Team VTV08:37 PM, 09 Feb 21
| Updated: 08:43 PM, 09 Feb 21
વર્ષગાંઠ હંમેશાં ભવિષ્ય તેમજ ભૂતકાળ તરફ દૃષ્ટિ કરવાની તક આપે છે. ૨૧ જાન્યુઆરીએ કોવિડ-૧૯ને એક વર્ષ પૂરું થઇ ચૂક્યું છે. વુહાનમાં પહેલી વાર નોવેલ કોરોના વાઇરસનો પહેલો કેસ સામે આવ્યો અને ધીમે ધીમે બીજા દેશોમાં ફેલાતો ગયો. જેમ જેમ તે બીજા દેશોમાં ફેલાતો ગયો તેમ તેમ દુનિયા જાગતી ગઇ અને વિશ્વ આરોગ્ય સંગઠને તેને એક મહામારી જાહેર કરી દીધી.
૨૧ જાન્યુઆરીએ કોવિડ-૧૯ને એક વર્ષ પૂર્ણ થયું
રાષ્ટ્રવ્યાપી લોકડાઉનને કારણે દેશને તથા માનવીને થયું મોટું નુકસાન
અનેક લોકોએ નોકરી ગુમાવી તો કોરોનાએ ઘણું શીખવાડ્યું પણ ખરા
નોવેલ કોરોના વાઇરસ વાસ્તવમાં શું હતું તેનું કારણ ડોક્ટર્સ અને વૈજ્ઞાનિકો અત્યાર સુધી જાણી શક્યા નથી. વેક્સિનના પ્રભાવ અંગે માન્યતા અને સચ્ચાઇ વચ્ચે આજે લાખો લોકો વેક્સિન લઇ રહ્યા છે. ભારતમાં કોવિડની કહાણી ગયા વર્ષના જાન્યુઆરીમાં વુહાનથી પરત ફરેલા એક વિદ્યાર્થીથી શરૂ થઇ હતી. ચર્ચામાં ઓછા રહેનારા કેન્દ્રીય આરોગ્ય પ્રધાન ડો. હર્ષવર્ધને વાઇરસના ફેલાવાને રોકવા માટે ઘણા ઉપાય કર્યા.
રાષ્ટ્રવ્યાપી લોકડાઉનથી આર્થિક નુકસાન
સરકારે ૨૫ માર્ચના રોજ રાષ્ટ્રવ્યાપી લોકડાઉન પણ લગાવ્યું. તેનાથી દેશને આર્થિક નુકસાન પણ થયું. સરકારે ડોમેિસ્ટક અને આંતરરાષ્ટ્રીય યાત્રાઓ પર પ્રતિબંધ મૂકી દીધો. સરકારે દુકાનો, થિયેટર્સ, સ્કૂલ-કોલેજો અને તમામ કાર્યાલય-કારખાનાં તથા નિર્માણ ગતિવિધિઓને બંધ કરવાના પણ આદેશ આપ્યા.
લાખો લોકોએ પોતાની નોકરી ગુમાવી દીધી અને જીડીપી ઘટી
લાખો લોકોએ પોતાની નોકરી ગુમાવી દીધી અને જીડીપી ઘટી ગઈ, તેના પરિણામ સ્વરૂપે આર્થિક પતન થયું. સરકારે જૂન મહિનામાં લોકડાઉનમાં કેટલીક રાહતો આપવાનું શરૂ કર્યું અને અર્થવ્યવસ્થાને પુનર્જીિવત કરવા માટે કેટલાય ઉપાય કર્યા. અમેરિકા બાદ કોરોના વાઇરસ કેસની ગણતરીમાં ભારતનો નંબર હતો. દેશમાં ૧૦.૭ મિલિયન લોકો સંક્રમિત હતા અને ૧,૫૪,૧૪૭ મૃત્યુ થયાં. ભારતે તેનો વેક્સિનેશન પ્રોગ્રામ ૧૬ જાન્યુઆરીએ શરૂ કર્યો. અન્ય દેશોની તુલનામાં વેક્સિનેશન ખૂબ મોડું શરૂ થયું, પરંતુ તેનો વેક્સિનેશન દર સૌથી ઊંચો છે.
ભારત દુનિયાના સૌથી વધુ પ્રભાવી વેક્સિન અને દવા નિર્માતામાંથી એક છે. તેના લીધે કેટલાય દેશોએ વેક્સિનના પુરવઠા માટે ભારતને પસંદ કર્યું છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જણાવ્યું કે ભારતમાં નિર્મિત કોવિશીલ્ડ વેક્સિનનો બે મિલિયન જથ્થો મોરોક્કોને ગયા અઠવાડિયે મોકલાયો હતો. નેપાળ અને મ્યાનમાર સહિત અડધાે ડઝન પાડોશી મુલ્કોનેે વેક્સિન સપ્લાય કરવામાં આવી.
આ પ્રકારની કોઇ પણ મહામારીથી થાય છે તે જ રીતે કેટલીક વસ્તુઓ યોગ્ય ન રહી. પ્રભાવી કોમ્યુનિકેશનની કમી રહી. લોકડાઉનને વધુ બહેતર બનાવી શકાયું હોત. પ્રવાસી શ્રમિકોનો એક મોટો પ્રવાસ ચિંતાનો વિષય હતો. શીખી શકાય તેવો મહત્ત્વનો સબક એ હતો કે ભવિષ્યમાં કોઇ પણ મહામારી સામે લડવા માટે દેશને તૈયાર કરવો. મેડિકલ કર્મચારીઓને વધુ મજબૂત કરાયા, જે જરૂરી હતું. કોવિડ રોગીઓના ઇલાજ માટે મોટા ભાગે હોસ્પિટલને પરિવર્તિત કરવામાં આવી. હવે સરકાર આરોગ્ય સેવા પર વધુ ખર્ચ કરી રહી છે. ડોક્ટર હર્ષવર્ધને કહ્યું કે અમે જે સૌથી મહત્ત્વપૂર્ણ વસ્તુ શીખી તે એ હતી કે તમારે દરેક સમયે જાગૃત રહેવું જોઇએ. સરકારે સાથે-સાથે વૈજ્ઞાનિકો અને મેડિકલ સંશોધકોને પણ સક્રિય કર્યા છે. પછીના મહિનાઓમાં લગભગ એક લાખ પરીક્ષણ કરાયાં છે.
શીખેલા સબક ભવિષ્ય માટે કામ આવશે
સામાજિક અંતર, માસ્ક જેવા નિયમોનું માત્ર શહેરીજનો નહીં, પરંતુ ગ્રામ્યજનોએ પણ પાલન કર્યું. મહામારીમાં વિજ્ઞાન અને આરોગ્યની દેખભાળ પર વિશેષ ધ્યાન કેિન્દ્રત કરવામાં આવ્યું. ત્યાં સુધી કે આ વર્ષે બજેટમાં પણ આરોગ્ય મંત્રાલય માટે વધુ ફાળવણી કરવામાં આવી, જેથી આગામી થોડા વર્ષમાં આરોગ્ય ક્ષેત્રને વધુ મજબૂત બનાવવામાં આવે.
ભારતે આમ જોવા જઇએ તો ખરાબ પ્રદર્શન કર્યું નથી. મહામારીનો પ્રકોપ શરૂ થયો તે પહેલાં ભય વ્યાપેલો હતો. શીખેલા સબક ભવિષ્ય માટે કામ આવશે. કેટલાય ડોક્ટર્સનું કહેવું છે કે આપણે આ મહામારી સાથે જીવવું પડશે. જે રીતે આપણે ઇબોલા અને અન્ય વાઇરસ સાથે જીવીએ છીએ. •