ગુજરાત જાહેર પરીક્ષા (ગેરરીતિ અટકાવવા બાબત) વિધેયક પહેલા જ દિવસે ગૃહમાં રજૂ થશે. પેપર લીક બિલ મામલે વિપક્ષ ગૃહમાં સરકારને ઘરી શકે છે.
ગુજરાત વિધાનસભાનું સત્ર આજથી થશે શરૂ
રાજ્યપાલના સંબોધનથી સત્રની થશે શરૂઆત
પેપરલીક મામલે તૈયાર થયેલું બિલ ગૃહમાં થશે રજૂ
ગુજરાત વિધાનસભાનું સત્ર આજથી શરૂ થવા જઈ રહ્યું છે. આજે બપોરે 12 વાગ્યે રાજ્યપાલના સંબોધનથી સત્રની શરૂઆત થશે. રાજ્યપાલના આભાર પ્રસ્તાવ બાદ શોકદર્શક ઉલ્લેખ રજૂ થશે. જે બાદ પૂર્વ રાજ્યપાલ ઓ.પી કોહલી, પૂર્વ રાજ્યકક્ષાના મંત્રી રમણભાઈ ચૌધરી, પૂર્વ સભ્ય નારણભાઈ પટેલ, દાઉદભાઈ પટેલ તથા મહિપતસિંહ જાડેજા તથા હરેશકુમાર ભટ્ટને શ્રદ્ધાંજલિ આપવામા આવશે અનુમતિ મળેલા વિધેયકો રજૂ કરાશે. નાણામંત્રી કનુભાઈ દેસાઈ બજેટ રજૂ કરશે. વિધાનસભા સત્રના 25 દિવસમાં 27 બેઠકો મળશે.
કામકાજ સલાહકાર સમિતિની મળી હતી બેઠક
આ સત્રમાં પચાસ ટકા જેટલા ધારાસભ્યો એવા હશે કે જે પ્રથમવાર જ ગૃહમાં હાજરી આપશે. નવોદિત ધારાસભ્યો માટે પ્રથમ બજેટ સત્ર શરૂ થાય પૂર્વે ગઈકાલે કામકાજ સલાહકાર સમિતિની બેઠક મળી હતી. તેમાં 25 દિવસના વિધાનસભા સત્ર દરમિયાન હાથ ધરવાના કામ પર મંજૂરીની મહોર મારવામાં આવી હતી.
પહેલા જ દિવસે ગૃહમાં રજૂ કરાશે જાહેર પરીક્ષા અધિનિયમ બિલની
એવું કહેવામાં આવી રહ્યું છે કે પેપરલીક મામલે તૈયાર થયેલું બિલ પહેલા જ દિવસે ગૃહમાં રજૂ કરવામાં આવશે. ગુજરાત જાહેર પરીક્ષા ગેરરીતિ અટકાવવા બાબતનું વિધેયક ગૃહમાં રજૂ કરાશે. પેપરલીક બિલ મામલે વિપક્ષ ગૃહમાં સરકારને ઘેરી શકે છે.
કડક કાયદો બનાવવા જઈ રહી છે સરકાર
ભૂપેન્દ્ર પટેલ સરકાર વિદ્યાર્થીઓ અને સ્પર્ધાત્મક પરીક્ષાના સ્પર્ધકોના ભાવિ સાથે ચેડા કરનારા વિરુદ્ધ કડક કાયદો બનાવવા જઈ રહી છે. જેનું ગત 16 ફેબ્રુઆરીએ વિધાનસભા ગૃહમાં રજૂ કરાયું હતું. જાહેર પરીક્ષા અધિનિયમ બિલની કોપી ધારાસભ્યોને આપવામાં આવી હતી. આ વિધેયક ગૃહમાંથી પસાર થયા બાદ તેને મંજૂરી મળી જશે તો તે કાયદા તરીકે પ્રસ્થાપિત થઇ જશે. નવા કાયદામાં ભરતી પ્રક્રિયામાં સામેલ તમામ સરકારી અને બિનસરકારી સભ્યોની બેદરકારી બદલ કડક સજાની જોગવાઈ કરાઇ છે. જેમાં કૌભાંડીઓની મિલ્કત જપ્તી અને ટાંચમાં લેવાની પણ જોગવાઈ છે. સાથે ગુનાના દોષિત ઠર્યા હોય તેવા પરીક્ષાર્થીને જાહેર પરીક્ષામાંથી બે વર્ષ માટે બાકાત રાખવા જોગવાઈ છે.
10 વર્ષની સજાની જોગવાઈ
વિધેયકમાં આમાં ઓછામાં ઓછી 7 વર્ષ અને વધુમાં વધુ 10 વર્ષની સજાની જોગવાઈ કરાઈ છે. તો પેપરલીક કરનારને 1 કરોડ સુધીનો દંડ ફટકારવામાં આવશે. દંડની રકમ ચુકવવામાં ચૂક થાય તો ફોજદારી કાર્યવાહી કરવામાં આવશે. સાથે જ પેપરલીક કરનારની સ્થાવર, જંગમ મિલકત જપ્ત થઈ શકશે.
1 કરોડ રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે!
પરીક્ષામંડળની કોઈ વ્યક્તિ જવાબદાર ઠરે તો તેના માટે પણ સજાની જોગવાઈ કરવામાં આવી છે. પરીક્ષામંડળની કોઈ વ્યક્તિ જવાબદાર હોય તો તેને મંડળમાંથી બાકાત કરવાની પણ જોગવાઈ છે. સાથે આ અધિનિયમના દરેક ગુના બિનજામીનપાત્ર હશે. આવા કિસ્સામાં કોઈ દોષિત ઠરશે તો દંડની રકમમાં માંડવાળી થઈ શકશે નહીં.