The meteorological department has forecast heat wave
એલર્ટ /
હવામાન વિભાગે કરી પરસેવો છૂટી જાય તેવી આગાહી, ગુજરાતમાં આગામી 2 દિવસમાં ધમધોખતી ગરમી પડશે
Team VTV06:55 PM, 16 May 22
| Updated: 07:03 PM, 16 May 22
ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં તપમાનનો પારો 44 ડિગ્રીને પાર થશે, 2 દિવસ બાદ રાજ્યભરમાં ઓરેન્જ એલર્ટની આગાહી
રાજ્યભરમાં ગરમીનો પ્રકોપ
2 દિવસ રાજ્યભરમાં ઓરેંજ એલર્ટ
44 ડિગ્રીથી પણ વધી શકે છે તાપમાન
અમદાવાદ સહિત રાજ્યભરમાં હજુય આકરી ગરમી વિરામ લેવાનું નામ લેતી નથી. શહેરીજનોને કાળઝાળ અગન વરસાવતી ગરમીમાંથી છૂટકારો મેળવવા હજુ પણ બે દિવસ રાહ જોવી પડશે. અમદાવાદમાં હવામાન ખાતાની આગાહી મુજબ આજે અને આગામી બે દિવસ યલો એલર્ટ રહેશે. દક્ષિણ-પશ્ચિમ ચોમાસું ટૂંક સમયમાં આવી રહ્યું છે. એ પહેલાં થોડા દિવસ હજુ ગરમી ચાલુ રહેશે.
પવનની દિશા બદલાતા ગરમીનું વધશે પ્રમાણ
આજે પણ અમદાવાદ, ગાંધીનગર સહિત ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લાઓ સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, અમરેલી, ભાવનગર, બોટાદ અને કચ્છમાં પણ ગરમીનો પ્રકોપ અતિ તીવ્ર રહેવાની શક્યતા છે. "હીટવેવ"ને લીધે લોકો ભરબપોરે ઘરની બહાર નીકળી શકતા નથી. મે માસમાં છેલ્લા ૧૦ દિવસમાં ગરમીના કારણે અનેક શારીરિક બીમારીઓ થતાં અમદાવાદમાં મોટી સંખ્યામાં લોકોને ઇમર્જન્સી સેવા ૧૦૮ને બોલાવવી પડી હતી. પેટમાં દુખાવો, લૂ લાગવી, ચક્કર આવવાં, ઝાડા-ઊલટી, બેભાન થવું, હૃદય, બીપીને લગતી સમસ્યાઓ ઉદભવવી સહિતનાં કારણસર લોકોએ તાત્કાલિક સારવાર લેવાની ફરજ પડી હતી. ગરમીમાં આવા કેસમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે.
તાપમાન 44 ડિગ્રીને પાર થશે..!
ગરમ હવા, આકાશમાંથી આગ ઝરતો તાપ, ૪૪.૪ ડિગ્રી તાપમાનમાં ગરમીમાં ઉકળતા ડામરના રોડ, લૂ છોડતી ઘરની દીવાલોએ લોકોની હાલાકી વધારી હતી. ટુ વ્હીલરમાં ખુલ્લા હાથ બળી જતા હોય તેવો અનુભવ લોકો કરી રહ્યા છે. હાથ કાળા પડી જવા, ચામડીના રોગ થઇ જવા, શરીરમાંથી પાણી ઘટી જવું સહિતની અસર પણ લોકોમાં જોવા મળી રહી છે. ચાલુ વર્ષે માર્ચ મહિના બાદ જ ગરમીનાં પ્રમાણમાં વધારો શરૂ થઈ ગયો હતો. એપ્રિલમાં જ ગરમીએ માઝા મૂકતાં પારો ૪૨ ડિગ્રીને પાર કરી ગયો હતો. જ્યારે મે મહિનો પણ બરોબરનો તપી રહ્યો છે.