પણ છું. કાયદો કાયદાનું કામ કરશે પરંતુ જયસુખ પટેલને ખોટા ચીતરવા બાબતે અમે સમર્થનમાં નથી. જયસુખ પટેલે કમાણી કરવા માટે ઝૂલતા પુલનું સંચાલન સંભાળ્યું નહોતું. તેમણે મોરબીની ધરોહર અને અસ્મિતાને જાળવી રાખવા માટે પુલની જવાબદારી સ્વીકારી હતી.'
સળગતા સવાલ
- જયસુખ પટેલને સમર્થન કેમ?
- શું કામ લોકો જયસુખનું કરી રહ્યા છે સમર્થન?
- મોરબી દુર્ઘટનામાં મુખ્ય આરોપી છે જયસુખ?
- બાવનજી મેતલીયાને 135 લોકોએ જીવ ગુમાવ્યો તે દેખાતું કેમ નથી?
- પૂર્વ ધારાસભ્ય જયસુખ પટેલને સમર્થન કેમ કરે છે?
- શું પૂર્વ ધારાસભ્ય જયસુખ પટેલને બચાવવા માંગે છે?
- શું પૂર્વ ધારાસભ્યને સામાન્ય લોકોનો જીવ ગયો એની સાથે કાંઈ લેવાદેવા જ નથી?
- જયસુખ પટેલે કમાણી માટે પુલનું સંચાલન નહોતું સંભાળ્યું એવું પૂર્વ ધારાસભ્ય કેવી રીતે કહી શકે?
- જયસુખ પટેલ પ્રત્યે નેતાઓનો આવો પ્રેમ કેટલો યોગ્ય?