The police will enlist the help of ISRO to investigate space ball fell in a field in Anand
તપાસ /
આણંદમાં આકાશી ગોળા પડવાને મામલે ઈસરોની પણ લેવાશે મદદ, જુઓ શું થયા ચોંકાવનારા ખુલાસા
Team VTV10:47 PM, 14 May 22
| Updated: 10:49 PM, 14 May 22
ફૂટબોલની સાઈઝથી થોડા મોટા અને ગોળાની બંને તરફ વેલ્ડીંગ કરાયેલું છે.. વજનમાં ભલે હલકાં પરંતુ છે મજબૂત, કારણ કે આકાશમાંથી પડવા છતાં આ ગોળાઓમાં કોઇ નુકસાન થયુ નથી
આણંદમાં આકાશી ગોળા પડવાનો મામલો
પોલીસ,FSL ટીમે શરૂ કરી તપાસ
ઈસરોની લેવાશે મદદ !
ખગોળીય ઘટના ઘણો કે પછી કે કોઇ ચમત્કાર. આકાશમાંથી કોઇ વસ્તુ જમીન પર પડી આવે તો આવી જ શંકા જાગે. ત્યારે ખેડા જિલ્લામાં આવું જ એક કુતૂહલ સર્જાયું છે. આકાશમાંથી એક ગોળો જમીન પર પડી આવતા આખુ ગામ સવાલ કરી રહ્યુ છે કે આ તો વળી શું હશે. અવકાશમાંથી એક ગોળ ગત રાત્રિના રોજ ગામમાં પડતા અનેક સવાલો થયા હતા કે આ અવકાશી ગોળો શું હશે. આકાશમાંથી કેમ આવા ગોળી પડી રહ્યા છે ? ક્યાંક એલિયનની તો કોઇ વાત નથી ને ?
આકાશમાંથી ગોળા,રોકેટમાંથી પાર્ટ છુટા પડ્યાની ચોંકાવનારી પ્રાથમિક માહિતી
આણંદ જિલ્લામાં અલગ અલગ ત્રણ સ્થળ પરથી ગોળા જેવો અવકાશી પદાર્થ મળી આવ્યા બાદ આજે ખેડા જિલ્લામાંથી પણ ગોળા જેવો પદાર્થ મળ્યો હતો. બે જિલ્લામાંથી અલગ અલગ જગ્યાએથી શંકાસ્પદ પદાર્થ મળી આવતાં તંત્રએ ઈસરોની મદદ લેવાનો નિર્ણય કર્યો છે. પ્રાથમિક તપાસમાં આ પદાર્થ સેટેલાઈટમાંથી છૂટો પડેલો ભાગ હોવાનું અનુમાન છે. ભૂમેલ ગામમાં અક્ષર પોલ્ટ્રી ફાર્મ પાસેથી મળી આવેલ આકાશી ગોળો ચકલાસી પોલીસ દ્વારા નેં FSLમાં મોકલી આપી વધું તપાસ હાથ ધરવામાં આવી છે.
શું છે સમગ્ર મામલો?
સમગ્ર ચરોતર પંથકમાં છેલ્લા ત્રણ-ચાર દિવસથી અવકાશમાંથી રાત્રિ સમયે ગોળા જેવો પદાર્થ પડવાની ઘટનાઓ બની રહી છે. આણંદ જિલ્લા બાદ ગત રાત્રે ખેડા જિલ્લામાં પણ આવી ઘટના બની છે. નડિયાદ તાલુકાના ભૂમેલ ગામની સીમમાં આવેલા પોલ્ટ્રી ફાર્મના ખુલ્લા વિસ્તારમાં ગત રાત્રે લગભગ બે-અઢી વાગ્યાની આસપાસ એક ગોળાકાર જેવો પદાર્થ અહીં ખાબક્યો હતો. મધરાત બાદ ધડામ કરતો અવાજ આવતાં અક્ષર પોલ્ટ્રી ફાર્મમા સૂઇ રહેલા મહેન્દ્ર પટેલ ઊંઘમાંથી ઉઠી ગયા હતા. દરવાજો ખોલી જોતાં ખુલ્લામાં એક ગોળાકાર પદાર્થ પડ્યો હતો. જેમાંથી ધુમાડો પણ નીકળતો હતો. વહેલી સવારે મહેન્દ્ર પટેલેએ આ વાતની જાણ ગામના સરપંચને કરી હતી, આથી સરપંચે ઘટનાસ્થળે જઇ ચકલાસી પોલીસને જાણ કરી હતી.
ગોળાની જાણકારી માટે પોલીસ દ્વારા ઈસરોની લેવાશે મદદ
જેથી પોલીસ તરત ઘટનાસ્થળે પહોંચી સ્થળ તપાસ કરી અવકાશી પદાર્થનો કબજો લઇ ચકલાસી પોલીસ સ્ટેશન ખાતે લઇ આવી હતી અને બીજી બાજુ આ અંગેની જાણ FSLને કરી હતી. આણંદ જિલ્લાના ઉમરેઠ તાલુકાના શીલી, ખાનકૂવા અને દાગજીપુરા બાદ નડિયાદ નજીક ભૂમેલ ગામમાં આવી ઘટનાઓ બનતાં લોકોમાં કુતૂહલ સાથે ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. છેલ્લા ત્રણ દિવસથી આકાશમાંથી વરસી રહેલા ગોળા જેવા શંકાસ્પદ પદાર્થની તપાસ માટે પોલીસ દ્વારા ઈસરોની મદદ લેવાનો નિર્ણય કરાયો છે. ઈસરોની તપાસ બાદ શંકાસ્પદ પદાર્થના રહસ્ય પરથી પડદો ઊંચકાય તેવી શક્યતા છે.