બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / The Meteorological Department has declared yellow alert for two days in Ahmedabad
Malay
Last Updated: 03:14 PM, 22 May 2023
ADVERTISEMENT
સમગ્ર ગુજરાતમાં ગરમીનું મોજુ ફરી વળ્યું છે, સતત ગરમીનું પ્રમાણ વધવાને કારણે લોકોના જનજીવન પર અસર પડી રહી છે. આકાશમાંથી સુરજદાદા કોપાયમાન થયા હોય અને અગનજ્વાળાઓ વરસાવતા હોય તેવો અહેસાસ થઈ રહ્યો છે. ગરમીથી લોકો તોબા પોકારી ગયા છે. અંગ દઝાડતી ગરમીથી લોકો ત્રસ્ત થઇ ગયા છે, ગરમીથી રાહત મેળવવા લોકો છાશ, ઠંડા પીણાનો સહારો લઈ રહ્યા છે. આવા ધગધગતા તાપમાં લોકો બહાર જવાનું ટાળી રહ્યા છે. બપોરના સમયે શહેરના મુખ્ય માર્ગો પર લોકોની અવર જવર ઘટી છે.
ADVERTISEMENT
હવામાન વિભાગે કરી આગાહી
હવે તો 42 ડિગ્રી ગરમી જાણે કે સામાન્ય બની ગઈ છે. ગઈકાલે રવિવારના રજાના દિવસે પણ લોકોએ મોડી સાંજ બાદ ઘરની બહાર નીકળવાનું પસંદ કર્યું હતું. એક તો ભારે ગરમી ઉપરાંત ભેજ અને તેના કારણે થતાં ઉકળાટથી લોકો પરેશાન થઈ ઊઠ્યા છે. જોકે, રાજ્યમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ભેજ વધશે અને તેની સાથે ઉકળાટના પ્રમાણમાં પણ વધારો થશે. એટલે લોકોએ ઉકળાટ સહેવા માટે તૈયાર રહેવું પડશે.
3 દિવસ ગરમી યથાવત રહેશે
ગરમીને લઈને હવામાન વિભાગે પણ આગાહી કરી છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ ગુજરાતમાં હજુ 3 દિવસ ગરમી યથાવત્ રહેશે. પવનોની દિશા બદલાતા 3 દિવસ ગરમીનું પ્રમાણ યથાવત રહેશે. 3 દિવસ બાદ તાપમાનમાં ઘટાડો થવાની શક્યતા છે.
અમદાવાદમાં 2 દિવસ યલો એલર્ટ જાહેર
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, અમદાવાદીઓએ હજુ પાંચ દિવસ 42 ડિગ્રી આસપાસ ગરમી સહન કરવી પડશે. આ સાથે શહેરમાં 2 દિવસ યલો એલર્ટ પણ જારી કરાયું છે. જોકે, બે દિવસ પછી યલો એલર્ટ દૂર થવાની શક્યતાઓ વ્યક્ત કરાઈ છે. આજે અમદાવાદમાં 28 ડિગ્રી સેલ્સિયસ લધુતમ તાપમાન નોંધાયું હતું, જે સામાન્ય જેટલું જ હતું. આગામી 5 દિવસમાં લઘુતમ તાપમાન 27-28 વચ્ચે રહે તેવી સંભાવના છે.
કામ સિવાય બહાર ન નીકળવાની સલાહ
ગરમીથી બચવા તબીબો પણ બપોરના સમયે કામ સિવાય બહાર ન નીકળવાની સલાહ આપી રહ્યા છે. સાથે જ કોટનના કપડા પહેરવા, લાંબી મુસાફરી હોય તો છાંયડામાં થોડો સમય ઉભા રહેવા, લીંબુ શરબત, છાશ, પાણી સહિત અન્ય પ્રવાહીનો પુષ્કળ પ્રમાણમાં ઉપયોગ કરવાની સલાહ આપી રહ્યાં છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.