The blast took place while checking wedding gifts in Navsari
નવસારી /
લગ્નમાં ભેટમાં મળેલ રમકડામાં થયો બ્લાસ્ટ, વરરાજા અને 3 વર્ષના બાળકને ગંભીર ઇજાઓ, સાળીના પૂર્વ પ્રેમીનું કનેક્શન ખૂલ્યું
Team VTV06:22 PM, 17 May 22
| Updated: 06:45 PM, 17 May 22
મીંઢાબારી ગામે લગ્ન દરમિયાન મળેલ ભેટની ચકાસણી કરતી વેળાએ બ્લાસ્ટ થતાં વરરાજા સહિત બે ઇજાગ્રસ્ત થયા હતા.
નવસારીના વાંસદાના મીંઢાબારી ગામની ઘટના
ભેટમાં મળેલ રમકડાને ચાર્જ કરતા થયો બ્લાસ્ટ
વરરાજા, બાળક સહિત બે ઘવાયા
નવસારી જિલ્લાના વાંસદાના મીંઢાબારી ગામે લગ્નનો આનંદ ઉપાધિમાં ફેરવાયો હોવાની વિચિત્ર ઘટના પ્રકાસમાં આવી હતી. લગ્ન પ્રસંગમાં મળેલ ગિફ્ટના રમકડાંને તપાસતી વેળાએ એકાએક રમકડાંમાંથી બ્લાસ્ટ થયો હતો. આ ઘટનામાં વરરાજા અને એક બાળક સહિત બે વ્યક્તીઓને ગંભીર ઇજા થવા પામી હોવાનું સામે આવ્યું છે. જેથી ઇજાગ્રસ્તોને તત્કાલીક સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.
વરરાજા લતેશ ગાવીતને હાથ, માથા અને મોઢા પર ઇજા
મીંઢાબારી ગામે ગાવીત પરિવારના આંગણે શુભ લગ્નનો મંગલ પ્રસંગ હતો. લતેશ ગાવીત નામના યુવાનના લગ્ન દરમિયાન ચાર્જ વાળા રમકડાં ભેટ આપવામાં આવી હતી. જેને તપાસવા માટે ગિફ્ટનું પેકેટ ખોલી ચાર્જમાં લગાવતાની સાથે જ જોરદાર ધડાકો થયો હતો. આ બ્લાસ્ટમાં 28 વર્ષીય વરરાજા લતેશ ગાવીતને ગંભીર ઇજાઓ પહોંચી હતી. વરરાજા લતેશને હાથ, માથા અને મોઢાના ભાગે તથા બંને આંખોમાં ગંભીર ઇજા થવા પામી હતી. આ ઉપરાંત 3 વર્ષિય બાળકને પણ માથાના ભાગે ફ્રેક્ચર થયું હતું. જેને પગલે ક્ષણિક દોડધામ મચી જવા પામી હતી. ત્યારબાદ બંનેને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.
વરરાજાની સાળીના પૂર્વ પ્રેમીએ આપેલ ગિફ્ટમાં થયો બ્લાસ્ટ
અત્રે નોંધનિય છે કે વરરાજા ગાવીતની સાળીના પૂર્વ પ્રેમી કંબોયા રાજુ પટેલે આ રમકડાની ભેટ આપી હોવાનું સામે આવ્યું છે. પ્રેમી અગાઉ કન્યાના પક્ષની મોટી દિકરી સાથે લીવ ઇનમાં રહેતા હોય જેને આ ગિફ્ટ આપી હોવાનું બહાર આવ્યું છે. જેને લઈને પરિવારે આ મામલે વાંસદા પોલીસમાં ફરિયાદ કરવાની તજવીજ હાથ ધરી હોવાનું પણ સામે આવ્યું છે. અત્રે નોંધનિય છે કે આ પ્રકારની ઘટના અગાઉ ઓડિશાના બોલનગીર જિલ્લામાં સામે આવી હતી જેમાં અજાણ્યા વ્યક્તિએ લગ્નની ભેટમાં મળેલ ગિફ્ટમાંથી બ્લાસ્ટ થતાં પતિનું મોત થયું હતું. જ્યારે વરરાજાના દાદીમાનું પણ મોત નીપજ્યું હતું. તથા પત્નીને પણ ગંભીર ઇજા થઈ હતી.