the story of maulik dave who help needy people from 10 years
VTV Exclusive /
ટીમ ઇન્ડિયા તો આને કહેવાય, ક્રિકેટ ધર્મ છે તો અમદાવાદની આ ટીમ નિભાવે છે સાચો ધર્મ
Team VTV10:58 AM, 04 Nov 21
| Updated: 04:25 PM, 04 Nov 21
કોરોનાની મહામારી દરમિયાન ઘણા લોકો સામે આવ્યા અને તેમણે લોકોને મદદ પણ કરી હતી. તેવું જ અમદાવાદનું એક અનોખુ ગ્રુપ છે જેમણે આ પ્રકારે લોકોની મદદ કરે છે.
છેલ્લા 10 વર્ષથી મદદ કરવાનો અવિરત નિર્ણય
જણાવ્યા કે જતાવ્યા વગરની ભાવના રંગ લાવી
ક્રિકેટને ધર્મ બનાવીને તેને સિદ્ધ પણ કરી બતાવ્યો
જો ભારતમાં ક્રિકેટ ધર્મ છે તો અમદાવાદના આ યુવકો નિભાવે છે સાચો ધર્મ. કોઈએ સિગરેટ છોડી દીધી તો કોઈએ ખોટા ખર્ચની આદત, કોઈએ વર્ષે એક કપડું ઓછું ખરીદવાનું નક્કી કર્યુ તો કોઈએ મોજ-શોખ ઓછા કરવાનો નિર્ણય કર્યો અને આ બધું જ નક્કી થયું ક્રિકેટના મેદાન પર . તેનું કારણ હતું કે ક્રિકેટને ધર્મ બનાવ્યો છે તો તેને નિભાવવો પણ પડે ને...!
અમદાવાદનું અનોખું ગ્રુપ
અમદાવાદમાં યુવકોનું એક એવું ગ્રુપ છે જે ક્રિકેટના મેદાન પર મેચ જીતવા હરીફ ટીમને આઉટ કરે છે પરંતુ મેદાનની બહાર માનવતાને આઉટ નથી થવા દેતા. આ એક એવી ક્રિકેટ ટીમ છે જેની બોલી લગાવવા માટે ભલભલા બિઝનેસમેનની સંપત્તિ પણ ઓછી પડી જાય. કારણ કે આ ટીમ જે કામ કરી રહી છે તેમની માનવતા અને તેમની ખમીરતાની કિંમત અમૂલ્ય છે. દર અઠવાડિયે ક્રિકેટ રમવા માટે ભેગા થતાં આ યુવાનો પોતાની યથાશક્તિ પ્રમાણે પૈસા ભેગા કરે છે અને એક ફંડ ઊભું કરીને દર વર્ષે દિવાળીનાં સમયે જરૂરિયાતમંદ લોકોને મદદ કરીને માનવતાના દીવડાં પ્રગટાવે છે.
મૌલિકભાઇનું ઇનિશિયેટીવ
બાય પ્રોફેશન ટેકનિકલ હેડ, બાય પેશન ક્રિકેટર અને બાય ઈમોશન એક ઉદાહરણ આપવા જેવો ગુજરાતી. આ ગુજરાતીનું નામ એટલે મૌલિક દવે. એક મલ્ટિનેશનલ કંપનીમાં આઈટી વિભાગમાં કામ કરતા મૌલિકભાઈને ક્રિકેટ માટે ગજબનું પેશન છે. દર શનિ-રવિ ક્રિકેટ રમવા માટે જ્યાં બોલાવો ત્યાં જાય પરંતુ જ્યાં મદદની જરૂર હોય અને ન બોલાવો તો પણ જાય એ ખરા મૌલિકભાઈ. તેમનો સેવા કરવાનો આ નિર્ણય 10 વર્ષ પહેલા લેવાઈ ચૂક્યો હતો પરંતુ બહાર આજે આવ્યો અને તે પણ ખાસ કારણથી.
ઓછું બોલતા પરંતુ ક્રિકેટના મેદાન પર જરાય ઓછા રન ન કરતા કરતા મૌલિકભાઈ સ્વભાવે ભાવુક અને સેવાભાવી છે. એટલે મદદ કરવાની વાત આવે ત્યારે મૌલિકભાઈ હાજર જ હોય, બસ આ સ્વભાવને કારણે જ આ સેવાની ઈનિંગ શરૂ થઈ હતી.
આ કોઇ NGO નથી પરંતુ...
સ્વાભાવિક છે કે આવું જ્યારે કોઈ દાન કે ચેરિટીનું કામ કરે ત્યારે એવું થાય કે આમા નવાઈ શું, ઘણાં ચેરિટેબલ ટ્રસ્ટ અને NGO આવા કામ કરતા હોય છે. વાત સાચી છે પરંતુ આ કોઈ ટ્રસ્ટ કે NGO નથી. મોલીક ભાઇ કહે છે કે તે એક દિવસ રસ્તાં ઉપરથી જઇ રહ્યાં હતા અને તેમણે આ ગરીબ બાળકોને જોયા તો તેમના મનમાં વેદનાની એક ચીસ ઉઠી. ત્યારે તેમણે નક્કી કર્યું કે મદદ કરવાં માટે જે કંઇ પણ થઇ શકે તે કરીશ. તેમણે એકલા હાથે શરૂ કરેલી આ સેવા ધીરે ધીરે તેમના મિત્રોને પણ આકર્ષતી ગઇ. બાદમાં તેમના મિત્રોએ પણ મૌલિક ભાઇને સાથ આપ્યો હવે તેમની આખી ક્રિકેટ ટીમ તેમની મદદે આવી છે.
સેવાના કામનો દાયકો
મૌલિકભાઈ એન્ડ ટીમ આ ફંડનો ઉપયોગ પણ ખૂબ સિસ્ટેમેટિક રીતે કરે છે જેથી મદદ માત્ર નામની નહીં પરંતુ કામની થાય. છેલ્લા એક દાયકાથી આ સેવાના કામ કરતા કરતા એવા ઘણાં કિસ્સા મૌલિકભાઈએ જોયા જેમાં આંખમાંથી આંસુ સરી પડ્યાં હોય. બસ કોઈ વખત દુઃખના હતા તો કોઈક વખત સુખના...
આ અમદાવાદીઓના ગ્રુપની રસપ્રદ વાત એ છે કે ફંડ ભેગું કરવા માટે આ ગ્રુપના કેટલાક લોકોએ મોજશોખ ઓછા કર્યા તો કેટલાકે તો સિગારેટ પીવાની છોડી દીધી. કારણ કે આ બચતથી વર્ષના અંતે બને એટલી વધારે રકમ ભેગી થાય અને વધુમાં વધુ લોકોને મદદ પહોંચે છે.
જરૂરિયાતમંદ લોકોના સાથી
આ ગ્રુપને સલામ કરવાનું મન ત્યારે થઈ ગયું જ્યારે તેમણે જરૂરિયાતમંદો બાપડા-બિચારા જ બની ન રહે અને પોતાના પગ પર સ્વમાનભેર જીવે તે માટે તેમને કંઈક કરવું છે. અને ખરા અર્થમાં મદદ તો આને કહેવાય જે એક વાર કર્યા પછી બીજી વાર કરવી ન પડે કારણ કે માનવતાની દુનિયામાં કોઈને સ્વમાન આપવું કે પાછું અપાવવું તેનાથી મોટું કોઈ દાન કે સંપત્તિ નથી. મૌલિકભાઈ છેલ્લા દસેક વર્ષથી જરૂરિયાતમંદ વ્યક્તિઓને શોધીને તેઓને મદદ કરવાનું કામ કરતાં આવ્યા છે. પોતાના આ વિચારને તેમણે ક્રિકેટ રમતા મિત્રો સાથે શેર કર્યો અને ધીમે ધીમે 30-35 લોકોનું સેવાભાવી ગ્રુપ બની ગયું. તેમના આ ભગીરથ કાર્યની સુગંધ વિદેશ સુધી પહોંચી અને અમેરિકા-કેનેડા રહેતા મિત્રોએ પણ આ કામમાં સહભાગી થવાની તૈયારી દાખવી.
મૌલિકભાઈ અને તેમની આ રોબિનહૂડ ટીમને જોઈને તો ખરેખર એવું મન થાય છે કે ક્રિકેટ રમતી ખરી ટીમ ઈન્ડિયા તો આને કહેવાય, આવી ટીમો માટે તો જેટલી બોલી લાગે એટલી ઓછી કહેવાય. વર્ષોથી કોઈને જણાવ્યા કે જતાવ્યા વિના મદદ કરતા આ અમદાવાદી દર દિવાળીએ મૌલિક દવે નહીં દેવ બન્યા છે એવું કહીએ તો અતિશયોક્તિ નહીં કહેવાય.