Telangana govt on high alert for covid uk strain as 1200 passenger arrive from uk to Hyderabad
ચિંતા /
કોરોનાના નવા સ્ટ્રેન મુદ્દે આ રાજ્યમાં ટેન્શન વધ્યું, અહીં બ્રિટનથી 1200 યાત્રીઓ ફર્યા છે પરત
Team VTV09:11 PM, 25 Dec 20
| Updated: 09:13 PM, 25 Dec 20
બ્રિટનમાં કોરોના વાયરસના નવા સ્ટ્રેનના આગમન પછી વિશ્વવ્યાપી ભય વ્યાપ્યો છે. નવો સ્ટ્રેન બાકીના વિશ્વમાં નુકસાન ન પહોંચાડે તેની ખાતરી કરવા માટે ચાલીસથી વધુ દેશોએ બ્રિટનની એરલાઇન્સ પર પ્રતિબંધ મૂક્યો છે.
આ વિશે મોટા સમાચાર હવે તેલંગાણાથી પણ આવી રહ્યા છે. તેલંગાણાએ બ્રિટનથી આવતા મુસાફરો માટે ચેતવણી જારી કરી છે.
9 ડિસેમ્બરે કોરોના વાયરસના નવા સ્વરૂપની ઓળખ થયા પછી બ્રિટનથી 1,200 મુસાફરો તેલંગાણા પહોંચ્યા છે. તેલંગાણાના જાહેર આરોગ્ય નિયામક ડો. જી. શ્રીનિવાસ રાવે એક નિવેદન બહાર પાડ્યું હતું કે અમે બ્રિટનથી પાછા આવી ગયેલા લોકોની માહિતી લઈ રહ્યા છીએ અને તેમની તબિયત ચકાસી રહ્યા છીએ. શ્રીનિવાસે કહ્યું કે અત્યાર સુધી જે લોકો બ્રિટનથી તેલંગાણા પહોંચ્યા છે તેમાંથી 16 કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે.
રિપોર્ટ નેગેટિવ આવ્યા પછી પણ રહેવું પડશે ક્વોરનટાઈન
તેમણે કહ્યું કે બ્રિટનથી આવેલા તમામ લોકો માટે કોરોના ટેસ્ટ કરવામાં આવી રહ્યો છે. જો રિપોર્ટ નેગેટિવ આવે તો પણ આ મુસાફરોને હોમ ક્વોરનટાઈન જ રહેવું પડશે. આ ઉપરાંત જેમનો પોઝિટિવ રિપોર્ટ આવ્યો છે, તેઓને લક્ષણોના આધારે હોસ્પિટલમાં સારવાર આપવામાં આવશે. તેમણે કહ્યું કે રાજ્યમાં હજી સુધી નવા પ્રકારના કોરોના વાયરસના કોઈ કેસ નોંધાયા નથી, એરપોર્ટ પર સર્વેલન્સ પણ વધારી દેવામાં આવ્યું છે.
2 લાખથી વધુ લોકો કોરોના સંક્રમિત
તેલંગાણામાં કોવિડ 19ના નવા 518 કેસ નોંધાયા છે અને વધુ ત્રણ દર્દીઓનાં મોત નીપજ્યાં છે. રાજ્ય સરકાર દ્વારા જારી કરવામાં આવેલા બુલેટિનમાં એવું કહેવામાં આવ્યું છે કે નવા કેસો સાથે કોરોના વાયરસથી સંક્રમિત લોકોની સંખ્યા વધીને 2.84 લાખથી વધુ થઈ ગઈ છે જ્યારે મૃતકોની સંખ્યા 1527 પર પહોંચી ગઈ છે.
તદનુસાર, ગ્રેટર હૈદરાબાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (GHMC) વિસ્તારમાં 91 કેસ નોંધાયા હતા. રંગારેડ્ડીના 41 કેસ છે, મેડચલ મલકાજગિરીમાં 39 કેસ નોંધાયા છે. રાજ્ય સરકાર દ્વારા જારી કરવામાં આવેલા બુલેટિનમાં ગુરુવારે રાત્રે આઠ વાગ્યા સુધીના કેસોની વિગતો આપવામાં આવી છે.
6839 દર્દીઓનો ચાલી રહ્યો છે ઈલાજ
અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે રાજ્યમાં અત્યાર સુધીમાં 2.75 લાખથી વધુ લોકોને ચેપમુક્ત છે. ચેપથી પીડિત 6839 દર્દીઓની સારવાર ચાલી રહી છે અને ગુરુવારે 44,869 નમૂનાઓની તપાસ કરવામાં આવી છે. કુલ મળીને અત્યાર સુધીમાં 66.55 લાખથી વધુ નમૂનાઓનું પરીક્ષણ કરવામાં આવ્યું છે.
બુલેટિને જણાવ્યું હતું કે દર 10 લાખની વસ્તીમાં લગભગ 1.78 લાખ નમૂનાઓનું પરીક્ષણ કરવામાં આવ્યું છે. રાજ્યમાં કોવિડ 19 નો મૃત્યુ દર 0.53 ટકા છે જ્યારે રાષ્ટ્રીય સ્તર 1.4 ટકા છે.