સત્તાલાલસુ નેતાઓની ગંભીર બેદરકારી, લોકોની નિયમો અને કાયદા બાબતે સદંતર ઉપેક્ષા તથા તંત્રના મજબૂરીના દોરડે બંધાયેલા હાથના કારણે કોરોના ફરી એક વખત વકર્યો છે.
કોરોના હજી ગયો નથી
મુઠ્ઠીભર લોકોની ભૂલની સજા ભોગવવી પડે છે આખા દેશને
વેક્સિન ભલે આવી છતાં તકેદારી જરૂરી છે
કોરોના મહામારી સામેની લડાઈને હવે એક વર્ષ પૂર્ણ થઈ ગયું છે. છેલ્લા એક વર્ષમાં આપણે સૌએ ક્યારેય કલ્પના પણ ન કરી હોય એવી સ્થિતિઓનો સામનો કર્યો છે. આગામી વર્ષો સુધી આ બધા અનુભવ આપણા મનમાં છવાયેલા જ રહેશે.
માસ્ક પહેરી રાખવાની આ આદત પડી
સતત એક વર્ષ સુધી ઘરમાં કેદ રહીને કામ કરવું, જે મોબાઈલ કે લેપટોપ પર આપણે બાળકોને બગાડવાનો આરોપ મૂકતાં હતાં તેના જ દમ પર આજે બાળકોનું શિક્ષણ સારી રીતે ચાલી રહ્યું છે. કોઈ પણ ઓનલાઈન ઓર્ડર આપતી વખતે ‘નો કોન્ટેક્ટ ડિિલવરી’નો અોપ્શન સિલેક્ટ કરવાનું આપણે ભૂલતા નથી. લોકોથી સલામત અંતર રાખવાની અને ચહેરા પર સતત માસ્ક પહેરી રાખવાની આ આદત જાણે હવે આપણી જીવનશૈલીમાં જ વણાઈ ગઈ છે.
મુઠ્ઠીભર લોકોની ભૂલની સજા આખા દેશને કેમ ભોગવવી પડે છે?
આટઆટલી કાળજી રાખવા છતાં પણ આ કાળમુખો કોરોના જવાનું નામ લેતો નથી. એક સમયે એવું લાગતું હતું કે કોરોનાની વેક્સિન આવી ગઈ છે અને રોજેરોજ સામે આવતા નવા કેસ અને એક્ટિવ કેસમાં પણ નોંધપાત્ર ઘટાડો થયો છે, આથી કોરોના મહામારીનો ખતરો હવે ટળ્યો જ સમજો પણ કેટલાક સત્તાલાલસુ નેતાઓની ગંભીર બેદરકારી, લોકોની નિયમો અને કાયદા બાબતે સદંતર ઉપેક્ષા તથા તંત્રના મજબૂરીના દોરડે બંધાયેલા હાથના કારણે કોરોના ફરી એક વખત વકર્યો છે. આ વખતે અગાઉ કરતાં પણ સ્થિતિ સ્ફોટક બને તેવાં એંધાણ સ્પષ્ટ દેખાઈ રહ્યાં છે. કોરોનાથી બચવા આપણે શું નથી કર્યું? દરેક સામાન્ય વ્યક્તિના મનમાં આ જ સવાલ ઊભો થાય છે કે આ મુઠ્ઠીભર લોકોની ભૂલની સજા આખા દેશને કેમ ભોગવવી પડે છે?
માર્ચ મહિના સુધીમાં તો થઇ ગયું હતું મોડું
આમ તો ભારતમાં કોરોનાની શરૂઆત ગયા વર્ષના જાન્યુઆરી મહિનામાં જ થઈ ગઈ હતી, જ્યારે વુહાનથી પરત ફરેલી કેરળની એક વિદ્યાર્થિની કોરોના પોઝિટિવ હોવાનું સામે આવ્યું હતું. ધીમે ધીમે કોરોનાના કેસ વધતા ગયા. છેક માર્ચ મહિનામાં આપણને તેની ગંભીરતા સમજાઈ પણ ત્યાં સુધીમાં તો ઘણું મોડું થઈ ગયું હતું.
જ્યાં સુધી જનતા કરફ્યુ અને ત્યારબાદ લોકડાઉનની જાહેરાત થઈ ત્યાં સુધીમાં દિલ્હી, તેલંગાણા અને રાજસ્થાન સહિત અનેક રાજ્યમાં કેસ સતત સામે આવવા લાગ્યા. એ દિવસો દરેક દેશવાસી માટે ખૂબ કપરા અને પડકારોથી ભરેલા હતા. આમ છતાં પણ જેમ તેમ કરીને એ દિવસો પસાર થઈ ગયા અને કોરોનાની વેક્સિનનું આગમન થયું. એ વખતે લાગ્યું કે ચાલો, હવે આ ઘાતક મહામારીનો ખતરો ટળી જશે અને આપણે ફરી નોર્મલ જિંદગી જીવતા થઈ જશું, પણ આ ફક્ત આપણો ભ્રમ જ હતો.
છેલ્લા થોડા સમયથી દેશમાં કોરોનાના નવા કેસમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો છે. ખાસ કરીને મહારાષ્ટ્ર, પંજાબ, ગુજરાત અને કેરળ જેવા રાજ્યમાં તો કોરોનાના રોજ સામે આવતા કેસની સંખ્યા ડરાવી રહી છે. જાન્યુઆરી મહિનામાં આપણે કોરોનાના એક્ટિવ કેસ પર કાબૂ મેળવી લીધો હતો, પરંતુ ફેબ્રુઆરીમાં આ ચિત્ર બદલાઈ ગયું. કોરોનાના કેસમાં આવેલો આ ભયાનક, ચિંતાજનક ઉછાળો એ વાતની સાક્ષી પૂરે છે કે અત્યાર સુધી ભારે હિંમત અને મહેનતથી લડેલી કોરોના સામેની લડાઈમાં આપણે સાવ છેલ્લા મોરચે પહોંચીને બેદરકારી દાખવી અને આજે તેનાં માઠાં પરિણામો સામે આવી રહ્યાં છે.
વેક્સિન આપણને સંક્રમણથી બચાવે છે
કોરોનાની વેક્સિન આવ્યા બાદ મોટા ભાગના લોકો એવું જ માનવા લાગ્યા હતા કે કોરોનાએ હવે વિદાય લઈ લીધી છે અને આપણે કોઈ નિયમો પાળવાની જરૂર જ નથી. એક વાત હંમેશાં યાદ રાખવી જોઈએ કે વેક્સિન આપણને સંક્રમણથી બચાવે છે, પરંતુ જ્યાં સુધી વેક્સિનેશનમાં આપણો નંબર ન આવે ત્યાં સુધી ખતરો આપણા ઉપર છે જ. કોરોનાનો કોઈ અસરકારક ઈલાજ આજે પણ વૈજ્ઞાનિકો શોધી શક્યા નથી. સંક્રમણની ઝપટમાં આવ્યા બાદ વેક્સિન પણ બચાવી શકતી નથી. કોરોનાનો ખતરો હજુ પણ છે જ અને કદાચ પહેલાં કરતાં વધુ છે. જીવલેણ મહામારી સામેની લડાઈના આ આખરી પડાવમાં જો હવે આપણે નબળા પડ્યા કે આપણે બેદરકારી દાખવી તો તેનાં પરિણામો બહુ ભયંકર આવશે તે નક્કી છે. હોળી-ધુળેટીના તહેવારો પણ સાવ નજીક છે અને આ તહેવારોમાં તકેદારી રાખવાથી જ આપણે કોરોનાથી બચી શકીશું. આ વખતની હોળીની ઉજવણીમાં ‘બૂરા ન માનો હોલી હૈ’ના બદલે આપણે સૌ ‘બુરા ન માનો દૂરી હૈ’નું સૂત્ર અપનાવીએ તો કેવું રહેશે? •