Meteorological department forecast: રાજ્યમાં કાળઝાળ ગરમી પડી રહી છે. એવામાં હવામાન વિભાગે જણાવ્યું કે, ગુજરાતમાં હજુ પણ ગરમીમાં વધારો થશે. આગામી 18થી 20 મે સુધી યલો એલર્ટ રહેશે.
રાજ્યમાં હજુ ગરમીમાં થશે વધારો
18થી 20 મે સુધી રહેશે યલો એલર્ટ
5 દિવસ વરસાદની કોઈ સંભાવના નથી
સમગ્ર ગુજરાતમાં ગરમીનું મોજુ ફરી વળ્યું છે, સતત ગરમીનું પ્રમાણ વધવાને કારણે લોકોના જનજીવન પર અસર પડી રહી છે. આકાશમાંથી સુરજદાદા કોપાયમાન થયા હોય અને અગનજ્વાળાઓ વરસાવતા હોય તેવો અહેસાસ થઈ રહ્યો છે. ગરમીથી લોકો તોબા પોકારી ગયા છે. અંગ દઝાડતી ગરમીથી લોકો ત્રસ્ત થઇ ગયા છે, ગરમીથી રાહત મેળવવા લોકો છાશ, ઠંડા પીણાનો સહારો લઈ રહ્યા છે. આવા ધગધગતા તાપમાં લોકો બહાર જવાનું ટાળી રહ્યા છે. બપોરના સમયે શહેરના મુખ્ય માર્ગો પર લોકોની અવર જવર ઘટી છે. આવી સ્થિતિમાં હવામાન વિભાગ દ્વારા ગરમીને લઈને આગાહી કરવામાં આવી છે.
18થી 20 મે સુધી યલો એલર્ટ
હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહંતીએ જણાવ્યું કે, ગુજરાતમાં હજુ ગરમીમાં વધારો થશે. ગરમીને લઈને 2 દિવસ સુધી કોઈ પ્રકારનું એલર્ટ નથી. 18થી 20 મે સુધી યલો એલર્ટ રહેશે. હાલ કાળઝાળ ગરમીથી લોકોને રાહત મળશે નહીં. વરસાદને લઈને તેઓએ જણાવ્યું કે, આગામી 5 દિવસ વરસાદની કોઈ સંભાવના નથી. આગામી 24 કલાક સુધી તાપમાનમાં યથાવત્ રહેશે. 24 કલાક બાદ ગરમીમાં સામાન્ય વધારો થાય તેવી શક્યતા છે.
ભયંકર ગરમીના કારણે રોગચાળો પણ વધ્યો
રાજ્યમાં કાળઝાળ ગરમીના કારણે સામાન્ય માણસના જનજીવન પર ગંભીર અસર વર્તાઈ રહી છે. ભયંકર ગરમીના કારણે રોગચાળો પણ વધ્યો છે. હીટ સ્ટ્રોકના કેસમાં પણ ધરખમ વધારો થતાં સતત ઈમરજન્સી 108ના ફોન રણકી રહ્યા છે. અમદાવાદમાં છેલ્લા 10 દિવસમાં 700થી વધુ કોલ મળી રહ્યા છે. જોકે, ગત વર્ષ કરતા આ વર્ષે 25 ટકા કેસ વધુ આવી રહ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, 108 ઈમરજન્સી સેવામાં છેલ્લા 10 દિવસમાં 7000થી વધુ કોલ મળી રહ્યા છે. સમગ્ર રાજ્યમાંથી આવતા કેસમાં 30 ટકા કેસ અમદાવાદમાં નોંધાઈ રહ્યા છે.
રસ્તા પર વાહનોની અવરજવર જોવા મળી રહી છે ઓછી
વધુ પડતી ગરમીને કારણે લોકો બહાર નીકળવાનું ટાળી રહ્યા છે. જેના કારણે રસ્તાઓ પર વાહનોની અવર-જવર પણ ઓછી જોવા મળી રહી છે. ઈમરજન્સી કેસોમાં સૌથી વધારે પેટનો દુખાવો, ઝાડા, ઊલટી, તાવ, હીટસ્ટ્રોક, ગંભીર માથાનો દુખાવો, બેભાન થવું જેવા કોલ આવ્યા હતા.
શું છે હીટ સ્ટ્રોક
હીટ સ્ટ્રોક અથવા સન સ્ટ્રોકને તમે સામાન્ય ભાષામાં 'લૂ લાગવી' કહી શકો છો. આવું ત્યારે થાય છે જ્યારે તમારૂ શરીર પોતાના તાપમાનને કંટ્રોલ ન કરી શકે. હીટ-સ્ટ્રોક થવા પર શરીરનું તાપમાન ઝડપથી વધી જાય છે અને ઓછુ નથી થઈ શકતું. જ્યારે કોઈને લૂ લાગે છે તો શરીરનું સ્વેટિંગ મેકેનિઝમ એટલે કે પરસેવાનું તંત્ર પણ ફેલ થઈ જાય છે અને મનુષ્યને બિલકુલ પરસેવો નથી આવતો. હીટ-સ્ટ્રોકની ઝપેટમાં આવવા પર 10થી 15 મિનિટની અંદર શરીરનું તાપમાન 106°F અથવા તેનાથી વધારે થઈ શકે છે. સમય પહેલા તેની સારવાર ન કરવામાં આવે તો મનુષ્યનું મોત અથવા ઓર્ગેન ફેલ પણ થઈ શકે છે.
હીટ સ્ટ્રોકના લક્ષણ
માથામાં દુખાવો
ડિમેંશિયા
ખૂબ વધારે તાવ આવવો
બેભાન થઈ જવું
માનસિક સ્થિતિ બગડી જવી
ઉલ્ટી, ચક્કર
ત્વચા લાલ થવી
હાર્ટ રેટ વધી જવી
ત્વચા ડ્રાય થઈ જવી
આ રીતે કરો 'હીટવેવ'થી પોતાનો બચાવ
1. ભીષણ ગરમી દરમિયાન વધુ પડતા પ્રોટીન યુક્ત ખોરાક ખાવાનું અને રાંધવાનું ટાળવું જોઈએ.
2. ગરમીમાં ખાસ કરીને બપોરે 12 થી 3 વાગ્યા વચ્ચે ઘરેથી બહાર જવાનું ટાળો.
3. ભલે તમને તરસ ન લાગી હો તો પણ પર્યાપ્ત માત્રામાં પાણી પીવાનું ભૂલશો નહીં.
4 ગરમીમાં ડિહાઈડ્રેશનથી બચવા માટે લીંબુ પાણી, દહી, લસ્સી, છાસ સાથે-સાથે ફળોના જ્યૂસ પ
5. તાજા ફળો જેમ કે કાકડી, તરબૂચ, લીંબુ, નારંગીનું સેવન કરો.
6. હળવા રંગના પાતળા અને ઢીલા સુતરાઉ કપડાં પહેરો.
7. બહાર ખુલ્લા પગે જવાનું ટાળો. બહાર જતી વખતે કે ખુલ્લા તડકામાં જતી વખતે છત્રી, ટોપી, ટુવાલ અથવા કોઈપણ વસ્તુથી તમારા માથાને ઢાંકવાનું રાખો.
8. હીટ સ્ટ્રેસના લક્ષણો પર વિશેષ ધ્યાન આપો, જેમ કે ચક્કર, બેભાન, ઉબકા કે ઉલટી, માથાનો દુખાવો, વધુ પડતી તરસ લાગવી, એકદમ પીળો પેશાબ, પેશાબ ઓછો થવો, શ્વાસ લેવાની ગતિ અને હ્રદયમાં ધબકારા વધવા.
9. બાળકો અને પાલતુ પ્રાણીઓને કારમાં એકલા છોડવાથી બચો, કારણ કે વાહનની અંદરનું તાપમાન વધી શકે છે જેનાથી ખતરનાક સ્થિતિ ઉત્પન્ન થવાની સંભાવના વધી શકે છે.
10. તડકામાં જતા પહેલા સનસ્ક્રીનનો ઉપયોગ કરવાનું રાખો અને નિયમિતપણે તેન લગાવતા રહો.