બ્રેકિંગ ન્યુઝ
VTV / ધર્મ / ગુજરાત / અન્ય જિલ્લા / ગુજરાત અહીં વડીલને સ્વપ્નમાં મહાદેવજીએ બતાવી શિવલિંગની જગ્યા, નંદીની પાછળનો પથ્થર છે ચમત્કારિક
Last Updated: 06:30 AM, 23 July 2024
દરેક દેવી-દેવતાઓનું અનોખુ મહત્વ હોય છે. દરેક મંદિરો અલગ અલગ દંતકથાઓથી પ્રચલિત હોય છે. વલસાડ જીલ્લામાં વાપીના છેવાડે નામધા ગામે દમણગંગા નદી કિનારે સ્મશાન ભૂમિની બાજુમાં ગુપ્તેશ્વર મહાદેવનું મંદિર આવેલુ છે. મહાદેવના મંદિરે ભાવિકોની મનોકામના પૂર્ણ થશે કે નહીં તેનું પ્રમાણ અગાઉથી મળી જતું હોવાની માન્યતા છે.
ADVERTISEMENT
તમામની મનોકામના પૂર્ણ થતી હોવાની માન્યતા
ADVERTISEMENT
વલસાડ જિલ્લામાં વાપીના છેવાડે આવેલું નામધા ગામ. વલસાડ જિલ્લાની જીવાદોરી સમાન દમણ ગંગા નદી કિનારે આવેલું નામધા ગામ ખૂબ જાણીતું છે. ગામના છેવાડે દમણ ગંગા નદી કિનારે સ્મશાન ભૂમિની બાજુમાં વર્ષો જૂનું ગુપ્તેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે. ગુપ્તેશ્વર મહાદેવ સમગ્ર વલસાડ, સંઘપ્રદેશ, દમણ અને દાદરા નગર હવેલીમાં ખૂબ જ જાણીતું છે. દૂર દૂરથી અહીંયા ભક્તો દર્શન કરવા આવે છે. અને તમામની મનોકામના પૂર્ણ થતી હોવાની માન્યતા છે.
રોચક દંતકથા
મંદિરની સ્થાપના પાછળ રોચક દંતકથા સંકળાયેલી છે. વર્ષો પહેલા ગામના એક વડીલને અવારનવાર સ્વપ્નમાં સ્વયં મહાદેવજી આવતા અને તેમનું શિવલિંગ દમણ ગંગા નદીના પટમાં દટાયેલું છે તેને કાઢીને વિધિવત રીતે સ્થાપના કરવાનું કહેતા. થોડા સમય સુધી વડીલે સ્વપ્નને નહીં ગણકારતા સ્વપ્નની તીવ્રતા વધતી ગઈ અને આખરે એ વડીલ ગામના લોકોને સાથે લઈ દમણગંગા નદી કિનારે શોધખોળ કરતા, પટમાં દટાયેલું શિવલિંગ મળી આવ્યું હતું. શિવલિંગની વિધીવત સ્થાપના કરી ગુપ્તેશ્વર મહાદેવ નામ આપવામાં આવ્યુ હતુ.
ગુપ્તેશ્વર મહાદેવ શ્રદ્ધા અને આસ્થાનું પ્રતિક
75 વર્ષ પહેલા જયારે દમણ ગંગા નદીથી શિવલિંગને ગામ તરફ લાવી રહ્યા હતા ત્યારે જ એક જગ્યાએ દિવ્ય સંકેત મળ્યો અને જે જગ્યા પર દિવ્ય સંકેત મળ્યો તે જગ્યા પર જ ભગવાન ભોળાનાથને બિરાજમાન કરી શ્રદ્ધાપૂર્વક તેમની પધરામણી કરી સ્થાપના કરવામાં આવી હતી. સ્વયંભૂ પ્રગટ થયેલા શિવલિંગના ગુપ્તેશ્વર મહાદેવ નો મહિમા અનેરો છે. ગામના લોકોની ગુપ્તેશ્વર મહાદેવ પ્રત્યે અતુટ શ્રદ્ધા છે. વર્ષો જૂના ગુપ્તેશ્વર મહાદેવ મંદિરનો મહિમા અનેરો છે. વાપી ઔદ્યોગિક નગરી છે જ્યાં દેશના અનેક રાજ્યોથી લોકો અહીંયા આવીને વસ્યા છે. ત્યારે માત્ર સ્થાનિકો જ નહીં પરંતુ બહારના રાજ્યોમાંથી આવી અને વાપીમાં વસતા અસંખ્ય પરપ્રાંતિય પરિવાર માટે પણ ગુપ્તેશ્વર મહાદેવ શ્રદ્ધા અને આસ્થાનું પ્રતિક મનાય છે.
ધાર્મિક કાર્યક્રમનું આયોજન થાય છે
ગુપ્તેશ્વર મહાદેવના દર્શન કરવા આસપાસના વિસ્તારમાંથી શ્રદ્ધાળુઓ ઉમટે છે. મંદિરે સવાર સાંજ આરતી, વારે તહેવારે ભજન કીર્તન અને અન્ય ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. જેમાં સ્થાનિક લોકોની સાથે આસપાસના વિસ્તારના લોકો હાજરી આપી મહાદેવજીના દર્શન કરી ધન્ય થાય છે. મંદિરમાં લઘુરુદ્રા, શિવઅભિષેક, રૂદ્રાઅભિષેક, મહામૃત્યુંજપ જેવી પૂજાઓ કરવામાં આવે છે . નામાધા ગામના લોકો કોઈ પ્રસંગ કે શુભ કાર્ય કરતાં પહેલાં અચૂક ગુપ્તેશ્વર મહાદેવના દર્શન કરી તેમના આશીર્વાદ મેળવે છે. ગુપ્તેશ્વર મહાદેવની કૃપાથી નામધા ગામ સુખ અને શાંતિથી સમૃધ્ધ છે. ગામના લોકોને મહાદેવજી પર અતૂટ શ્રદ્ધા છે. ગામની કોઈપણ સામૂહિક સમસ્યા કે સામૂહિક પ્રશ્નનો મહાદેવજીની કૃપાથી હલ થયો હોવાની લોકમાન્યતા છે.
પથ્થર ઉંચકતા હલકો લાગે તો મનોકામના પૂર્ણ થાય
ગુપ્તેશ્વર મહાદેવનો મહિમા ગાતા શિવ ભક્તો થાકતા નથી. ગુપ્તેશ્વર મહાદેવના દર્શન કરવાથી તમામ મનોકામના પૂર્ણ થતી હોવાની માન્યતા છે. એટલું જ નહીં પરંતુ ભોળાનાથના દર્શન કરી માનેલી માન્યતા પૂર્ણ થશે કે નહિ, તેનું પ્રમાણ અગાઉથી જ મળી જતું હોવાની પણ માન્યતા છે. મંદિરમાં ભગવાન ભોળાનાથના શિવલિંગ સામે નંદીની પાછળ સામાન્ય દેખાતો પથ્થર સ્થાપેલો છે . દેખાવે સામાન્ય લાગતો પથ્થર અત્યંત ચમત્કારીક હોવાનું લોકો માને છે. લોકોની માન્યતા છે કે જે પણ શ્રદ્ધાળુઓ ગુપ્તેશ્વર મહાદેવના શરણે આવી દર્શન કરી મંદિરમાં રાખેલા પથ્થરને ઊંચકી સાચા ભાવથી ભગવાન ભોળાનાથનું સ્મરણ કરી મનોકામના માગે છે તે પૂર્ણ થાય છે. જો મનોકામના પૂર્ણ થવાની હોય તો પથ્થર એકદમ હલકા ફુલની જેમ ઊંચકાઈ જાય છે. અને જો મનોકામના પૂર્ણ ન થવાની હોય તો પથ્થર વજનદાર લાગતો હોવાની લોકમાન્યતા છે.
શ્રાવણ મહિનામાં રોજ મેળા જેવો માહોલ સર્જાય
ભગવાન શિવને દેવો ના દેવ માનવામાં આવે છે. ભક્તો પર અસીમ કૃપા કરતા ભગવાન ભોળાનાથ ભક્તોની પ્રાર્થના અને તેમના સ્મરણને સાંભળીને જલ્દી પ્રસન્ન થઈ જતા હોય છે એટલે જ મહાદેવને ભોળાનાથ કહેવાય છે. ઘણા ભાવિકોને મંદિરમાં નંદીની પાછળ રહેલો ચમત્કારિક પથ્થરને ઊંચકી પોતાની મનોકામના પૂર્ણ થઈ હોવાનો અતૂટ વિશ્વાસ છે. ગુપ્તેશ્વર મહાદેવનો મહિમા વાપી અને વલસાડ જિલ્લા ઉપરાંત સંઘપ્રદેશ દમણ અને દાદરા નગર હવેલી સુધી પ્રસરેલો છે. શ્રાવણ મહિનામાં રોજ મેળા જેવો માહોલ સર્જાય છે. જ્યારે સોમવારના દિવસે મંદિર પરિસર શિવભક્તોથી ઉભરાય છે. લોકોની શ્રદ્ધા અને આસ્થાનું કેન્દ્ર એવા ગુપ્તેશ્વર મહાદેવની નામધા ગામ પર અસીમ કૃપા હોવાથી ગામ લોકો મંદિરમાં ધાર્મિક કાર્યક્રમોની સાથે સાથે સામાજિક અને સેવાકીય કાર્યો પણ કરે છે. મંદિર પરિસરમાં જ સેવાકીય કામો માટે સુવિધાઓ અને હોલ બનાવવામાં આવ્યા છે. કોઈપણ જાતના ભેદભાવ વિના ગામના તમામ લોકોને મંદિર પરિસરમાં સેવાનો લાભ મળે છે.
આ પણ વાંચો: VIDEO: 2 મહિનામાં જ ભ્રષ્ટાચારનો બ્રિજ એક તરફ બેસી ગયો, સોમનાથ-ભાવનગર હાઇવે પર કાચું કામ
ગુપ્તેશ્વર મહાદેવનો મહિમા અનેરો
દરેક મંદિરો અને ધાર્મિક સ્થળો પાછળ લોકવાયકા અને પૌરાણિક માન્યતાઓ જોડાયેલી હોય છે. જ્યારે કેટલાક જૂના મંદિરોમાં લોકોની શ્રદ્ધા અને આસ્થાથી ક્યારેક ચમત્કારરૂપે મંદિરોની સ્થાપના થઈ હોય અને દેવી દેવતાઓની પૂજા થતી હોય ત્યારબાદ અસંખ્ય શ્રદ્ધાળુઓ માટે મંદિરો આસ્થાનું કેન્દ્ર બને છે. ત્યારે વાપીના નામધામાં દમણગંગા નદી કિનારે આવેલા ગુપ્તેશ્વર મહાદેવનો મહિમા અનેરો છે. ભગવાન ભોળાનાથ હર હંમેશ તેમના ભાવિક ભક્તો પર પ્રસન્ન રહી દરેકની મનોકામના પૂર્ણ કરે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સૂર્યગ્રહણ 2025 / માર્ચમાં આ દિવસે વર્ષનું પહેલું સૂર્યગ્રહણ, જાણો ભારતમાં દેખાશે કે નહીં?
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.