The atmosphere of the country is getting spoiled by hate speeches, it needs to be stopped Supreme Court
ટકોર /
હેટ સ્પીચ પર સુપ્રીમ કોર્ટની ટિપ્પણી, કહ્યું 'નફરતભર્યા ભાષણોથી દેશનો માહોલ બગડે છે, તેને રોકવાની જરૂર'
Team VTV08:55 AM, 11 Oct 22
| Updated: 08:56 AM, 11 Oct 22
સુપ્રીમ કોર્ટમાં અરજદાર હરપ્રીત મનસુખાનીએ નફરતભર્યા ભાષણનો મુદ્દો ઉઠાવ્યો. સુપ્રીમ કોર્ટે અરજદારને પસંદગીની ઘટનાઓ પર ધ્યાન કેન્દ્રિત કરીને વધારાનું સોગંદનામું દાખલ કરવા માટે સમય આપ્યો છે.
નફરતભર્યા ભાષણોને કારણે બગડી રહ્યું છે દેશનું વાતાવરણઃ અરજદાર
અરજદારને સોગંદનામું દાખલ કરવા માટે આપ્યો સમય
સુપ્રીમ કોર્ટે નફરતભર્યા ભાષણનો મુદ્દો ઉઠાવતા અરજદારને કહ્યું કે, તેઓ તપાસ દરમિયાન લેવામાં આવેલા પગલાં સહિત તમામ ચોક્કસ ઘટનાઓની વિગતો આપે. સુપ્રીમ કોર્ટે કહ્યું, “કદાચ તમારું આ કહેવું સાચું છે કે નફરતભર્યા ભાષણો (Hate Speech)ને કારણે દેશનું વાતાવરણ બગડી રહ્યું છે અને તમારી પાસે એ કહેવા માટે યોગ્ય આધાર છે કે તેના પર અંકુશ લગાવવાની જરૂર છે.” જોકે, ચીફ જસ્ટિસ યુયુ લલિત અને જસ્ટિસ એસઆર ભટની ખંડપીઠે અરજી પર સુનાવણી દરમિયાન કહ્યું કે, કોઈ મામલાની સંજ્ઞાન લેવા માટે એક હકીકતલક્ષી આધાર હોવો જોઈએ.
સુપ્રીમ કોર્ટ દ્વારા નિર્દેશો આપવા જરૂરીઃ અરજદાર
કોર્ટે કહ્યું કે, અરજદાર એક કે બે કેસ પર ફોકસ કરી શકે છે. ખંડપીઠે કહ્યું કે, ‘આ ખૂબ જ મનસ્વી અરજી છે. તેમાં 58 ઘટનાઓનો ઉલ્લેખ છે, જેમાં કોઈએ નફરતભર્યા ભાષણો આપ્યા હતા.' કોર્ટે કહ્યું કે, તેમને માલુમ નથી કે ગુનાની વિગતો શું છે, તેની સ્થિતિ શું છે. આમાં કોણ કોણ સામેલ છે અને કોઈ ફોજદારી કેસ નોંધવામાં આવ્યો છે કે નહીં. અરજદારે કહ્યું કે, આ પ્રકારની ઘટનાઓને રોકવામાં હવે ઘણું મોડું થઈ ગયું છે. જો કે, સુપ્રીમ કોર્ટ દ્વારા નિર્દેશો આપવા જરૂરી છે. કારણ કે દરેક વખતે ક્યાંકને ક્યાંક અભદ્ર ટિપ્પણી કરવામાં આવે છે.
કોર્ટે માંગી ઘટનાની વિગતો
અરજદાર હરપ્રીત મનસુખાનીએ કહ્યું કે, અભદ્ર નિવેદનો કમાનમાંથી નીકળતા તીર જેવા હોય છે, જેને ક્યારેય પાછા ખેંચી શકાતા નથી. ખંડપીઠે કેટલાક તાત્કાલિક ઉદાહરણની માંગ કરતા કહ્યું કે, આ કિસ્સામાં જ્યાં સુધી કોઈ ઘટનાની વિગતો આપવામાં ન આવે ત્યાં સુધી કોર્ટ સંજ્ઞાન લઈ શકે નહીં. કારણ કે કેસની સંજ્ઞાન લેવા માટે હકીકતલક્ષી આધાર હોવો જરૂરી છે. ખંડપીઠે અરજદાર હરપ્રીત મનસુખાનીને પસંદગીની ઘટનાઓ પર ધ્યાન કેન્દ્રિત કરીને એક વધારાનું સોગંદનામું દાખલ કરવા માટે સમય આપ્યો.
આગામી સુનાવણી 1 નવેમ્બરે કરાશે
ખંડપીઠે કહ્યું કે, આ સોગંદનામામાં કયા ગુનાને લઈને સવાલો પૂછવામાં આવ્યા છે, તેની વિગતો આપવાની સાથે તપાસ દરમિયાન કોઈ પગલું ભર્યું હોય તો તેના વિશે પણ જણાવો. કોર્ટે આ મામલે એફિડેવિટ દાખલ કરવા માટે 31 ઓક્ટોબર સુધીનો સમય આપ્યો છે. આ મામલાની આગામી સુનાવણી 1 નવેમ્બરે થશે. અરજદારે લઘુમતી સમુદાયને ટારગેટ કરવા માટે આપવામાં આવેલા નફરતભર્યા ભાષણનો મુદ્દો ઉઠાવ્યો હતો અને આરોપ લગાવ્યો હતો કે આ દિવસોમાં આવા ભાષણો “નફો કમાવવાનો વ્યવસાય” બની ગયા છે.