યાત્રિકોને સુખ અને સુવિધા મળી રહે તે માટે ઠેર સેવાકેમ્પો કાર્યરત
દાંતા અંબાજીના માર્ગો જય અંબેના નાદ સાથે ગુંજી ઉઠી રહ્યા છે
માં અંબાના અવિસ્મરણીય અવસર એવા ભાદરવી પૂનમના મહામેળામાં શ્રદ્ધાનો મહાસાગર છલકાઈ રહ્યો છે. ગઈકાલથી લાખોની સંખ્યામાં માનવમહેરામણ માં ના ચરણોમાં દર્શનાર્થે ઉમટી રહ્યો છે. એકલ દોકલ આવતા પદયાત્રિકો, સંઘમાં આવતા યાત્રિકો, રથ, માંડવી, ગરબા અને ધજા લઈને આવતા માઇભક્તોનો અવિરત પ્રવાહ અંબાજી ધામને જય અંબે..... બોલમાડી...... અંબેના નાદથી સતત ગજવી રહ્યો છે. ત્યારે અંબાજી આવતા યાત્રિકોને સુખ અને સુવિધા મળી રહે તે માટે ઠેર સેવાકેમ્પો કાર્યરત કરાયા છે. વિવિધ સેવાભાવી સંસ્થાઓ દ્વારા યાત્રિકો માટે સેવાયજ્ઞ શરૂ કરાયા છે.
તમામ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે
યાત્રાધામ અંબાજીમાં ભાદરવી પૂનમના મહા મેળાનો આજે પ્રથમ દિવસ છે. જેને લઇને ભક્તો માના દર્શન માટે ગુજરાત અને આજુબાજુના રાજ્યોમાંથી પણ આવી રહ્યા છે. સાત દિવસ સુધી યોજાનાર મેળામાં લાખો લોકો દર્શન કરવા આવનાર હોવાનો અંદાજ છે. ત્યારે મેળાના બીજા દિવસે જ અંબાજી દાતાના માર્ગો પર ભક્તોની ભીડ જોવા મળી રહી છે. ભક્તો સંઘ લઇ પગપાળા મા અંબાના ધામમાં દૂર દૂરથી આવી રહ્યા છે. દાતા અંબાજીના માર્ગો જય અંબેના નાદ સાથે ગુંજી ઉઠી રહ્યા છે. તો લાખો ભક્તો અંબેધામના દર્શન કરવાના છે ત્યારે તંત્ર દ્વારા પણ તમામ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે.
હિંમતનગરમાં સૌથી મોટો વીસામો
ભાદરવી પૂનમ આવતા જ રાજસ્થાન, મહારાષ્ટ્ર અને ગુજરાતના તમામ જિલ્લાઓમાંથી ભક્તોનું ઘોડાપૂર અંબાજીમાં ઉંમટી રહ્યું છે. ત્યારે પદયાત્રીઓની સેવા કરતા લોકોમાં પણ વધારો થયો છે. હિંમતનગરમાં સૌથી મોટો વીસામો પીપરીયા કંપા ખાતે બનાવાય છે. તમામ પદયાત્રીઓને ચા-નાસ્તો અને સાત્વિક ભોજન માટેની વ્યવસ્થા કરવામાં આવે છે. તો પદયાત્રીઓની ચીજ વસ્તુઓના રક્ષણ માટે સીસીટીવી પણ મૂકવામાં આવ્યા છે. કેમ્પમાં ભક્તોને આરામ કરવા માટે ગાદલાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. સાથોસાથ મેડિકલ સેવાઓ પણ ઉપલબ્ધ કરાવવામાં આવે છે.
પદયાત્રીઓમાં ભારે ઉત્સાહ
અંબાજી જતાં પદયાત્રીઓના સંઘમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. બાયડના ઉભરાણ ગામથી મોટી સંખ્યામાં પદયાત્રીઓ હિંમતનગરથી આગાળ પહોંચ્યા છે. 46 વર્ષથી સતત પગપાળા સંઘ લઇને અંબાજી જઇ રહ્યા છે. 21 ગજની 3 ધજા સાથે માતાજીનો રથ લઇ ભક્તોનું અંબાજી તરફ પ્રયાણ જોવા મળી રહ્યો છે.
સેવાભાવી લોકો ઉત્સાહ
ગુજરાતના ગામે ગામથી ભક્તોનું પગપાળા અંબાજી તરફ પ્રયાણ જોવા મળી રહ્યું છે. અંબાજી જતાં સંઘની હાથ જોડી સેવા કરતા સેવાભાવી લોકો જોવા મળી રહ્યાં છે. મા અંબાના અનેક ભક્તો સેવા કેમ્પનો લાભ લઇ રહ્યા છે. કેમ્પમાં વિવિધ પ્રકારના ભોજન અને ઠંડા પાણીની વ્યવસ્થા પણ જોવા મળી રહ્યો છે. ઠેરઠેર સેવા કેમ્પનો લાભ લઇને અંબાજી જતા ભક્તોમાં ઉત્સાહ અને ઉમંગ જોવા મળી રહ્યો છે.
શામળાજી હાઈવે પર 10થી વધુ સેવા કમ્પો
મહીસાગરના લુણાવાડાથી માઈભક્તો પગપાળા અંબાજી જવા રવાના થયા છે. ભાદરવી પૂનમે લાખો ભક્તો માતા અંબાના દર્શન કરશે. શામળાજી હાઈવે પર 10થી વધુ સેવાભાવી સંસ્થા દ્વારા કેમ્પનું આયોજન કરાયું છે. મા અંબે યુવક મંડળ રાણાવાસ દ્વારા 151 ગજની ધજા લઇ અંબાજી જવા રવાના થયા છે.
હિંદુ-મુસ્લિમ એકતા સેવા કેમ ખુલ્લો મુકાયો
બનાસકાંઠાના વડગામમાં હિંદુ-મુસ્લિમ એકતા સેવા કેમ ખુલ્લો મુકાયો છે. ફતેગઢ ગામના કેમ્પમાં પદયાત્રીઓ માટે ચા-પાણી નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવી છે. હિંદુ-મુસ્લિમ સાથે મળીને પદયાત્રીઓની સેવા કરે છે. હિંદુ-મુસ્લિમ આગેવાનના હસ્તે સેવા કેમ્પને ખુલ્લો મુકાયો છે.
પદયાત્રીનો ધસારો
હિંમતનગર ઇડર સ્ટેટ હાઈવે પર પદયાત્રીનો ધસારો જોવા મળી રહ્યો છે. ભરૂચથી પદયાત્રી માતાજીના રથ સાથે ઈડરના દરામલી પહોંચ્યા છે. 52 ગજની ધજા સાથે છેલ્લા 26 વર્ષથી ભક્તો અંબાજી દર્શને જાય છે. જેમાં આ વર્ષે મહિલા અને યુવાનો પણ મોટી સંખ્યામાં યાત્રા કરતા જોવા મળ્યા છે