The water of Narmada turned again on the sweat labor of Agarias
મુશ્કેલી /
નર્મદા કેનાલના કારણે રણ બની ગયું દરિયો, મહેનત પર ફરી વળ્યું પાણી: અગરિયાઓની સમસ્યાનું સમાધાન ક્યારે?
Team VTV01:51 PM, 28 Dec 22
| Updated: 03:39 PM, 28 Dec 22
સુરેન્દ્રનગર જિલ્લાના રણવિસ્તારમાં નર્મદા કેનાલનું પાણી ફરી વળતા રણ દરિયા જેવું બની ગયું છે. મીઠું પકવતા અગરિયાઓના પરસેવાની મહેનત ઉપર નર્મદાનું પાણી ફરી વળ્યું છે. આથી અગરિયાઓને ભારે ખોટ સહન કરવાનો વારો આવ્યો છે.
નર્મદાના પાણીએ કચ્છના અગરિયાની મુશ્કેલીમાં કર્યો વધારો
અગરિયાઓના પરસેવાની મહેનત ઉપર ફરી વળ્યું નર્મદાનું પાણી
પાણીની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા અગરિયાની માગ
દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રણમાં કાળી મજૂરી કરતા અગરિયાઓના ખૂબ જ વખાણ કર્યા હતા. તેમણે આપણા અગરિયાઓ દ્વારા દેશ-વિદેશમાં 75%થી વધુ ભોજનને સ્વાદિષ્ટ બનાવતું મીઠાનું ઉત્પાદન થતું હોવાની વાત કરી હતી. કચ્છનું નાનું રણ 15 કિ.મી પહોળું અને 150 કિમી લાંબું હોવાનું હોવાનું કહેવાય છે, જ્યારે કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, પાટણ અને બનાસકાંઠાને જોડતું અફાટ રણ છે. આ રણમાં 5000થી વધુ અગરિયાઓ દિવાળી પછી મીઠું ઉત્પાદન કરવા પહોંચી ગયા છે. જેમાં પ્રખ્યાત વડાગરુ મીઠાની સિઝન ચાલી રહી છે. સુકાયેલા રણમાં અગરિયાઓએ મીઠું ઉત્પાદન કરવા માટે મોટી સંખ્યામાં પાટાઓ બનાવ્યા છે, પરંતુ હાલ નર્મદા કેનાલનું વેસ્ટિજ પાણી આ રણમાં ઘૂસી ગયું છે. આ પાણીને કારણે રણ દરિયા જેવું બની ગયું છે. રણમાં નર્મદા કેનાલનું મીઠું પાણી ઘૂસી જતા અગરિયાઓના પાટાઓમાં પાણી ભરાઈ ગયા છે.
અગરિયાઓના પરસેવાની મહેનત ઉપર ફરી વળ્યું નર્મદાનું પાણી
છેલ્લા પાંચ-છ વર્ષથી આ રીતે અગરિયાના અગરમાં નર્મદાનું મીઠું પાણી આવી જાય છે. જેથી કરીને દર વર્ષે તેઓને નુકસાન થાય છે. હાલમાં જે પાણી અગરમાં છે, તે ક્યારે સુકાશે તે કહેવું મુશ્કેલ છે. અગરિયાઓના પરસેવાની મહેનત ઉપર નર્મદાનું પાણી ફરી વળ્યું છે. આથી અગરિયાઓને ભારે ખોટ સહન કરવાનો વારો આવ્યો છે. અગરિયાઓને મીઠું ઉત્પાદન કરવા કરેલા પોતાના પાટા પર પહોંચવું હોય તો 10 કિમીનો ફેરો કરવો પડે છે. ત્યારે હવે આ નર્મદાના મીઠા પાણીને કારણે અગરિયાઓને ફરી બીજી વખત મહેનતનો પરસેવો પાડવો પડે તેવી સ્થિતિ સર્જાય છે.
પેટનો ખાડો પુરવા અગરિયાઓ કરે છે કાળી મજૂરી
મીઠાના અગરમાં જે રીતે મુશ્કેલીઓ વેઠીને અગરિયાઓ કાળી મજૂરી કરી રહ્યા હોય છે તે જોઈને ભલભલાના રુવાડા ઉભા થઈ જાય તેમ છે. અગરિયાઓ હાથના કે પગના મોજા સહિતની કોઈપણ પ્રકારની સુવિધાઓ અપાતી નથી. આકરા તાપમાં અને કડકડતી ઠંડીમાં મીઠાના અગરમાં કામ કરવું ઘણું કઠિન છે. છતાં પેટનો ખાડો પુરવા મીઠાના અગરિયાઓ ઉધડા પગે સૂર્યના તાપથી તપતા મીઠા પર ચાલીને કાળી મજૂરી કરે છે. ત્યારે આ આગરિયાઓની કાળી મજૂરી પર નર્મદાનું પાણી ફરી વળ્યું છે.
નર્મદાના પાણીએ અમને રાતા પાણી રડાવ્યાઃ ચકુજી ઠાકોર
આ અંગે અગરિયાના આગેવાન ચકુજી ઠાકોરે જણાવ્યું કે, આ વર્ષે મીઠાના ભાવ સારા છે. પરંતુ નર્મદાના પાણીએ અમોને રાતા પાણી રડાવ્યા છે. ઉત્પાદનમાં આ વર્ષે માઠી અસર પડે તેવા સંજોગો દેખાઈ રહ્યા છે. રણમાં પાણી ભરાઈ જવાના કારણે ઘરની વખરી લેવા માટે પણ 10થી 15 કિલોમીટર જેટલું ફરી ફરીને જવું પડી રહ્યું છે. પાણી ભરાઈ જવાના કારણે અગરિયાઓની સ્થિતિ ખૂબ જ દયનીય બની છે. અમારી લાગણીને માંગણી છે કે સરકાર અમારા જો વખાણ કરતી હોય તો આ નર્મદાના પાણીનો પ્રશ્ન કાયમી હલ કરે. રણમાં છોડતા પાણીને બંધ કરીને અમારી આજીવિકાને બચાવે.