The High Court rejected the bail plea of Debayat Khawad
BIG BREAKING /
દેવાયત ખવડે હજુ લોકઅપમાં જ રાત વિતાવવી પડશે: હાઇકોર્ટે જામીન અરજી ફગાવતા મુશ્કેલીમાં વધારો
Team VTV01:33 PM, 03 Feb 23
| Updated: 01:55 PM, 03 Feb 23
રાજકોટમાં યુવક પર હુમલો કરવા મામલે જેલમાં બંધ લોક સાહિત્યકાર દેવાયત ખવડની જામીન અરજી હાઈકોર્ટે ફગાવી દીધી છે.
લોક સાહિત્યકાર દેવાયત ખવડની મુશ્કેલીમાં વધારો
હાઇકોર્ટે દેવાયત ખવડની રેગ્યુલર જામીન અરજી ફગાવી
ચાર્જશીટ ફાઇલ થયા બાદ આરોપી કરી શકશે અરજી
મયૂરસિંહ રાણા પર હુમલાના કેસમાં સંડોવાયેલ લોકસાહિત્યકાર દેવાયત ખવડની મુશ્કેલીમાં વધારો થયો છે. હાઇકોર્ટે દેવાયત ખવડની રેગ્યુલર જામીન અરજી ફગાવી છે. ચાર્જશીટ ફાઇલ થયા બાદ આરોપી જામીન અરજી કરી શકશે. મહત્વનું છે કે, આ પહેલા લોક સાહિત્યકાર દેવાયત ખવડે રાજકોટની સેશન્સ કોર્ટમાં જામીન માટે અરજી કરી હતી. જેને કોર્ટ દ્વારા ફગાવવામાં આવતા દેવાયત ખવડે હાઇકોર્ટના દરવાજા ખખડાવ્યા હતા.
દેવાયત ખવડે 10 દિવસ બાદ પોલીસ સમક્ષ કર્યું હતું સરેન્ડર
રાજકોટમાં દેવાયત ખવડ અને તેના સાથીઓ દ્વારા 7 ડિસેમ્બર 2022ના રોજ મયૂરસિંહ રાણા નામના યુવક પર હુમલો કરાયો હતો. આ મામલે એ-ડિવિઝન પોલીસ સ્ટેશને દેવાયત ખવડ અને તેનાં સાથીદારો સામે ગુનો નોંધાયો હતો. જેમાં 10 દિવસ ફરાર રહ્યા બાદ દેવાયત ખવડે પોલીસ સમક્ષ સરેન્ડર કર્યું હતું. જે બાદ દેવાયત ખવડના બે દિવસના રિમાન્ડ મંજૂર કરાયા હતા. 19મી ડિસેમ્બરે ખવડ સહિત ત્રણેય આરોપીઓને કોર્ટમાં રજૂ કરાયા હતા. જ્યાં પોલીસે વધુ રિમાન્ડની માંગણી નહીં કરતાં ત્રણેય આરોપીઓને જેલ હવાલે કરાયા હતા.
પોલીસે કાવતરાની કલમ ઉમેરવા કોર્ટ સમક્ષ રજૂ કર્યો હતો રિપોર્ટ
જે બાદ એ ડિવિઝન પોલીસે કાવતરાની કલમ ઉમેરવા કોર્ટ સમક્ષ રિપોર્ટ રજૂ કર્યો હતો. જેમાં કાવતરું રચીને દેવાયત ખવડ અને તેના સાથીઓએ મયુરસિંહ પર હુમલો કર્યાનો ઉલ્લેખ કરાયો હતો. આ કેસની તપાસ દરમિયાન પોલીસને મયુરસિંહની ઓફિસ પાસે રેકી કર્યાના CCTV ફૂટેજ મળી આવ્યા હતા.
જાણો શું છે સમગ્ર મામલો
લૉકસાહિત્યકાર દેવાયત ખવડે તેના સાથીઓ સાથે ગત ડિસેમ્બરમાં એક યુવક પર કર્યો હતો હુમલો, પીડિતનું નામ મયુરસિંહ રાણા
સર્વેશ્વર એપાર્ટમેન્ટ નજીક હુમલો કરતાં ઘટના કેમેરામાં થઈ કેદ
પોલીસે ગુનો નોંધી તેને પકડવા તપાસ હાથ ધરી તો થયો અંડરગ્રાઉન્ડ, રાજકોટમાં ઘરમાં મારી દીધા તાળાં, વતન દૂધઈમાં પણ થઈ તપાસ પણ ત્યાં કોઈ મળ્યું નહીં
ખવડે પોલીસથી બચવા કરી નાખી હતી આગોતરા જામીન અરજી
દેવાયત ખવડ સતત પોલીસની પકડથી દૂર હોવાથી ક્ષત્રિય સમાજના આગેવાનો આગળ આવ્યા અને વિરોધ કર્યો, પોલીસ પર જ કર્યો સાંઠગાંઠનો આરોપ લગાવ્યો
પોલીસે કહ્યું હતું તેની સાથે જોડાયેલા તમામના નિવેદન લીધા, સોશ્યલ મીડિયા અને મોબાઈલ પર અમારી નજર છે, તેને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે
15 તારીખે આગોતરા જામીન અરજી પર સુનાવણી હતી પણ તે 17 સુધી ટળી
મયુરસિંહ રાણાના પરિવારે PMO સુધી ફરિયાદ કરી અને કાર્યવાહીની કરી માંગ
10 દિવસ બાદ દેવાયત ખવડે પોલીસ સમક્ષ કર્યું હતું સરેન્ડર
કોર્ટે 2 દિવસના રિમાન્ડ કર્યા હતા મંજૂર
19મી ડિસેમ્બરે ખવડ સહિત ત્રણેય આરોપીઓને કોર્ટમાં રજૂ કરાયા હતા