Team VTV08:03 AM, 01 Jun 22
| Updated: 08:09 AM, 01 Jun 22
રાજસ્થાનના ચિત્તોગઢમાં રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘના સંયોજકની હત્યા થયા બાદ તણાવ વ્યાપ્યો છે જેને પગલે સત્તાવાળાઓ દ્વારા શહેરમાં કલમ 144 લાગુ પાડી દેવામાં આવી છે.
રાજસ્થાનના ચિત્તોગઢમાં તંગદિલિ
આરએસએસના સંયોજકની હત્યા
શહેરમાં લાગુ પડાઈ કલમ 144
રાજસ્થાનમાં એક પછી એક શહેરોમાં તંગદિલી વ્યાપી રહી છે. હજુ તો જોધપુર, નાગૌર અને બીજા શહેરોમાં બનેલી ઘટનાની શાહી સુકાઈ નથી ત્યાં તો વળી પાછું ચિત્તોગઢ શહેરમાં તંગદિલીનો માહોલ છવાયો છે. ચિત્તોડગઢમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સંયોજક રત્ના સોનીની હત્યા થતા તણાવ વ્યાપ્યો છે. મૃતક એક સામાજિક કાર્યક્રમમાં હાજરી આપીને પરત ફરી રહ્યો હતો ત્યારે ઝઘડો થતાં અન્ય સમાજના ત્રણથી ચાર યુવકોએ તેના પર હુમલો કર્યો હતો. આ પછી રત્ના સોનીનું અવસાન થયું હતું. આ પછી, હિન્દુ બાજુના હજારો લોકોએ શહેરના મુખ્ય ચોક પર રાતોરાત પ્રદર્શન કર્યું હતું અને આરોપીઓની ધરપકડ કરવાની માંગ કરી હતી.
આરએસએસ સંયોજક રત્ના સોની પર ચાર યુવાનોએ કર્યો હુમલો
ચિત્તોડગઢના કાચી બસ્તી વિસ્તારમાં કેટલાક યુવકોએ રત્ના સોની પર ઝઘડાને લઈને હુમલો કર્યો હતો. આમાં રત્ના સોનીને ઈજા થઈ હતી. ત્યારબાદ તેમને ઉદયપુર હોસ્પિટલ લઈ જતા રસ્તામાં જ તેમનું મોત થયું હતું. રત્નાના મોતના સમાચાર મળતા જ હિન્દુ સંગઠનોમાં રોષ જોવા મળ્યો હતો. આ પછી, આરોપીઓની ધરપકડની માંગ સાથે આખી રાત શહેરના સુભાષ ચોક ખાતે હજારો લોકોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું.
પોલીસ એલર્ટ પર, કલમ 144 લાગુ
હિન્દુ સંગઠનોના વિરોધને ધ્યાનમાં રાખીને પોલીસે આરોપીના પરિજનોની અટકાયત કરી છે. આ ઘટના બાદ પોલીસ સતર્ક થઈ ગઈ હતી. ત્યાર બાદ શહેરમાં મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.એકઠા થયેલા લોકોએ આરોપીઓની ધરપકડની માંગ સાથે હંગામો મચાવ્યો હતો. પોલીસની સમજાવટ છતા પણ મામલો શાંત પડ્યો નહોતો હતો આથી પોલીસે શહેરમાં કલમ 144 લાગુ પાડી હતી. પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. આ ઉપરાંત પોલીસ પણ આરોપીઓની શોધમાં લાગી ગઇ છે. જણાવવામાં આવી રહ્યું છે કે રત્ના સોનીનું મોત માથામાં ઈજાના કારણે થયું હતું.