બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 08:38 AM, 14 December 2024
Allu Arjun Stampade Case: તેલંગાણા હાઈકોર્ટે પુષ્પા-2ના પ્રીમિયર દરમિયાન મહિલાના મોતના કેસમાં અભિનેતા અલ્લુ અર્જુનને જામીન આપ્યા છે. અગાઉ હૈદરાબાદ કોર્ટે તેને 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દીધો હતો. જો કે, આજે (14 ડિસેમ્બર) અભિનેતા જેલમાંથી છૂંટી ગયો હતો. હવે અભિનેતા જેલમાંથી બહાર આવી ગયો છે ત્યારે તેની ધરપકડને લઈને અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. જાણો કેમ અભિનેતાની ધરપકડ અંગે સવાલો ઉભા થઈ રહ્યા છે.
ADVERTISEMENT
હાઈકોર્ટે અભિનેતાને વચગાળાના જામીન આપ્યા
નોંધનીય છે કે, અલ્લુ અર્જુનની શુક્રવારે (13 ડિસેમ્બર) બપોરે 12 વાગ્યે ધરપકડ કરવામાં આવી હતી. આ પછી, 4 વાગ્યે તેને સ્થાનિક કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો, જ્યાં તેને ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યો હતો. આ પછી અભિનેતાએ હાઈકોર્ટમાં અપીલ કરી હતી. હાઈકોર્ટે 5 વાગ્યે 4 અઠવાડિયા માટે અભિનેતાને વચગાળાના જામીન આપ્યા છે.
ADVERTISEMENT
'ફ્લાવર નહીં ફાયર હૈ'
આ કેસમાં પોલીસે જે રીતે અલ્લુ અર્જુનની તેના ઘરેથી ધરપકડ કરી તેના પર વાંધો ઉઠાવીને અભિનેતાએ ઘણા પ્રશ્નો ઉભા કર્યા હતા. તો અલ્લુ અર્જુન પણ ધરપકડની રીતથી ખુશ દેખાતો નહોતો. આને લગતો એક વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં અલ્લુ અર્જુન લિફ્ટમાં જતો જોવા મળે છે, જ્યાં પહેલા અલ્લુએ સાદી ટી-શર્ટ પહેરી હતી, બાદમાં તે હૂડી પહેરીને બહાર આવ્યો હતો. જેના પર લખ્યું હતું - 'ફ્લાવર નહીં ફાયર હૈ'.
શું પોલીસે ધરપકડ ઉતાવળ કરી?
એક વિડિયોમાં, અભિનેતા ઘરથી નીચે પાર્કિંગમાં આવે છે, જ્યાં તેના સહાયક તેને ચા-પાણી આપે છે. વીડિયોમાં અલ્લુ અર્જુન ચા પીતો જોવા મળી રહ્યો છે. આ દરમિયાન તેની પત્ની સ્નેહા રેડ્ડી જોવા મળે છે. અલ્લુ તેની પત્નીને સમજાવે છે. આ પછી પોલીસ તેમને પોતાની સાથે લઈ જાય છે. હવે ચાહકો એ જાણવા માંગે છે કે પોલીસે અલ્લુ અર્જુન સાથે આવું વર્તન કેમ કર્યું? અલ્લુ અર્જુનને નાસ્તો ન કરવા દેવાના દાવામાં સત્ય શું છે? શું પોલીસે અલ્લુ અર્જુનની ધરપકડ કરવામાં વધુ પડતી ઉતાવળ દાખવી હતી?
પુષ્પા-2ને વધુ હાઇપ આપવાનો સ્ટંટ
કેટલાક લોકો એવી દલીલ પણ કરી રહ્યા છે કે શું આ પુષ્પા-2ને વધુ હાઇપ આપવાનો સ્ટંટ છે, જેણે કમાણીના રેકોર્ડ તોડી નાખ્યા છે? તે જ સમયે, ઘણા લોકો એવું પણ કહી રહ્યા છે કે આની પાછળ કોઈ ષડયંત્ર છે. વિપક્ષે તો એમ પણ કહ્યું કે એકવાર અલ્લુ અર્જુને સ્ટેજ પરથી સીએમ રેવન્ત રેડ્ડીને રજૂ કરતી વખતે સન્માનજનક શબ્દોનો ઉપયોગ કર્યો ન હતો, તેથી આ એક ષડયંત્રના ભાગરૂપે કરવામાં આવ્યું હતું. જોકે, તેલંગાણાના સીએમએ આ આરોપોને ફગાવી દીધા હતા અને કહ્યું હતું કે, 'અલ્લુ અર્જુન સાથે પારિવારિક સંબંધો છે અને આ આરોપો પાયાવિહોણા છે.'
જામીન આપતા હાઈકોર્ટે શું કહ્યું?
નોંધનીય છે કે, અલ્લુ અર્જુન વિરુદ્ધ બીએનએસની બિનજામીનપાત્ર કલમ 105, 118 (1) હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો, પરંતુ તેલંગાણા હાઈકોર્ટે અલ્લુ અર્જુનને જામીન આપતાં કહ્યું હતું કે 'પ્રાથમિક દૃષ્ટિએ એવું લાગતું નથી કે અભિનેતા કથિત ગુનામાં સામેલ છે. અલ્લુ અર્જુનને અભિનેતા કહીને તેના અધિકારોથી વંચિત ન રાખી શકાય, તેને પણ આ દેશના નાગરિક તરીકે જીવન અને સ્વતંત્રતાનો અધિકાર છે. અમારા વિચારો પીડિતાના પરિવાર સાથે છે પરંતુ શું આ કેસમાં આરોપીઓને દોષી ઠેરવી શકાય? અલ્લુ અર્જુનની ધરપકડ એ સવાલ પણ ઊભો કરે છે કે શું આવા અકસ્માતની જવાબદારી અભિનેતા પર નાખી શકાય?' અલ્લુ પર આરોપ છે કે તે 4 ડિસેમ્બરે હૈદરાબાદના સંધ્યા થિયેટરમાં તેને જાણ કર્યા વગર પહોંચ્યો હતો. જેના કારણે ત્યાં ભીડ એકઠી થઈ ગઈ અને નાસભાગ મચી ગઈ. ઘણા લોકો ઘાયલ થયા હતા. પરંતુ હાઈકોર્ટે અલ્લુ અર્જુનને વચગાળાના જામીન આપ્યા હતા.
હૈદરાબાદમાં ભીડ જોવા મળી હતી
અલ્લુ અર્જુનની ફિલ્મ પુષ્પા-2 સિનેમાઘરોમાં ધૂમ મચાવી રહી છે. અલ્લુ અર્જુન માટે ચાહકો કેટલા ક્રેઝી છે તેનો અંદાજ પટનામાં ફિલ્મના ટ્રેલર લૉન્ચ વખતે ભેગી થયેલી ભીડ પરથી લગાવી શકાય છે. દેશે કદાચ ક્યારેય કોઈ દક્ષિણ ભારતીય સ્ટાર માટે પટનામાં આટલી મોટી ભીડ જોઈ નથી. આવી જ ભીડ હૈદરાબાદમાં જોવા મળી હતી. પોતાના ચાહકોની આ દિવાનગી જોઈને અલ્લુ અર્જુન પોતાની જાતને રોકી ન શક્યો અને અડધી રાત્રે હૈદરાબાદના થિયેટરની બહાર પોતાના ચાહકોને મળવા પહોંચી ગયો.
ભીડને કાબૂમાં લેવા પોલીસે હળવો લાઠીચાર્જ કર્યો
અલ્લુ અર્જુનને સામે જોઈને ચાહકોનો ઉત્સાહ વધી ગયો હતો. તારીખ 4 ડિસેમ્બર2024 હતી જ્યારે મોટી સંખ્યામાં ચાહકોએ તેમની સાથે થિયેટરમાં પ્રવેશવાનો પ્રયાસ કર્યો. જેના કારણે થિયેટરમાં ભારે ભીડ એકઠી થઈ ગઈ અને ત્યારબાદ લોકોને શ્વાસ લેવામાં તકલીફ થવા લાગી. ભીડને કાબૂમાં લેવા પોલીસે હળવો લાઠીચાર્જ કર્યો હતો. ભીડ શમી ગયા બાદ શ્વાસ રૂંધાવાને કારણે બેભાન થઈ ગયેલા લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પરંતુ આ દરમિયાન એક મહિલાનું હોસ્પિટલમાં મોત થયું હતું અને ઈજાગ્રસ્તોમાં રેવતીનો 9 વર્ષનો પુત્ર શ્રીતેજ પણ સામેલ હતો.
પોલીસ FIRમાં આ આક્ષેપો કર્યા હતા
આ પછી પોલીસ દ્વારા નોંધવામાં આવેલી એફઆઈઆરમાં લખવામાં આવ્યું હતું કે પ્રશાસનને અલ્લુ અર્જુનના આગમનની જાણ નહોતી. અલ્લુના અંગત સુરક્ષાકર્મીઓએ લોકોને ધક્કો માર્યો હતો. ભીડને સંભાળવાની કોઈ યોજના નહોતી. જો કે, થિયેટર મેનેજમેન્ટે દાવો કર્યો છે કે તેમણે અલ્લુ અર્જુનની પુષ્પા-2ના પ્રીમિયરના બે દિવસ પહેલા પોલીસને જાણ કરી હતી અને સુરક્ષા વ્યવસ્થાની માંગ કરી હતી. તેમ છતાં પોલીસે બંદોબસ્ત કર્યો ન હતો. આ પછી અલ્લુ અર્જુને એક વીડિયો જાહેર કર્યો અને પીડિત પરિવારને મદદની ઓફર કરી. પરંતુ આ અકસ્માતે એક નવી ચર્ચાને જન્મ આપ્યો કે શું આવી ઘટના માટે કોઈ અભિનેતાને જવાબદાર ઠેરવી શકાય?
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.