બ્રેકિંગ ન્યુઝ
VTV / ધર્મ / ગુજરાત / અન્ય જિલ્લા / ગુજરાતમાં અહીં આવેલું છે અઢારે વર્ણની આસ્થાનું કેન્દ્ર, તાવાની પ્રસાદીનું છે વિશેષ મહાત્મ્ય
Last Updated: 06:55 AM, 21 May 2024
બોટાદ જિલ્લાના તરઘરા ગામે મોંગલ માતાજીનું મંદિર આવેલું છે. માતાજીનુ મંદિર મોગલધામ તરીકે પ્રચલિત છે. મોંગલ માતાજીના મંદિર સાથે તરઘરા ગામ તેમજ બોટાદ સહિત આસપાસના ગામોના લોકોની અતુટ શ્રધ્ધા જોડાયેલી છે. બોટાદથી પાળીયાદ રોડ પર તરઘરા ગામે મોંગલ માતાજીનું ભવ્ય મંદિર આવેલુ છે. મોંગલ માતાજીના મંદિરે બોટાદ, તરઘરા, સહિત દુરદુરથી દરરોજ મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓ માતાજીના દર્શને આવે છે અને માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવે છે.
ADVERTISEMENT
બોટાદના તરઘરા ગામે મા મોંગલ બિરાજમાન
ADVERTISEMENT
તરઘરા ગામના દક્ષાબાને કાપડામા માતાજી આવેલા હતા એટલે દક્ષાબાને માતાજી પ્રત્યે અતુટ શ્રધ્ધા હતી અને વર્ષોથી માતાજીની સેવા પૂજા કરતા હતા. સમય જતાં મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓ માતાજીના દર્શને આવતા થયા ત્યારે દક્ષાબાએ એક મોટું મંદિર બનાવવાનો સંકલ્પ કર્યો અને શ્રદ્ધાળુઓને વાત કરી. તરઘરા ગામના મૌહબતસિહ ચૌહાણ માતાજી પ્રત્યે ખુબજ અતુટ વિશ્વાસ અને શ્રદ્ધા ધરાવતા હતા. તેમને માતાજીનુ મંદિર બનાવવાની વાતની જાણ થતા તેમણે પાળીયાદ રોડ પર આવેલી તેમની જમીનમાંથી અઢી વિઘા જમીન મંદિર બનાવવા માટે દાનમાં આપવાની તૈયારી બતાવી અને દક્ષાબાને વાત કરી. ત્યારબાદ ગામલોકોના સહકારથી મંદિર બનાવવાની કામગીરી શરૂ કરી અને ભવ્ય મંદિરનું નિર્માણ થયું જે હાલ મોંગલધામ તરીકે પ્રચલિત છે. જ્યારે દક્ષાબા મંદિરના મહંત તરીકે સેવા આપે છે અને માતાજીની સેવા પૂજા કરે છે.
માતાજીનું મંદિર મોગલધામ નામથી પ્રચલિત
મોંગલ માતાજીના મંદિરમાં મોંગલ મા, મેલડી મા, અંબાજી મા આમ ત્રણ માતાજીની મૂર્તિની સ્થાપના કરવામાં આવી છે. અને હાલ મોંગલ ધામ લાખો ભક્તોનું શ્રધ્ધા નું કેન્દ્ર બન્યું છે અને મોટી સંખ્યામાં ભક્તો માતાજીના દર્શને આવે છે. તરઘરા ગામ પાસે આવેલા મોંગલ માતાજીના મંદિરે સવાર સાંજ મોટી સંખ્યામાં ભક્તો દર્શનાર્થે આવે છે. ખાસ કરીને રવિવારે અને મંગળવારે ભક્તો મોટી સંખ્યામાં ઉમટી પડે છે. કહેવાય છે કે કોઈપણ દુખીયો માતાજીના ચરણોમાં પ્રાર્થના કરે એટલે માતાજી તેના તમામ કામો પૂર્ણ કરે છે.
ભાવિકભક્તો પૂનમ ભરવાની બાધા રાખે છે
સુરત,અમદાવાદ, રાજકોટ, ભાવનગર, વડોદરા, સહિતના શહેરોમાંથી ભક્તો પોતાની માનતાઓ કરવા મોગલધામ આવે છે. તો રવિવારે અને મંગળવારે બોટાદ તેમજ આસપાસના ગામોના લોકો વહેલી સવારથી દર્શન કરવા પગપાળા મંદિરે આવે છે. અહિં ભક્તો તાવાની માનતા લેતા હોય છે અને માતાજી તેમના કામો પૂર્ણ કરે એટલે માતાજીને તાવાની પ્રસાદી કરે છે. ઘણા ભાવિકભક્તો પૂનમ ભરવાની બાધા રાખે છે અને તેમને માતાજીના આશીર્વાદ મળે એટલે દર પુનમે પૂનમ ભરવા આવે છે.
વાંચવા જેવું: ભૂલથી પણ રસોડાના આ વાસ્તુ નિયમોને અવગણતા નહીં, હેરાન-હેરાન થઇ જશો
અઢારે વર્ણની આસ્થાનું કેન્દ્ર છે
કેટલાય નિસંતાન દંપતિઓના ઘરે માતાજીએ પારણા બંધાવ્યા છે. અને તેવા દંપતિ તેમના સંતાનો સાથે માતાજીના દર્શન કરવા આવે છે, શ્રધ્ધાથી માતાજીને પ્રાર્થના કરો એટલે માતાજીના આશીર્વાદ મળે જ છે એટલે જ મોંગલધામ હાલ હજ્જારો ભક્તોની શ્રધ્ધાનું કેન્દ્ર બન્યું છે. મોંગલ માતાજીના મંદિરે હાલ દક્ષાબા મહંત તરીકે બીરાજે છે. તેમના દ્વારા મંદિરમાં ગૌશાળા પણ ચલાવવામાં આવે છે તેમજ દરેક તહેવારો જેવા કે નવરાત્રી, સાતમ આઠમ સહિતના તહેવારોની અહિં ભવ્ય ઉજવણી કરવામાં આવે છે. મંદિરે દર વર્ષે માતાજીના પાટોત્સવનું આયોજન કરવામાં આવે છે. મંદિરે દર્શન કરવા આવતા ભક્તો માટે રહેવાની, જમવાની તેમજ ચા નાસ્તાની પણ સુંદર વ્યવસ્થા કરવામાં આવે છે. મંદિરે માતાજીના ભક્તો દ્વારા ૨૪ ફુટ લાંબી લોખંડની તલવાર બનાવી ભેટ આપવામાં આવી છે જેનો વર્લ્ડ રેકોર્ડ નોંધાયો છે. મોંગલધામ અઢારે વર્ણની આસ્થાનું કેન્દ્ર છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.