જુનિયર ક્લાર્ક પરીક્ષાને લઈ પોલીસે સરાહનીય કામગીરી કરી છે. પોલીસે રસ્તો ભટકેલા, ટ્રાફિકના કારણે અટવાયેલા, અન્ય સેન્ટરે પહોંચી ચૂકેલા પરીક્ષાર્થીઓની મદદ કરી.
રાજ્યમાં જુનિયર ક્લાર્કની પરીક્ષા
પોલીસ કર્મચારીએ ઉમેદવારોની કરી મદદ
ઉમેદવારોને પરીક્ષા કેન્દ્રએ પહોંચાડ્યા
રાજ્યમાં જુનિયર ક્લાર્કની પરીક્ષાનો પ્રારંભ થઈ ગયો છે. આ પરીક્ષામાં ઉમેદવારોને હાલાકી ન પડે તે માટે ST નિગમે પણ વધારાની બસોની ફાળવણી કરી હતી. આમ છતાં રાજકોટ, અમરેલી અને સાણંદમાં અમુક ઉમેદવારો પરીક્ષા કેન્દ્ર શોધવામાં નિષ્ફળ રહ્યા હતા. આવા પરીક્ષાર્થીઓને પોલીસ કર્મચારીએ મદદ કરી છે.
અમેરેલીમાં ટ્રાફિકના કારણે અટવાયા હતા ઉમેદવારો
અમરેલીના ખાંભાના નાની ધારી નજીક બંધ પડેલા ટ્રકને કારણે રસ્તો બ્લોક થતા ટ્રાફિકજામ સર્જાયો હતો. જેને કારણે ગીર સોમનાથથી પરીક્ષા આપવા આવેલા 11 ઉમેદવારો ટ્રાફિકમાં અટવાયા હતા. ST બસમાં આવતા આ પરીક્ષાર્થીઓને પોલીસે સમયસર કેન્દ્ર પર પહોંચાડ્યા હતા. આ તમામ ઉમેદવારોને અમરેલી પોલીસે પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચાડવાની કામગીરી કરી હતી. સમયસર સેન્ટર પર પહોંચાડવા બદલ વિદ્યાર્થીઓએ પોલીસનો આભાર માન્યો હતો.
રાજકોટ પોલીસે વિદ્યાર્થીઓની કરી મદદ
આવી જ રીતે રાજકોટ પોલીસે પણ વિદ્યાર્થીઓને પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચાડવામાં મદદ કરી હતી. રાજકોટમાં એક નામની બે કોલેજ હોવાથી અમુક ઉમેદવારો પરીક્ષા કેન્દ્રને બદલે અન્ય કોલેજે પહોંચ્યા હતા. એક જ નામની બે કોલેજ હોવાથી પરીક્ષાર્થીઓને મુશ્કેલી પડી હતી. ઉમેદવારો સાધુ વાસવાણી રોડ પર પહોંચવાને બદલે અન્ય સેન્ટર પર પહોચી ગયા હતા. જેથી રાજકોટ પોલીસે આ તમામ ઉમેદવારોને પોલીસની પીસીઆર વાનમાં પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચાડ્યા હતા.
સાણંદ પોલીસની સરાહનીય કામગીરી
સાણંદ પોલીસ સ્ટેશનના PI રમેશ જાદવ પરીક્ષાર્થીઓની વ્હારે આવ્યા હતા. જુનિયર ક્લાર્કની પરીક્ષા આપવા આવેલા બે પરીક્ષાર્થીઓ રસ્તો ભટકી જતા પરીક્ષા કેન્દ્રથી 10 કિ.મી. દૂર પહોંચી ગયા હતા. ત્યારે સાણંદના PI રમેશ જાદવે બંને ઉમેદવારોને સમયસર ચોક્કસ પરીક્ષા સ્થળ પર પહોંચાડ્યા હતા. તેમણે પોલીસની જીપમાં બેસાડી બંને ઉમેદવારોને પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચાડ્યા હતા. ઉમેદવારોએ પોલીસની કામગીરીને લઇ આભાર માન્યો હતો.