બ્રેકિંગ ન્યુઝ
VTV / ધર્મ / ગુજરાત / ગુજરાતમાં અહીં આવેલી છે હિંગળાજ માતાજીની ગુફા, જ્યાં સૂર્યકુંડનું નિર્માણ થયું હતું એક જ રાતમાં
Last Updated: 06:59 AM, 8 September 2024
વર્તમાન ગીર સોમનાથ જિલ્લાની પ્રાચીન સમયમાં પ્રભાસ ક્ષેત્ર તરીકે ઓળખાણ હતી. હાલમાં કોઈપણ પૂજા વિધિ કરાવતી વખતે ગોર મહારાજ સંકલ્પ કરાવે ત્યારે તેમાં પ્રભાસ ક્ષેત્રનું નામ અચૂક આવતું હોય છે. પ્રભાસક્ષેત્રને સોમનાથ ક્ષેત્ર પણ કહેવાય છે. આ સ્થળે ત્રિવેણી સંગમ અને ઘાટ પણ આવેલો છે. ત્રિવેણી સંગમની નજીક અતિ પ્રાચીન હિંગળાજ માતાજીની ગુફા આવેલી છે. ગીર સોમનાથ જિલ્લો પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવને કારણે વિશ્વમાં પ્રસિદ્ધ છે. સોમનાથ મહાદેવ મંદિર ઉપરાંત આ જિલ્લામાં અનેક પ્રાચીન મંદિરો અને સ્થાપત્યો આવેલા છે. સોમનાથમાં સમુદ્ર,અરણ્ય,પર્વતો અને કેટલીય નદીઓ આવેલી છે. સમગ્ર વિશ્વમાં વસતા એશિયાટિક સિંહોનું આશ્રય સ્થાન ગીરનું જંગલ અને અનેક કુદરતી સંપદાઓ સોમનાથ જિલ્લામાં આવેલા છે. ભક્તિ અને શક્તિનું વિશેષ મહત્વ ધરાવતા.સોમનાથના સમુદ્રમાં હિરણ,કપિલા અને સરસ્વતી નદી મળી ત્રિવેણી સંગમ રચે છે. સંગમમાં અસ્થિ વિસર્જન અને પિતૃ શ્રાદ્ધનું અનેરૂ મહત્વ છે.
ADVERTISEMENT
ગીરસોમનાથમાં પ્રાચીન હિંગળાજ માતાજીની ગુફા
ADVERTISEMENT
ત્રિવેણી સંગમની નજીકમાં જ માં હિંગળાજ 30 થી 40 ફૂટ ઉંડી ગુફામાં સાક્ષાત બિરાજમાન છે. માં હિંગળાજનાં દર્શન કરવા માટે ભક્તોએ નીચે બેસીને ગુફામાં ઉતરવું પડે છે. પાંડવોએ પોતાના ગુપ્ત વનવાસ દરમ્યાન હીંગળાજ માતાજીની સ્થાપના કરી હતી. હાલ મંદિરમાં માતાજીની સેવાપૂજા કરતા પૂજારીનો પરિવાર સાત પેઢીથી માતાજીની સેવાપૂજા કરે છે. ગુફામાં માતાજીના દર્શને જતા કેટલાક ભક્તોને ઓક્સિજનની કમી પણ પડે છે. થોડો શ્વાસ મૂંઝાતો હોય તેવી અનુભતી થાય છે. પણ સાચી શ્રદ્ધાથી માં હિંગળાજના દર્શને સાચા ભાવથી જનારા ભાવિકને આજદિન સુધી કોઈ સમસ્યા થઈ નથી. 40 ફૂટ જેટલી ઉંડી ગુફામાં જઈ માતાજીના દર્શન કરી ભાવિકો પ્રફુલ્લિત થઈ ચીર શાંતિનો અનુભવ કરે છે. માં હિંગળાજનું મંદિર 5 હજાર વર્ષ પૌરાણિક છે. તેવા અનેક પ્રમાણો ગ્રંથોમાં જોવા મળે છે.
મંદિરમાં સુર્યદેવ અને રાંદલમાં બિરાજમાન છે
ગુફામાં માતાજીના દર્શન કરવા ઉતરીએ ત્યારે શરૂઆતમાં થોડીવાર માટે થોડી ગભરામણનો અહેસાસ થાય છે પણ દર્શન કર્યા બાદ ભાવિકો એકદમ સ્વસ્થ થઈ જાય છે. કૃષ્ણ ભગવાનના સૂચન મુજબ પાંડવોએ સુર્યના પ્રકોપથી બચવા સુર્યનારાયણનુ પ્રથમ મંદિર અને લોકવાયકા પ્રમાણે મંદિર પરિસરમાં આવેલો સુર્યકુંડ એક જ રાતમાં નિર્માણ કરવામાં આવ્યો હતો. સુર્યનારાયણ મંદિરમાં સુર્યદેવ અને રાંદલમાં બિરાજમાન છે. સોમનાથના ત્રિવેણી ઘાટ નજીક ગુફામાં આવેલું માં હિંગળાજનું મંદિર દિવ્યતાની અનુભૂતિ કરાવનારું છે. પૂરતી આસ્થા અને શ્રદ્ધા સાથે માના દર્શને આવેલી વ્યક્તિ મંદિરેથી નિરાશ વદને ક્યારેય પાછી જતી નથી. માં હિંગળાજ તેના ભક્તો પર અસીમ કૃપા વરસાવે છે. મંદિરનો ઈતિહાસ જોઈએ તો મહાભારતનું યુદ્ધ પૂર્ણ થયા બાદ યાદવોમાં આંતરિક યાદવાસ્થળી થઈ અને તેઓ અકાળ મૃત્યુને ભેટ્યા. ભગવાન શ્રીકૃષ્ણ પણ આ ઘટનાને લઈને વિચલિત થયા હતા.થોડા સમય બાદ ભગવાન શ્રીકૃષ્ણ એ સ્વધામ ગમન કર્યું. પાંડવો અહીંથી પસાર થયા ત્યારે તેઓએ અકાળે અવસાન પામેલા યાદવો અને ભગવાન શ્રીકૃષ્ણનાં મોક્ષાર્થે ત્રિવેણી ખાતે શ્રાદ્ધ ક્રિયા કરી અને તર્પણ કર્યું. ત્યાર બાદ વનવાસ દરમ્યાન જે ગુફામાં વસેલા તે ગુફામાં પાંડવોએ પોતાના કુળદેવી હિંગળાજ માતાની પ્રતિષ્ઠા કરી અને પૂજન કર્યું હતું. ત્યારથી માતાજી બિરાજમાન છે.
આ પણ વાંચો: સણસોલી ગામે બિરાજે છે હનુમાનજી, વિશ્રામની મુદ્રામાં મૂર્તિ વાળું એક માત્ર મંદિર, ઈતિહાસ 5000 વર્ષ જૂનો
માતાજીની નિયમિત પણે પૂજા આરતી કરવામાં આવે છે
ભક્તોને દર્શન આપી મનોકામના પૂર્ણ કરતા હિંગળાજ માતાના દર્શને ગુફામાં જવું કઠિન છે. પણ જો શ્રદ્ધા આસ્થા સાથે દર્શન કરવા જાવ તો અશક્ય નથી. ગુફામાં માતાજીની મંજૂરી બાદ એક હેક્ઝોસ ફેન લગાવેલો છે. રાજ્ય અને રાજ્ય બહારથી ભાવિકો પોતાની શ્રદ્ધા આસ્થા સાથે માતાજીના મંદિરે આવી શાંતિ અને ધન્યતા અનુભવે છે. હીંગળાજ માતાજીનુ એક મંદિર બલુચિસ્તાનમાં પણ છે. ભાવિકો અહીંના મંદિરે માતાજીના દર્શન કરીને દૂર બલુચિસ્તાનમાં બિરાજમાન માતાજીના દર્શન કર્યાની લાગણીનો અહેસાસ કરે છે. માતાજીની નિયમિત પણે પૂજા આરતી કરવામાં આવે છે. માતાજીના દર્શને ગુફામાં જવા આવવા માટે માટે એકજ સીડી વાળો રસ્તો છે. જ્યારે પણ માતાજીને ચિઠ્ઠી નાખીને બીજો રસ્તો બનાવવાની પરવાનગી માંગવામાં આવી ત્યારે માતાજી તરફથી ના જ આવી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.