કોરોનાની ત્રીજી લહેર બીજી લહેરની જેમ કેર વર્તાવશે પરંતુ મોતનો આંકડો વધારે નહીં હોય તેવું એસબીઆઈ ઈકોરેપના રિપોર્ટમાં જણાવાયું છે.
SBI ઈકોરેપના રિપોર્ટમાં દાવો
કોરોનાની ત્રીજી લહેર બીજી લહેર જેટલી ખતરનાક હશે
98 દિલસ ચાલશે ત્રીજી લહેર
જોકે મોતની સંખ્યામાં મોટો ઘટાડો થશે
સ્વાસ્થ્ય સુવિધા તથા વેક્સિનેશન દ્વારા ત્રીજી લહેરને કાબૂમાં રાખી શકાશે
આંતરરાષ્ટ્રીય અનુભવને ધ્યાનમાં રાખીને એસબીઆઈ ઈકોરેપના રિપોર્ટમાં એવું જણાવાયું છે કે કોરોનાની ત્રીજી લહેર બીજી લહેરથી ખાસ કંઈ અલગ નહીં હોય. જોકે બીજી લહેરની ભૂલોમાંથી શીખીને ત્રીજી લહેરમાં મોતનો આંકડો ઘટાડી શકાય છે.
ત્રીજી લહેરનો સરેરાશ સમયગાળો 98 દિવસનો હશે
એસબીઆઈએ તેના રિપોર્ટમાં એવું પણ જણાવ્યું કે મોટા દેશો માટે ત્રીજી લહેરનો સરેરાશ સમયગાળો 98 દિવસનો હશે. બીજી લહેરનો સમયગાળો 108 દિવસનો રહ્યો છે. બીજી લહેરમાં 1.7 લાખ લોકોના મોત થયા છે. પરંતુ પૂરી તૈયારી કરીને તથા બીજી લહેરની ભૂલોમાંથી શીખીને ત્રીજી લહેરમાં મોતનો આંકડો ઘટાડીને 40,000 સુધી લાવી શકાય છે. રિપોર્ટમાં એવું પણ જણાવાયું કે સ્વાસ્થ્ય સુવિધાઓને સારી કરીને તથા વેક્સિનેશન અભિયાનને વિસ્તારીત કરીને મોતની સંખ્યામાં ઘટાડો કરી શકાય છે.
કોરોના સ્વરુપ બદલે તો તેની બાળકો પર મોટી અસર પડી શકે છે
નીતિ આયોગના સભ્ય ડોક્ટર વીકે પોલે જણાવ્યું કે જો કોરોના તેનું સ્વરુપ બદલે તો તેની બાળકો પર મોટી અસર પડી શકે છે.ડોક્ટર પોલે કહ્યું કે બેથી ત્રણ ટકા બાળકોએ હોસ્પિટલમાં ભરતી થવાની જરુર પડી શકે છે. સ્વાસ્થ્ય મંત્રાલય બાળકો માટે દવાઓના ડોઝ અંગે પણ વિચારણા કરી રહી છે. એક એક્સપર્ટ ગ્રુપની રચના કરવામાં આવી છે અને નવા દિશાનિર્દેશો જારી કરવામાં આવ્યાં છે. તેમણે એવી ચેતવણી આપી કે કોરોનાથી રિકવરના લગભગ 6 અઠવાડિયા બાદ બાળકોમાં તાવ, શરીર દર્દ જેવા લક્ષણો પણ જોવા મળી શકે છે. તેને મલ્ટી સિસ્ટમ ઈન્ફલેમેશન કહેવાય છે.
બાળકો પર વેક્સિનની ટ્રાયલ ચાલુ
ડોક્ટર પોલે કહ્યું બાળકો પર કોવિડ વેક્સિનની ટ્રાયલ ચાલી રહી છે. કોરોના સંક્રમિત વધારે બાળકો લક્ષણો વગરના છે. સામાન્ય રીતે તેમનામાં સંક્રમણ ગંભીર હોતું નથી. પરંતુ જો વાયરસ તેનું સ્વરુપ બદલે તો સ્થિતિ બદલાઈ શકે છે. મહારાષ્ટ્રના અહમદનગર શહેરમાં 8000 બાળકો કોરોના સંક્રમિત થતા રાજ્યમાં કોરોનાની ત્રીજી લહેરની આશંકા પ્રબળ બની છે. આ ઘટનાની ખળભળી ઉઠેલી રાજ્ય સરકારે સાંગલી શહેરમાં બાળકો માટે અલાયદો કોવિડ વોર્ડ બનાવ્યો છે. હાલમાં થોડા બાળકોની આ વોર્ડમાં સારવાર ચાલી રહી છે અને બીજા પણ બાળકોની સારવાર માટે સુવિધા શરુ કરવામાં આવી રહી છે.
ભારત કોરોનાની બીજી લહેર સામે ઝઝૂમી રહ્યો છે. એવામાં કોરોના પર IIT દિલ્હીના રિપોર્ટે કેજરીવાલ અને કેન્દ્ર સરકારની ચિંતા વધારી છે. આ રિપોર્ટ અનુસાર દિલ્હીમાં ત્રીજી લહેર વધુ ખતરનાક સાબિત થઈ શકે છે. આટલું જ નહીં અહીં દરરોજ 45 હજાર નવા કેસ સામે આવી શકે છે. આ ઉપરાંત દરરોજ 9000 લોકોને એડમિટ કરવા પડી શકે છે.