The new road on Muli-Sayla Highway in Surendranagar but also has negligence in power poles
વાહ રે તંત્ર..! /
સુરેન્દ્રનગરનો મોતનો 'રસ્તો': ઉતાવળે મંત્રીના હસ્તે ઉદ્ઘાટન તો કર્યું, પણ વીજપોલ હટાવવાની તસ્દી લે કોણ?
Team VTV04:15 PM, 16 May 22
| Updated: 04:19 PM, 16 May 22
રસ્તા પરના વીજપોલ ખેડૂતોને રાત્રે વધુ ભયજનક લાગે છે, આ વીજપોલ ગંભીર અકસ્માત કરાવી શકે છે
તમે વાહન લઈને આ હાઈવે પર નીકળો તો ચેતી જજો
સુરેન્દ્રનગરના મુળી-સાયલા હાઇવે પર માથે જળુંબતું મોત
તંત્રની મુર્ખામીનુ ઉત્તમ ઉદાહરણ
આપણું તંત્ર રસ્તા બનાવવામાં તો માહેર છે પણ ન જાણે કેમ રસ્તા બનાવતા પહેલા ગટરનું કામકાજ દર વખતે ભૂલી જાય છે. એમાંય પાછી નવો નક્કોર રોડ ખોદી વાળી તે કામકાજ પણ પૂરું તો કરી દે છે પછી ભલે ને પ્રજા નવા ઉબળખાબળ રોડમાં હેરાન થતી હોય..! માંડ આ બધા પર કંટ્રોલ આવ્યો ત્યાં હવે તંત્રએ નવી લાપરવાહી જાણે જાણી જોઇને શરૂ કરી દીધી. રોડ બનાવ્યા, પહોળા પણ કર્યા પણ વચ્ચે આવતા વીજ લાઇન થાંભલા કોણ હટાવશે તેની તસ્દી પણ નથી લઈ રહ્યા. આ જોતાં તો લાગી રહ્યું છે કે તંત્રને એસી બેઠા બેઠા કામ કરતાં અધિકારીઓ ટેવ જ પડી ગઈ છે કે કોઈ પણ કામ પરફેક્ટ તો ન થવું જોઈએ.
રાજ્યના કેબિનેટમંત્રી કિરીટસિંહ રાણાએ કર્યુ હતું ઉદ્ઘાટન
વાત છે સુરેન્દ્રનગરના મુળી-સાયલા હાઇવેની. અહિયાં 25 કિ.મી ફોરલેન રસ્તો બની ગયો છે લોકો માટે રાજ્યના કેબિનેટમંત્રી કિરીટસિંહ રાણાના હસ્તે ઉદ્ઘાટન પણ થઈ ગયું છે. પણ મોતને નોતરતી ગંભીર બેદરકારી તંત્ર અને વીજ અધિકારીઓએ કરી છે. ચકાચક રોડમાં વચ્ચો વચ્ચ થોડા થોડા અંતરે વીજ લાઇનના થાંભલા આવી રહ્યા છે. જે લાપરવાહીના અકસ્માતની રાહ જોઇ બેઠા છે. આ રસ્તોનો વધુ પડતો ઉપયોગ ખેડૂતો અને આસપાસના ગામડાના લોકો કરી રહ્યા છે. પણ અજાણ્યા વ્યક્તિ માટે આ વીજ થાંભલા મોતનો સામાન સમાન છે. કોઈ ચેતવણી રૂપ સાઇન બોર્ડ પણ લગાવવામાં આવ્યા નથી જેથી રાત્રે વાહન ચાલકોને સૌથી વધુ મુશ્કેલી વર્તાઇ રહી છે.
VTV ગુજરાતીના સળગતા સવાલ
શુ આ રસ્તાની કામગીરી પહેલા કોઈ આયોજન નહોતુ કરાયુ ?
રસ્તાની વચ્ચે ઉભેલા થાંભલા હટાવવાનો વિચાર તંત્રને કેમ ન આવ્યો ?
રસ્તા વચ્ચેના આ થાંભલાથી અકસ્માતોનુ પ્રમાણ શુ નહી વધે ?
થાંભલાના કારણે અકસ્માત થાય તો જવાબદાર કોણ ?
કેબિનેટ મંત્રીને ઉદ્ઘાટન સમયે પણ આ બેદરકારી ધ્યાને નહી આવી હોય?
ઉદ્ઘાટનના ફોટા પડાવવાની હડબડીમાં મંત્રીએ પણ જાણી જોઈને આંખ આડા કાન કર્યા ?
તંત્રની ઘોર બેદરકારીનો ઉત્તમ નમૂનો
મુળી-સાયલા હાઇવે પર વાહનચાલકો ચેતીને પસાર થઇ રહ્યાં છે કારણ કે હાઈવેનું ઉદ્ઘાટન તો મંત્રીએ ઉતાવળથી કરી દીધું છે પણ વીજપોલ જેમના તેમ રાખવામાં આવ્યા છે.રાત્રે પસાર થતાં ખેડૂતો સતત ભયમાં રહે છે. આ તંત્રની ઘોર બેદરકારીનો ઉત્તમ નમૂનો છે. ત્યારે સવાલ એક છે જો કોઈ આ વીજપોલ સાથે અથડાય અને ગંભીર અકસ્માત થાય તો જવાબદાર કોણ? રોડ કોન્ટ્રાકટર, રોડને જનતા માટે ખુલ્લો મૂકનાર નેતાઑ અને અધિકારીઑ કે પછી વીજ અધિકારીઑ? બસ લોકો એ જ આશા રાખી રહ્યા છે કે વહેલી તકે જોખમી વીજ પોલનો નીવેડો આવે જેથી ભયજનક રસ્તાથી છુટકારો મળે.