The state government is going to take an important step regarding the number plate of the new vehicle
BIG NEWS /
કેન્દ્ર હા પાડે એટલી જ વાર: હવે વ્હીકલ ખરીદતાની સાથે જ લાગી જશે નંબર પ્લેટ, RTOના ધક્કા બંધ
Team VTV09:51 AM, 25 Jan 23
| Updated: 09:51 AM, 25 Jan 23
રાજ્યમાં નવા વાહનના નંબર માટે રાહ નહીં જોવી પડે, જે દિવસે વાહન ખરીદશો તે જ દિવસે વાહનમાં નંબર પ્લેટ ફીટ થઈ જશે.
વાહન ખરીદી બાદ નંબર માટે RTOના ધક્કા નહીં ખાવા પડે
વાહન ખરીદનારને ડિલર પાસેથી મળી જશે નંબર
પસંદગી અથવા રેન્ડમ નંબર માટે ધક્કા નહીં ખાવા પડે
નવા વાહનની નંબર પ્લેટને લઈને રાજ્ય સરકાર મહત્વનું પગલુ ભરવા જઈ રહી છે. ગ્રાહકોએ નવા વાહનની ખરીદી બાદ નંબર માટે રાહ જોવી પડશે નહીં, જે દિવસે વાહન ખરીદશો તે જ દિવસે વાહનમાં નંબર પ્લેટ ફીટ થઈ જશે. કેન્દ્ર સરકારની મંજૂરી મળ્યા બાદ આ નિર્ણયને અમલમાં મુકાશે. સૂત્રોના જણાવ્યા અનુસાર, વાહન વ્યવહાર વિભાગ 15 દિવસની અંદર જ આ ઠરાવ બહાર પાડી શકે છે.
હાલ 8થી 10 દિવસનો લાગે છે સમય
રાજ્યમાં વર્તમાન સમયમાં નવા વાહનની ખરીદી બાદ તેના દસ્તાવેજો રજિસ્ટ્રેશન માટે ઓનલાઈ RTO કચેરી ખાતે મોકલવામાં આવે છે, જેની ચકાસણી કર્યા પછી RTO કચેરી નંબર ફાળવે છે અને આ નંબરની HSRP તૈયાર કરવા ગાંધીનગર સ્થિત નંબર પ્લેટ કંપનીમાં નંબરની યાદી મોકલી આપે છે. જે બાદ અહીં નંબર પ્લેટ તૈયાર થાય છે અને અહીંથી નંબર પ્લેટ આવ્યા બાદ વાહન માલિકોને જાણ કરવામાં આવે છે. આ સમગ્ર પ્રક્રિયામાં 8થી 10 દિવસ જેટલો સમય લાગી જાય છે.
પ્રતિકાત્મક તસવીર
આ દિશામાં આગળ વધી રહ્યું છે RTO તંત્ર
સાથે હાલ પસંદગીનો નંબર મેળવવા માટે RTOની એપ્લિકેશન કે વેબસાઈટ પર ઓનલાઈન સિસ્ટમની મદદ લેવી પડતી હોય છે અને પેમેન્ટ પણ કરવું પડતું હોય છે. ત્યારે હવે કાર ખરીદતી વખતે ગ્રાહકોને ડીલરને ત્યાં જ પસંદગીના નંબરથી લઈને ઉપલબ્ધ નંબરની વિશાળ શ્રેણી ઉપલબ્ધ કરાવવામાં આવશે. જરૂરી ફી ભર્યાં બાદ તે નંબર તેમને તરત જ મળી રહેશે. RTO તંત્ર આ દિશામાં આગળ વધી રહ્યું છે. સરકાર નંબર પ્લેટ બનાવવા માટેની સુવિધા પણ વધારવા જઇ રહી છે.
પ્રતિકાત્મક તસવીર
રાજ્ય સરકારની કેન્દ્ર સરકાર સાથે વાતાઘાટો ચાલુ
આ નિર્ણય બાદ ગ્રાહકોને RTOના ધક્કા ખાવામાંથી મુક્તિ મળશે. આ નિયમ હેઠળ રેન્ડમાઇઝેશન ઉપરાંત પસંદગીના નંબર માટે પણ વાહનોના ખરીદારોને લાંબો સમય રાહ જોવી નહીં પડે. આ નિર્ણયના અમલ મુદ્દે રાજ્ય સરકારની કેન્દ્ર સરકાર સાથે વાતાઘાટો ચાલી રહી છે.