કરોડોના ખર્ચે બનેલી સરકારી હોસ્પિટલ બે વર્ષથી તૈયાર છે. પરંતુ જશ ભૂખ્યા નેતાઓને હજુ સુધી લોકાર્પણનું મુહૂર્ત નહીં મળતું હોવાના કારણે દર્દીઓએ હાડમારી ભોગવવી પડી રહી છે.
કરોડોનાં ખર્ચે બનેલી હોસ્પિટલ ધૂળ ખાઈ રહી છે
લોકાર્પણ થાય તો 305 ગામના લોકોને ઉત્તર આરોગ્ય સેવાનો લાભ મળે
હોસ્પિટલને તાળું લાગેલું હોઈ દર્દીઓને અન્યત્ર રીફર કરવા મજબૂર
ક્યારેક નેતાઓની જશ ખાંટવાની ભૂખ નાગરિકોને મોંઘી પડતી હોય છે તેનું તાજું ઉદાહરણ નર્મદા જિલ્લામાં ડેડિયાપાડામાં બનેલી સરકારી હોસ્પિટલ છે. અહી કરોડોના ખર્ચે બનેલી સરકારી હોસ્પિટલ બે વર્ષથી તૈયાર છે, પરંતુ જશ ભૂખ્યા નેતાઓને હજુ સુધી લોકાર્પણનું મુહૂર્ત નહીં મળતું હોવાના કારણે દર્દીઓએ હાડમારી ભોગવવી પડી રહી છે.
હાલ જૂની સરકારી હોસ્પિટલમાં ચાલી રહી છે કામગીરી
સરકારી હોસ્પિટલનું નવીન બિલ્ડિંગ બનીને તૈયાર
નર્મદા જિલ્લાના ડેડિયાપાડા તાલુકાનું સરકારી હોસ્પિટલનું નવીન બિલ્ડિંગ બનીને તૈયાર છે. આ ઈમારતનું કામ દર્દીઓના દર્દનું શમન કરવાનું છે. પરંતુ તેના બદલે આ તૈયાર થયેલી હોસ્પિલને હજુ તાળા લાગેલા છે. આ હોસ્પિટલના દ્વાર ગરીબ દર્દીઓ માટે હજુ ખૂલ્યા નથી કારણ કે, નેતાઓને હજુ સુધી આ હોસ્પિટલનું લોકાર્પણ કરવાનો સમય મળ્યો નથી. આ હોસ્પિટલ બે વર્ષથી તૈયાર થઈ ગઈ છે. સાધનો ધૂળ ખાઈ રહ્યા છે. દર્દીઓ ક્યારે આવશે તેની રાહ જોતા બેડ પર પણ ધૂળની ચાદરો બાજી રહી છે. પરંતુ નેતાને લોકાપર્ણનો સમય હજુ સુધી મળ્યો નથી. અને બીજ તરફ આ વિસ્તારના આદિવાસી ગરીબ દર્દીઓ હજુ એ જ જૂની પુરાણી હોસ્પિટલમાં સારવાર કરાવવા મજબૂર છે. સ્થાનિક લોકો ઇચ્છી રહ્યા છે કે, જલદી આ હોસ્પિટલનું લોકાર્પણ થાય અને ગરીબ દર્દીઓને સારવારનો લાભ મળતો થાય.
જૂની સરકારી હોસ્પિટલમાં બહાર બાંકડા પર બેઠેલા દર્દીઓ
લોકાર્પણ કરવામાં કોની રાહ જોવાઈ રહી છે
જો આ બે માળની અદ્યતન હોસ્પિટલનું લોકાર્પણ કરવામાં આવે તો, અહીં ડેડિયાપાડા આસપાસના અંદાજે 305 ગામના સાડા ત્રણ લાખ જેટલા નાગરિકોને ઉત્તમ આરોગ્ય સેવાના લાભ મળે તેમ છે. કેમ કે, આ નૂતન હોસ્પિટલમાં અંદાજીત બે કરોડના ખર્ચે અદ્યતન સાધનો પણ મુકવામાં આવ્યા છે. અહીં 100 બેડની વ્યવસ્થા છે, અદ્યતન લેબોરેટરી અને એક્સરે જેવી સુવિધા પણ છે. પરંતુ તંત્ર દ્વારા હજુ સુધી આ હોસ્પિટલનું વિધિવત લોકાર્પણ ન થતાં લોકોને તેનો ફાયદો મળી રહ્યો નથી. ડોક્ટર્સ પણ નવી હોસ્પિટલમાં ફરજ બજાવવા માટે તૈયાર છે. બસ માત્ર નેતાઓના હાથે તેનું લોકાર્પણ થાય તેની જ રાહ જોઈ રહ્યા છે.
નવીન હોસ્પિટલમાં ધૂળ ખાઈ રહેલા બેડ
દર્દીઓને રાજપીંપળા કે ઝઘડીયા રીફર કરવા મજબૂર
આમ એક તરફ અદ્યતન સુવિધાથી સજ્જ હોસ્પિટલને હજુ તાળા લાગેલા છે તો બીજી તરફ આદિવાસી દર્દીઓ એ જ જૂની હોસ્પિટલમા સારવાર લેવા મજબૂર છે. કે જ્યાં નથી પૂરતા ડોક્ટર કે નથી કોઈ કુશળ ટેકનિશિયનો. પૂરતા ડોક્ટરો અને સાધનોના અભાવે વર્ષોથી ડેડીયાપાડા તાલુકાના દર્દીઓને રાજપીપળા કે ઝઘડીયા રીફર થવાની મજબૂરી લમણે લખાયેલી છે.
નવીન હોસ્પિટલનું બિલ્ડીંગ લોકાર્પણની રાહ જોઈ રહ્યું છે
બે વર્ષથી તૈયાર નવીન હોસ્પિટલનું જલ્દી લોકાર્પણ થાય તેવા માંગ
ઘર આંગણે હોસ્પિટલ બે વર્ષથી તૈયાર ઊભી છે. પરંતુ તેમ છતાં અકસ્માતના કિસ્સામાં એક્સ રે કઢાવવા માટે દર્દીઓને અંકેલેશ્વર કે સુરત જેવા શહેરોમાં જવું પડે છે. આથી નવી સિવિલ હોસ્પિટલનું જલદી લોકાર્પણ થાય તેમજ તેમાં ખૂટતા સ્ટાફની જગ્યાઓ જલદી ભરવામાં આવે તેવી માંગ ઉઠી છે.
નર્મદા જિલ્લો આદિવાસી બહુલ વિસ્તાર છે, ગરીબ અને મધ્યમવર્ગમાંથી આવતાં આદિવાસી લોકોને મોંઘી ફી પોસાય એમ નથી. ત્યારે સરકાર દ્વારા ગરીબ વર્ગ સુધી આરોગ્ય સેવા પહોંચાડવામાં ત્વરીતતા દાખવાય તે ખૂબ જરૂરી છે.