બ્રેકિંગ ન્યુઝ
VTV / ધર્મ / ગુજરાત / કોડીનારમાં બિરાજે રુદ્રેશ્વર મહાદેવ, જ્યાં ભીમે કર્યો હતો શિવલિંગ પર પ્રહાર, અહીં છે વિશ્વનું સૌથી ઉંચુ ત્રિશૂલ
Last Updated: 06:00 AM, 10 September 2024
ગીર સોમનાથ જીલ્લામાં કોડીનાર તાલુકાના ઘાંટવડ ગામે શીંગવડા નદીના કિનારે પાંચ હજાર વર્ષ પહેલાનું અતિ પ્રાચીન શિવ મંદિર આવેલું છે મંદિરમાં રૂદ્રેશ્વર મહાદેવ બિરાજમાન છે. શિવભક્ત પાંડવો જ્યારે અજ્ઞાતવાસમાં હતા ત્યારે જંગલમાં નદી નજીક શિવમંદિરની સ્થાપના કરી પૂજા અર્ચના કરતા હતા. ઘાંટવડ ગામ નજીક આવેલું આ રૂદ્રેશ્વર મહાદેવનું મંદિર પણ પાંડવો દ્વારા સ્થાપિત હોવાનું પુરાણોના વર્ણનમાં છે. વર્તમાન ગીર સોમનાથ જિલ્લાને હજ્જારો વર્ષોથી લીલી નાઘેર તરીકે ઓળખવામાં આવે છે. અહીં ક્યારેય દુષ્કાળ પડ્યો નથી. ગીર જંગલ બોર્ડરને અડીને આવેલા આ જિલ્લામાં કુદરતી સૌંદર્ય સમાન એશિયાટિક લાયન ગિરનું જંગલ, વિશાળ સમુદ્ર કિનારો, પર્વતો, ગીરમાંથી નીકળતી નદીઓ, ઝરણાઓ અને લીલી વનરાઈ આંખોને ઠંડક આપે છે. જિલ્લાના વિવિધ દર્શનીય અને રમણીય સંખ્યાબંધ કુદરતી સ્થળો પ્રવાસીઓનું આકર્ષણ બન્યા છે. તો પ્રાચીન દેવ મંદિરો અને શિવાલયો ભક્તિ અને આસ્થાનું પ્રતીક બન્યા છે. કોડીનાર તાલુકાનાં ઘાંટવડ ગામે આવેલું રૂદ્રેશ્વર મહાદેવનું મંદિર અતિ પ્રાચીન છે.
ADVERTISEMENT
કોડીનારના ઘાંટવડ ગામે રુદ્રેશ્વર મહાદેવ બિરાજમાન
ADVERTISEMENT
શિવપૂજન કર્યા બાદ જ ભોજન ગ્રહણ કરવાનો પાંડવોનો નિત્યક્રમ હતો. તત્કાલીન સમયે આ સ્થળ પર કોઇ શિવલિંગ ન હતું. અર્જુન આદિનાથ મહાદેવ ના મંદિરે પૂજા કરીને આવે અને પાંચેય ભાઈઓ શિવપૂજા બાદ એકઠા થાય પછી જ ભોજન પીરસાતા. ભીમે અર્જુનને એક વખત ભોજન ગ્રહણ કરતી વખતે અર્જૂનને કહ્યુ કે મે નજીકમાં જ એક શિવલિંગનાં દર્શન કર્યા છે તો આપણે દુર જવાની જરુર નથી. આથી અર્જુને ભીમની આ વાત સ્વીકારી અને શિવલીંગની નિત્ય પૂજા કરવા માંડી એકવાર ભીમે અર્જૂનને કહ્યુ કે 'તમે આવડા મોટા શીવના ઉપાસક છો...!! ખરેખર તમને કાંઈ ખબર પડતી નથી મેં તો તમારી મજાક કરી હતી. તમે જે જગ્યા પર શિવલીંગની પૂજા કરી તે શિવલીંગ મે ઘડામાં સ્થાપેલું છે. શિવલિંગ પાસે આવી અર્જુને કહ્યુ કે ભીમ ભલે તમે કહો કે, ઘડામાં સ્થાપેલ શિવલિંગ છે પરંતુ આ શિવલિંગ સત્ય છે. એટલે ભીમે પોતાની વાત સાબીત કરવા શિવલિંગ પર પગથી પ્રહાર કર્યો અને આ આજ જગ્યા પર બિરાજમાન શિવલિંગ ખંડિત થઈ અને તેમાંથી રુદ્ર એટલેકે લોહીની ધારા થઈ અને ભગવાન શિવ પોતે તે સમયે પ્રસન્ન થયા અને શિવજી કહ્યુ કે અર્જુનની પૂજા ઉપાસનાથી તેમાં મારો વાસ થઈ ગયો છે. શિવલિંગમાંથી રક્તનો સ્ત્રાવ થયો એટલે રૂધીરેશ્વર મહાદેવ તરીકે ઓળખાયા અને કાળક્રમે રૂધીરેશ્વરમાંથી અપભ્રંશ થઈને મહાદેવનું નામ રૂદ્રેશ્વર થયું.
ભીમે આ શિવલીંગ પર પ્રહાર કર્યો તે ખંડિત શિવલીંગ આજે પણ જોવા મળે છે
પાંચ હજાર વર્ષથી બિરાજમાન રૂદ્રેશ્વર મહાદેવના પૌરાણિક મંદિરનો પ્રેમભારતી બાપુએ જીર્ણોધ્ધાર કર્યો ત્યારે અંદાજીત 10 વર્ષ સુધી મંદીરનું કામ ચાલ્યુ હતુ . ભીમે આ શિવલીંગ પર પ્રહાર કર્યો તે ખંડિત શિવલીંગ આજે પણ જોવા મળે છે. મંદિરનો વિકાસ દિવસેને દિવસે વધતો રહ્યો છે પણ શિવલિંગની જગ્યામાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. શિવલિંગ વર્ષોથી તેની જગ્યા પર જ સ્થિત છે. પ્રેમભારતી બાપુ બાદ રૂદ્રેશ્વર જાગીરભારતી આશ્રમનાં મહંત ઇન્દ્રભારતી બાપુ એ આ જગ્યા અને આશ્રમનો ખૂબ વિકાસ કર્યો અને હાલ મહામંડલેશ્ર્વર મુકતાનંદ બાપુ આ જગ્યાનું સફળ સંચાલન કરી રહ્યા છે. મંદિરે શ્રાવણ માસ, અમાસ, નવરાત્રી, ગુરુપૂર્ણિમા સહીતના તહેવારોમાં લોકડાયરા, ભજન અને ભોજનનો અનેરો સંગમ જોવા મળે છે. થોડા સમય પહેલાં જ ઇન્દ્રભારતી બાપુએ રુદ્રેશ્વર મહાદેવ મંદિરે 152 ફુટ ઉંચાઇ ધરાવતુ ત્રિશુલ સ્થાપીત કરાવ્યું છે. જે વિશ્વનું સૌથી ઉંચાઇ ધરાવતુ ત્રીશુલ છે. 140 ફુટે મંદિરની ધ્વજા લહેરાય છે. જેનો નજારો અદભૂત છે. શાસ્ત્રોનાં મત મુજબ પાંડવો જ્યારે અજ્ઞાતવાસમાં વન વિચરણ કરતા હતા ત્યારે આ જગ્યા પર પધાર્યા હતા. તે સમયે અહીં ઘનઘોર જંગલ હતુ. શીંગવડા નદી જંગલની વચ્ચેથી નીકળતી હતી અને તેવો જ અદભૂત નજારો આજે પણ જોવા મળે છે.
આ પણ વાંચો: ગુજરાતમાં અહીં આવેલી છે હિંગળાજ માતાજીની ગુફા, જ્યાં સૂર્યકુંડનું નિર્માણ થયું હતું એક જ રાતમાં
132 ફૂટના થાંભલા પર 21 ફૂટનું ત્રિશૂલ બનાવાયું છે
રૂદ્રેશ્વર મહાદેવ મંદિરની નજીક શીંગવડા નદી બે કાંઠે વહે છે. કુદરતના ખોળેથી નીકળતી આ નદીનો નજારો પણ નયનરમ્ય છે. હજારોની સંખ્યામાં મંદિરે આવતા ભાવિકો માટે ભોજન પ્રસાદની સુંદર વ્યવસ્થા ભારતી આશ્રમમાં કરવામાં આવે છે. મંદિરનો અનેરો ઇતિહાસ એવો છે કે ઘણા લોકોની માનતા અહીં પુર્ણ થાય છે. રુદ્રેશ્વર મહાદેવ મંદિરની જગ્યામાં કોઇપણ જ્ઞાતીજાતીનો ભેદભાવ રખાતો નથી અને દરેક સમાજના લોકો સાથે રહી ભજન અને ભોજનનો લ્હાવો લે છે. ગુરુદેવ પ્રેમભારતી બાપુ અને રતીબાપુએ જ્યાં તેમના જીવનના સૌથી વધુ વર્ષ વિતાવ્યા તે ઘાંટવડમાં નકુમતી નદીના કિનારે રુદ્રેશ્વર જાગીર ભારતી આશ્રમ પાસેના રુદ્રેશ્વર મહાદેવ મંદિર પાસે ત્રિશૂલની સ્થાપના કરવામાં આવી છે 132 ફૂટના થાંભલા પર 21 ફૂટનું ત્રિશૂલ બનાવાયું છે. જેની કુલ ઊંચાઇ 153 ફૂટની છે. ત્રિશૂલનું વજન 450 કિલો છે સ્તંભ અને ત્રિશૂલનું કુલ વજન 2200 કિલો છે. જેને લોકો હાલ શીંગવડા નદીના નામથી જાણે છે તેનું સાચું નામ નકુમતી નદી છે તેનો ઉલ્લેખ સ્કંદપુરાણમાં છે. અને આ નદીના કિનારે પાંડવોએ રુદ્રેશ્વર મહાદેવ મંદિરની સ્થાપના કરી તેનો પણ ઉલ્લેખ સ્કંદપુરાણમાં છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.